રામ લલ્લાના પ્રથમ દર્શન : ભાલે તિલક, મનમોહક મુસ્કાન
- પ્રભુ શ્રીરામની પ્રતિમા 3.4 ફૂટ ઊંચા આસન પર પ્રતિષ્ઠિત
- સોમવારે બપોરે 84 સેકન્ડના શુભ મુહૂર્તમાં કમળ પર ઊભી મુદ્રામાં રામ લલ્લાના સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા થશે : જૂની પ્રતિમા પણ ગર્ભગૃહમાં જ રખાશે
અયોધ્યા : ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં સોમવારે રામલલ્લાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિ કેવી છે તેની રામભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તેમની આ આતુરતાનો શુક્રવારે અંત આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં શુક્રવારે રામલલ્લાની તસવીર જાહેર કરાઈ છે. કાળા પથ્થરમાંથી બનાવાયેલી શ્રીરામની મૂર્તિના ચહેરા પર મધુર મુસ્કાન, માથા પર તિલક અને હાથમાં ધનુષ અને બાણ જોવા મળે છે.
મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરાયેલી ૫૧ ઈંચની રામ લલ્લાની મૂર્તિ ગુરુવારે બપોરે મંત્રોચ્ચાર સાથે રામજન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરાઈ હતી. ગર્ભગૃહમાં વિરાજિત અચલ વિગ્રહની અનેક વિશેષતાઓ છે. શ્યામ શિલામાંથી બનાવાયેલ આ વિગ્રહની વય હજારો વર્ષની છે. ચંદન, કંકુ વગેરે લગાવવાથી પ્રતિમાની ચમક પર કોઈ અસર નહીં પડે. આ પ્રતિમાનું વજન ૧૫૦થી ૨૦૦ કિલો છે. મૂર્તિની ઉપર મુકુટ અને આભામંડલ છે. શ્રી રામની ભૂજાઓ ઘૂંટણ સુધી લાંબી છે. મસ્તક સુંદર, આંખો મોટી અને ભવ્ય કપાળ છે. કમળ પર ઊભી મુદ્રામાં મૂર્તિના હાથમાં ધનુષ અને તીર છે. આ પ્રતિમા પાંચ વર્ષના બાળકની બાળ સહજ કોમલતા દર્શાવે છે. આ પ્રતિમાની તસવીર શુક્રવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. રામલલ્લાની મૂર્તિ માટે ૩.૪ ફૂટ ઊંચું આસન બનાવાયું છે. રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા માટે ૮૪ સેકન્ડનું શુભ મુહૂર્ત કાઢવામાં આવ્યું છે. સોમવારે બપોરે ૧૨ કલાક ૨૯ મિનિટ ૮ સેકન્ડથી ૧૨ કલાક ૩૦ મિનિટ ૩૨ સેકન્ડના સમયમાં પ્રાણપ્રતિષ્ઠા કરાશે. દરમિયાન અયોધ્યામાં ૧૬ જાન્યુઆરીથી રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ શરૂ થયો છે, જેના ભાગરૂપે રામલલાના અચલ વિગ્રહની જગ્યાએ ચાંદીની મૂર્તિનું મંદિર પરિસરમાં ભ્રમણ કરાવાયું હતું.
ભગવાન રામના નવા વિગ્રહની રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના થઈ ગઈ છે. રામલલ્લાના બાળ સ્વરૂપની નવી શ્યામ પ્રતિમાની સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે રામ ભક્તો અત્યાર સુધી જે મૂર્તિની પૂજા કરતા હતા તેનું શું થશે તેવો સવાલ ઊઠવા લાગ્યો છે. આ અંગે અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, રામ લલ્લાની નાની મૂર્તિને પણ ગર્ભગૃહમાં જ સ્થાન અપાયું છે. અનેક વર્ષોથી તેમની પૂજા થઈ રહી છે. આથી આ પ્રતિમાને પણ ગર્ભગૃહમાં જ રખાશે. શુક્રવારે સંધ્યા આરતી પછી રામલલ્લાની નાની મૂર્તિ નવા મંદિરમાં સ્થાપિત કરાશે. ત્યાર પછી ત્યાં પૂજા અર્ચના થશે. રામ ભક્તો નવા મંદિરમાં બંને પ્રતિમાના દર્શન કરી શકશે.
રામલલ્લાની મૂર્તિમાં વિષ્ણુના દસ અવતારના દર્શન
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ વચ્ચે ભગવાન રામના ભવ્ય મંદિરમાં સ્થાપિત રામલલ્લાની મૂર્તિની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ સાથે કાળા પથ્થરમાંથી બનેલી પ્રતિમાની અનેક વિશેષતાઓ સામે આવી છે. મૈસૂરના મૂર્તિકાર અરૂણ યોગીરાજે બનાવેલી આ પ્રતિમાની વિશેષતા એ છે કે તે એક જ પથ્થરમાંથી બનાવાઈ છે. એટલે કે તેમાં કોઈ બીજો પથ્થર જોડવામાં આવ્યો નથી. ભગવાન રામની આ પ્રતિમા અંદાજે ૪.૨૪ ફૂટ ઊંચી અને ત્રણ ફૂટ પહોળી છે. આ મૂર્તિમાં ભગવાન રામના પાંચ વર્ષનું બાળ સ્વરૂપ દર્શાવાયું છે. સાથે ભગવાન વિષ્ણુના ૧૦ અવતાર પણ દર્શાવાયા છે, જેમાં જમણી બાજુ મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન અને ડાબી બાજુ પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કીનો સમાવેશ થાય છે. આ સિવાય જમણી બાજુ નીચેની તરફ રામ ભક્ત હનુમાન તથા ડાબી ભગવાન વિષ્ણુના વાહન ગરુડની પ્રતિમા છે. વધુમાં સૂર્યવંશી ભગવાન રામની આ મૂર્તિમાં મુકુટની બાજુમાં સૂર્ય ભગવાન, શંખ, સ્વસ્તિક, ચક્ર અને ગદા જોવા મળે છે.
Comments
Post a Comment