દેશમાં કાળઝાળ ગરમીની શરૂઆત પહેલાં જ 13 નદીઓ સુકાવા લાગી
- રાજ્યો અગનભઠ્ઠી બનશે તેવી ચેતવણી વચ્ચે આંચકાજનક અહેવાલથી ખળભળાટ
- દક્ષિણના રાજ્યો, મહારાષ્ટ્ર, ગુજરાતના જળાશયોમાં પાણી ઓછું, દેશના 86 જળાશયોમાં કુલ ક્ષમતા કરતાં 40 ટકાથી ઓછું પાણી
- ગંગા નદી 11 રાજ્યોના 2.86 લાખ ગામોને સિંચાઈ-પીવાનું પાણી આપે છે
નવી દિલ્હી : એપ્રિલ મહિનો શરૂ થવાની સાથે દેશમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે હીટવેવ અને તાપમાન ૪૫ ડિગ્રીને પાર જશે તેવી ચેતવણી આપી છે ત્યારે સરકારનો વધુ એક આંચકાજનક અહેવાલ આવ્યો છે. દેશમાં ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર, નર્મદા, તાપી, સાબરમતી, ગોદાવરી, મહાનદી, કાવેરી સહિતની નદીઓ ખૂબ જ ઝડપથી સુકાવા લાગી છે. ગંગા નદી ૧૧ રાજ્યોના ૨.૮૬ લાખ ગામોને સિંચાઈ અને પીવાનું આપણી આપતી હોવાથી ઉનાળામાં પાણીનું સ્તર સુકાતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.
કેન્દ્રીય જળ આયોગના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે દેશના ૧૫૦ મહત્વના જળાશયોમાં પાણી જમા કરવાની કુલ ક્ષમતા કરતાં ૩૬ ટકા ઓછું પાણી છે. ૮૬ જળાશયોમાં પાણી ૪૦ ટકા અથવા તેનાથી ઓછું છે. ૨૮ માર્ચે સીડબલ્યુસીએ જાહેર કરેલા બુલેટિન મુજબ મોટાભાગના જળાશયો દક્ષિણના રાજ્યો, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે.
હવામાન વિભાગ મુજબ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં એક માર્ચ ૨૦૨૪થી અત્યંત ઓછો વરસાદ થયો છે. આંધ્ર પ્રદેશમાં ૬૫ અને તેલંગણામાં ૬૭ ટકા ઓછો વરસાદ થયો છે. દેશની નદીઓ સિંચાઈ, પીવાનું પાણી પૂરું પાડે છે. આ સિવાય ટ્રાન્સપોર્ટ અને વીજળી ઉત્પાદનમાં પણ મદદરૂપ થાય છે. આ નદીઓ દેશમાં સામાજિક અને આર્થિક વિકાસનો મહત્વનો સ્રોત છે.
સરકાર માટે ચિંતાજનક બાબત એ છે કે ૨૦માંથી ૧૨ નદીઓના બેસિનમાં ગયા વર્ષની સરખામણીમાં પાણી ઓછું છે. સીડબલ્યુસી પાસે ૨૦ નદીઓના બેસિનનો લાઈવ ડેટા રહે છે. મોટાભાગના બેસિનમાં ૪૦ ટકા સ્ટોરેજ ક્ષમતા નોંધાઈ છે. ૧૨ નદીઓના બેસિનમાં પાણીનો સંગ્રહ ગયા વર્ષની સરખામણીએ ઘણો ઓછો છે. દક્ષિણ ભારતમાં કાવેરી, પેન્નાર અને કન્યાકુમારી વચ્ચે પૂર્વ તરફ વહેતી નદીઓને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં સ્ટોરેજ ઘણું ઓછું જોવા મળ્યું છે.
દેશની સૌથી મોટી નદી ગંગાં છે, પરંતુ અહીં હાલ કુલ ક્ષમતા કરતાં અડધાથી પણ ઓછું સ્ટોરેજ છે. એટલે કે ગંગાના બેસિનમનાં ૪૧.૨ ટકા પાણી જ છે. ગંગા નદી ૧૧ રાજ્યોમાં અંદાજે ૨.૮૬ લાખ ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે. પરંતુ હવે આ પ્રમાણ ઘટી રહ્યું છે. ગંગા બેસિનથી પાણી ઘટતા ખેતી પર અસર થશે, કારણ કે આ બેસિનનો ૬૫.૫૭ ટકા વિસ્તાર કૃષિ ભૂમિ છે. નર્મદામાં ૪૨.૨ ટકા, તાપીમાં ૫૬ ટકા, ગોદાવરીમાં ૩૪.૭૬ ટકા, મહાનદીમાં ૪૯.૫૩ ટકા અને સાબરમતીમાં ૩૯.૫૪ ટકા પાણીની અછત છે.
મહાનદી અને પેન્નાર વચ્ચે પૂર્વ તરફ વહેતી ૧૩ નદીઓ તો એકદમ સુકાઈ ગઈ છે. તેમાં પાણી જ નથી. આ નદીઓમાં રુશિકુલ્યા, વરાહ, બાહુદા, વંશધારા, નાગાવલી, સારદા, તાંડવ, એલુરુ, ગુંડલકમ્મા, તમ્મિલેરુ, મુસી, પલેરુ અને મુનેરુનો સમાવેશ થાય છે. આ નદીઓ આંધ્ર પ્રદેશ, તેલંગણા, ઓડિશામાં વહે છે. ઉનાળો હજુ તો શરૂ થયો છે ત્યારે આ નદીઓની આ સ્થિતિ ચિંતાજનક છે. આ નદીઓથી ૮૬,૬૪૩ વર્ગ કિ.મી.ના વિસ્તારમાં સિંચાઈ થાય છે અને આ નદીઓ બંગાળની ખાડીમાં પહોંચે છે. તેમના બેસિનમાં ૬૦ ટકા હિસ્સો કૃષિ ક્ષેત્રનો છે. એટલે કે આ વખતે પાણીની અછતની અસર કૃષિ પર પણ જોવા મળશે.
Comments
Post a Comment