Ayodhya Ram Mandir : પ્રાણપ્રતિષ્ઠા પહેલા શંકરાચાર્યના બદલાયા સુર, PM મોદીના કર્યા વખાણ


Ayodhya Ram Mandir Pran Pratishtha : અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવવા તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દેશભરમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજીતરફ નારાજ થયેલા શંકરાચાર્યએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપુર વખાણ કર્યા છે. શ્રીરામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મામલે સવાલ ઉઠાવનાર શંકરાચાર્યએ ઉલટું નિવેદન કર્યું છે.

‘મોદી PM બન્યા બાદ હિન્દુઓનું સ્વાભિમાન જાગ્યું’

પ્રાણપ્રતિષ્ઠાના એક દિવસ પહેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મીડિયા સાથે વાતચીત કરી છે, જેમાં તેમણે પીએમની પ્રશંસા કરતા કહ્યું કે, ‘અમે મોદી વિરોધી નથી. મેં તો ઘણીવાર કહ્યું છે કે, તેમના વડાપ્રધાન બન્યા બાદ ભારતના હિન્દુઓનું સ્વાભિમાન જાગ્યું છે. અમે કોઈની પણ ટીકા કરી રહ્યા નથી. અમે તેમની પ્રશંસા કરીએ છીએ.’ 


શંકરાચાર્યએ શું કહ્યું?

તેમણે આજે કહ્યું કે, ‘સત્ય એ છે કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાં જ હિન્દુઓનું સ્વાભિમાન જાગી ગયું છે. આ નાની વાત નથી. મેં ઘણીવાર જાહેરમાં કીધું છે કે, અમે મોદી વિરોધી નહીં, પરંતુ મોદીના પ્રશંસક છીએ. અમે તેમની પ્રશંસા કરીએ છીએ, કારણ કે તેમના જેવા બહાદુર, હિન્દુઓ માટે દ્રઢતાથી ઉભા રહેનારા સ્વતંત્ર ભારતમાં કયા વડાપ્રધાન છે? અમે કોઈની પણ ટીકા કરી રહ્યા નથી, પરંતુ તેઓ પ્રથમ એવા વડાપ્રધાન છે, જેઓ હિન્દુઓની ભાવનાઓનું સમર્થન કરે છે.’

અગાઉ શંકરાચાર્યએ શું કહ્યું હતું?

અગાઉ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રાણપ્રતિષ્ઠાના આયોજનને લઈ સવાલ ઉઠાવ્યા હતા, જોકે આજે તેમના સુર બદલાયા છે અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે. તેમણે તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘વિધિ-વિધાન સાથે શિખર બન્યા બાદ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ તો અમે જરૂર અયોધ્યા જઈશું. પ્રતિજ્ઞાની પાળી તમામ કાર્યક્રમોમાં ભાગ લઈશું, પરંતુ ભગવાન રામ સામે નહીં જઈએ. અમે ત્યારે જ જઈશું, જ્યારે ગૌહત્યા બંધ કરાશે. જો 22 જાન્યુઆરી-2024ના રોજ કાર્યક્રમ કરવાની તેમની જીદ છે, તો ગૌહત્યા પર પ્રતિબંધની જાહેરાત કરવી જોઈએ. જો પીએમ મોદી આવું કરશે તો પણ અમે ભગવાનને કહીશું કે, જે પણ ભૂલ થઈ રહી છે, તેના બદલામાં કૃપા કરો. ગૌહત્યા પ્રતિબંધ બહુ મોટું કામ થઈ જશે. અમારી કયા કારણોસર પીએમ મોદી સાથે દુશ્મની હશે? આ તો કોઈ જવાબ ન હોવાના કારણે અને અમારા વાંધાને રદીયો ન આપી શકવાના કારણે લોકો આવી વાતો (એન્ટી-મોદી) કરી રહ્યા છે. તેઓ થોડા હિંમતવાળા વ્યક્તિ છે અને અમને આવા વ્યક્તિ સારા લાગે છે. તેમના હાથોથી અયોધ્યામાં ખોટું કામ કરાવાઈ રહ્યું છે. અમે ઈચ્છા નથી કે, પીએમ મોદીના હાથથી કોઈ ખોટું કામ થાય. વાસ્તવમાં અમે તેમના શુભચિંતક છીએ, પરંતુ રાજકીય લોકો લેબલ લગાવી દે છે. અમે એ જ ઈચ્છીએ છીએ કે, તે સુશોભિત રહે.’

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો