ડોનાલ્ડ ટ્રમ્પે રેપ ફરિયાદીને આઠ કરોડ ડોલર ચુકવવા પડશે


- ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખની કોર્ટમાં સજ્જડ હાર

- ટ્રમ્પે બળાત્કાર કર્યાનો ઈનકાર કરીને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હોવાનો લેખિકા ઈ. જીન કેરોલનો આરોપ

ન્યુ યોર્ક : અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મેનહટન જ્યુરીએ શુક્રવારે લેખિકા ઈ. જીન કેરોલને ૮.૩૩ કરોડ ડોલર ચુકવવાનો આદેશ આપ્યો હતો. કેરોલનો દાવો હતો કે ૧૯૯૦ના મધ્યના દાયકામાં ટ્રમ્પે તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું નકારીને એક વિશ્વસનીય પત્રકાર તરીકેની તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી. જ્યુરીએ પાંચ દિવસ ચાલેલી સુનાવણીમાં ત્રણ કલાકથી ઓછા સમયમાં આ ચુકાદો આપ્યો હતો. કેરોલે નુકસાની પેટે ઓછામાં ઓછા એક કરોડ ડોલરની માગણી કરી હતી. ટ્રમ્પે આ ચુકાદા સામે અપીલ કરવાનું નક્કી કર્યું છે.

૧૯૯૦ના દાયકામાં તેના પર બળાત્કાર કર્યો હોવાના આરોપને નકારતા હાલ ૮૦ વર્ષની કેરોલે નવેમ્બર ૨૦૧૯માં ટ્રમ્પ સામે દાવો માંડયો હતો. જ્યુરીએ કેરોલને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ ૧.૧ કરોડ સહિત વળતર પેટે ૧.૮૩ કરોડ ડોલર મંજૂર કર્યા હતા. ઉપરાંત દંડ તરીકે ૬.૫ કરોડ ડોલર પણ મંજૂર કર્યા હતા જે કેરોલના મતે ટ્રમ્પને તેની બદનામી કરતા રોકવા માટે જરૂરી હતા. ટ્રમ્પે પોતાના બચાવમાં કહ્યું હતું કે તેઓ કેરોલને ઓળખતા પણ નહોતા અને કેરોલે માત્ર પોતાના સંસ્મરણોનું વેચાણ વધારવા આ ખોટો દાવો કર્યો હતો.

મે ૨૦૨૩માં અન્ય એક જ્યુરીએ ટ્રમ્પને આવા જ એક ઓક્ટોબર ૨૦૨૨ના કેસમાં ઈન્કાર કરવા બદલ ૫૦ લાખ ડોલર ચુકવવાનો આદેશ આપ્યો હતો. જ્યુરીના મતે ટ્રમ્પે કેરોલની બદનામી કરી હતી અને જાતીય સતામણી કરી હતી. ટ્રમ્પે આ નિર્ણય સામે અપીલ કરી હતી અને પ્રક્રિયા દરમ્યાન પચાસ લાખ ડોલર અલગ રાખ્યા હતા. બંને અપીલોને વર્ષો લાગી શકે છે. અમેરિકી જિલ્લા ન્યાયાધીશે જણાવ્યું કે અગાઉનો ચુકાદો બીજી ટ્રાયલને લાગુ પડયો છે જેમાં ટ્રમ્પે કેરોલનો બળાત્કાર કર્યાનો આરોપ સામેલ હતો.

કેરોલના કેસમાં ટ્રમ્પનો બચાવ કરતા વકીલોએ કહ્યું કે શુક્રવારનો ચુકાદો રાજકીય દ્રષ્ટિએ અપાયો હતો અને ટ્રમ્પ અપીલમાં ચોક્કસ સફળ થશે. ટ્રમ્પે પોતાની કાયદાકીય મુશ્કેલીઓનો ઉપયોગ પોતાને રાજકીય પ્રેરિત જૂઠાણાં અને પક્ષપાતી, નિયંત્રણ બહારની ન્યાયિક વ્યવસ્થાના પીડિત તરીકે દર્શાવવા માટે કર્યો છે. તેમણે અલગ ચાર ફોજદારી આરોપોમાં ૯૧ ગુનાઓ માટે નિર્દોષ હોવાનો દાવો કર્યો છે, જેમાં ૨૦૨૦ ની ચૂંટણીની હારને ગેરકાયદેસર રીતે ઉથલાવી દેવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા બે કેસનો સમાવેશ થાય છે.

કેરોલની ટ્રાયલ દરમ્યાન ટ્રમ્પે આ કેસને છેતરપિંડી અને પોતાને ફસાવવાની પ્રવૃત્તિ તરીકે ઓળખાવી હતી, જેના પરિણામે ન્યાયાધીશે બે વાર ચૂપ રહેવાની ચેતવણી આપવી પડી હતી. કેરોલની વકીલે દલીલ કરી હતી કે ટ્રમ્પનું તેની અસીલ પ્રત્યે એવું વર્તન હતું જાણે પોતે કાયદાથી બંધાયેલો નથી અને તેને એની સખત સજા થવી જોઈએ. ટ્રમ્પ ગુરુવારે હાજર રહ્યા હતા, પણ સાક્ષીના સ્ટેન્ડમાં માત્ર ચાર મિનિટ વીતાવી હતી કારણ કે ન્યાયાધીશે તેમને પહેલી ટ્રાયલમાં નક્કી થયેલા મુદ્દાની સમીક્ષા કરવાની મનાઈ કરી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો