ગુજરાત પોલીસને મળી સફળતા, સટ્ટા માટે કરમસદથી દુબઇ સીમકાર્ડ મોકલવાનાં કૌભાંડનો પર્દાફાશ


જુદાજુદા નામેથી ખરીદી એક્ટીવ કરેલા 145 સીમકાર્ડ મળ્યા

એસઓજીએ રેડ પાડી કરમસદ, નાપાડમાંથી ત્રણ શખ્સોને ઝડપી લીધા

આણંદ: આણંદ એસઓજી પોલીસે બુધવારે કરમસદ ખાતેથી એક શખ્સને એક્ટીવ કરેલા ૧૪૫ સીમકાર્ડ તથા ૧૪ જેટલા ડેબિટ-ક્રેડીટ કાર્ડ સાથે ઝડપી પાડયો હતો. બાદમાં નાપાડ ખાતેથી સીમકાર્ડ આપનાર બે શખ્સોને ઝડપી લઈ વિદ્યાનગર પોલીસના હવાલે કર્યા હતા.

કરમસદ ખાતે રહેતો ચિરાગ સુરેશભાઈ સોલંકી એક્ટિવ કરેલા સીમકાર્ડ દુબઈ મોકલી ઓનલાઈન ગેમિંગ ઝોન તથા સટ્ટામાં ઉપયોગ કરાવતો હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી. 

જેથી એસઓજી ટીમે બુધવારે કરમસદના રામદેવપીર મંદિર પાછળ આવેલા સોમાભાઈ રેસીડેન્સી ખાતે છાપો મારીને ચિરાગને ઝડપી પાડયો હતો. પોલીસે એક કબાટમાંથી એક્ટિવ કરેલા એરટેલ કંપનીના કુલ ૧૪૫ નંગ સીમકાર્ડ તથા ૧૪ જેટલા બેંકના ડેબિટ-ક્રેડિટ કાર્ડ જપ્ત કર્યા હતા. 

જે અંગે પુછતાં એક્ટિવ કરેલા સીમકાર્ડ તેણે નાપાડ ગામે રહેતા સમર શહીદખાન રાઠોડ અને જેનુલઆબેદીન રણજીતભાઈ રાઠોડ પાસેથી એક સીમકાર્ડ રૂા.૧,૨૫૦માં ખરીદ્યું હતું અને તે દુબઈ લઈ જઈ જૈમિન ચીમનભાઈ ઠાકોરને વેચવાનો હોવાની કબુલાત કરી હતી.

એસઓજીએ કબુલાતના આધારે સીમકાર્ડ, ૧ મોબાઈલ સહિત કુલ રૂા.૪૨,૨૫૦નો મુદ્દામાલ જપ્ત કરી નાપાડ ખાતે છાપો મારી સમર રાઠોડ તથા જેનુલઆબેદીન રાઠોડને પણ ઝડપી પાડયા હતા. આ બંને શખ્શો અલગ-અલગ નામ-સરનામાથી એક્ટિવ કરેલા સીમકાર્ડ ચિરાગને વેચતા હોવાનું ખુલવા પામ્યું હતું. 

એસઓજીએ વિદ્યાનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.  પોલીસની પ્રાથમિક તપાસમાં આ સીમકાર્ડો દુબઈ ખાતે લઈ જઈ ત્યાં ઓનલાઈન ગેમિંગ ઝોન તેમજ સટ્ટાબેટિંગમાં ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનું ખુલવા પામ્યું છે.

- સીમકાર્ડ જેના નામના છે તેઓની પણ પુછપરછ કરાશે

કરમસદના ચિરાગ સોલંકીએ નાપાડના બે શખ્શો પાસેથી સીમકાર્ડ મેળવતો હોવાની કબુલાત કરી હતી ત્યારે નાપાડના બંને શખ્શો કેવી રીતે સીમકાર્ડ મેળવતા હતા તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને જે વ્યક્તિઓના નામના સીમકાર્ડ છે તેની વિગત કંપનીમાંથી મંગાવી જે-તે વ્યક્તિનો સંપર્ક કરી પુછપરછ કરવામાં આવશે.

- ચિરાગ આજે જ દુબઇ જવાનો હતો તે પહેલા એસઓજીએ ઝડપી લીધો

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કરમસદ ખાતેથી ૧૪૫ નંગ એક્ટીવ સીમકાર્ડ સાથે ઝડપાયેલ ચિરાગ સુરેશભાઈ સોલંકી આજે જ દુબઈ જવાનો હતો. જો કે તે સીમકાર્ડ લઈને દુબઈ રવાના થાય તે પહેલા જ આણંદ એસઓજી પોલીસે તેને ઝડપી પાડયો હતો. અગાઉ ચિરાગ સોલંકીએ દુબઈની કેટલીવાર સફર કરી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ચિરાગ પાસે પાસપોર્ટની માંગણી સહિત પાસપોર્ટ ઓફિસથી પણ આ અંગે માહિતી એકત્ર કરવામાં આવશે તેવુ પોલીસ જણાવી રહી છે.

- દુબઈના શખ્સે વેચાણ માટે સીમકાર્ડ ખરીદ્યા હોવાનું ખૂલ્યું

દુબઇમાં રહેતા અને ભારતમાંથી સીમકાર્ડ મંગાવનાર જૈમીન ચીમનભાઈ ઠાકોર (રહે. મુળ ગાયત્રી પાર્ક, રામદેવપીર મંદિર સામે, કરમસદ, હાલ- દુબઈ) એ પ્રત્યેક સીમકાર્ડ રૂ.૧,૫૦૦માં વેચાણ આપવા માટે લીધા હોવાનું અને ડેબીટ તથા ક્રેડીટ કાર્ડ અંગત ઉપયોગ માટે લીધા હોવાનું કરમસદથી ઝડપાયેલા ચિરાગ સોલંકીએ કબુલ્યું હોવાનું જાણવા મળે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો