ખાલિસ્તાની આતંકવાદી પન્નૂ સામે પંજાબમાં નોંધાઈ ફરિયાદ, હિન્દુ મંદિર કમિટીને આપી હતી ધમકી
Punjab Police Action : પંજાબ પોલીસે ધર્મ અને જાતિના આધાર પર અલગ અલગ સમૂહો વચ્ચે દુશ્મની વધારવાના આરોપમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નૂ પર કેસ દાખલ કર્યો છે. પોલીસે બુધવારે કહ્યું કે, 23 જાન્યુઆરીએ અમૃતસરના સુલ્તાનવિંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. પન્નૂને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાયદે ગતિવિધિ અધિનિયમ એટલે કે UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. તેની સાથે જ શીખ ફૉર જસ્ટિસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ગુરપતવંત સિંહે દાવો કર્યો હતો કે, અમૃતસરના શ્રી દુર્ગિયાના મંદિરનું હિન્દુ ધર્મમાં કોઈ ઐતિહાસિક મહત્વ નથી. ખાલિસ્તાન સમર્થક પન્નૂએ મંદિર તંત્રને મંદિર બંધ કરવા અને ચાવીઓ ગોલ્ડન ટેમ્પલ તંત્રને સોંપવાની ચેતવણી આપી હતી.
પંજાબ પોલીસે કહ્યું કે, પન્નૂના સોશિયલ મીડિયા વીડિયોના આધાર પર કેસ દાખલ કર્યો છે. તેમની સામે IPCની કલમ 153A (ધર્મ, જાતિના આધાર પર અલગ અલગ સમૂહો વચ્ચે દુશ્મની વધે તેવા નિવેદન આપવા) અને 505 હેઠળ કેસ દાખલ કરાયો છે.
શીખ ફૉર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નૂએ 16 જાન્યુઆરીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને પોલીસ પ્રમુખ ગૌરવ યાદવને પણ ધમકી આપી હતી. તેનો એક નવો વીડિયો જાહેર કરીને પંજાબના ગેંગસ્ટરોને તેમનો સંપર્ક કરવા માટે કહ્યું હતું. તેની સાથે જ તેણે 26 જાન્યુઆરીએ માહોલ ખરાબ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેમણે ભગવંત માનની પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહ અને પંજાબના DGP ગૌરવ યાદવની પૂર્વ ડીજીપી ગોવિંદ રામ સાથે તુલના કરી હતી. આ બંનેની હત્યા કરી દેવાઈ હતી.
કેટલાક પત્રકારોએ મોકલેલા એક ઈમેઈલ અને પીટીઆઈ દ્વારા એક્સેસ કરાયેલા બે વીડિયોમાં ગુરપતવંત સિંહ પન્નૂ ધમકી આપતો જોવા મળે છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહની વર્ષ 1995માં એક બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરી દેવાઈ હતી. પંજાબના પૂર્વ DGP ગોવિંદ રામ પણ વર્ષ 1990માં એક બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હા. પન્નૂએ એક વીડિયોમાં વડાપ્રધાન મોદીને વગર સુરક્ષાએ ગણતંત્ર દિવસ પરેડમાં સામેલ થવાનો પડકાર ફેંક્યો હતો. તેની આ ધમકીઓ બાદ સુરક્ષા એજન્સીઓ પણ એક્શનમાં છે.
Comments
Post a Comment