100 સૌથી પ્રભાવશાળી લોકોની ટાઈમ મેગેઝિનની યાદી જાહેર, સાક્ષી મલિક, આલિયા સહિત 'મૂળ ગુજરાતી' પણ સામેલ
100 Most Influential People : જાણિતા 'ટાઈમ' મેગેઝિનની બુધવારે જાહેર દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરાઈ છે. જેમાં ઓલમ્પિક મેડલ વિજેતા ભારતીય પહેલવાન સાક્ષી મલિકને પણ ટાઈમ મેગેઝિને 2024ના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સામેલ કર્યા છે. આ સિવાય ભારતીયોમાં વર્લ્ડ બેંકના અધ્યક્ષ અજય બંગા, બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ, માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, એક્ટર દેવ પટેલ, પ્રિયંવદા નટરાજન, ભારતીય મૂળના રેસ્ટોરાં માલિક અસ્મા ખાન સામેલ છે. આ યાદીમાં રશિયન વિપક્ષ નેતા એલેક્સ નવલનીની વિધવા યૂલિયા નવલનાયા પણ સામેલ છે.
જિગર શાહ છે મૂળ ગુજરાતી
ટાઈમના 2024ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ગુજરાતમાં જન્મેલા અને અમેરિકન ઉર્જા વિભાગના ડિરેક્ટર જિગર શાહ પણ આ યાદીમાં સામેલ છે. તેમનો જન્મ ગુજરાતના મોડાસામાં થયો હતો. તેઓ એક વર્ષના હતા ત્યારે તેઓ પોતાના પરિવાર સાથે અમેરિકા ચાલ્યા ગયા હતા.
સાક્ષી મલિકે બૃજભૂષણ સામે આપી હતી લડત
કુશ્તીમાં ભારતની એકમાત્ર મહિલા ઓલમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકને ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ દ્વારા મહિલા પહેલવાનોના કથિત યૌન શોષણ વિરૂદ્ધ તેમની લડાઈ માટે આ યાદીમાં જગ્યા આપવામાં આવી છે. યાદીમાં અન્ય ભારતીયોમાં એક્ટર આલિયા ભટ્ટ, ઈન્ડો-બ્રિટિશ એક્ટર દેવ પટેલ અને માઈક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી સત્યા નડેલા સામેલ છે.
અજય બંગા : બિઝનેસમેન અજય બંગાએ પણ ટાઈમ મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં જગ્યા બનાવી છે. અજય બંગા વર્લ્ડ બેંકના અધ્યક્ષ છે અને તેમનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં થયો છે.
અસ્મા ખાન : જાણિતા શેફ અસ્મા ખાનને પણ આ યાદીમાં જગ્યા મળી છે. કોલકાતામાં જન્મેલી અસ્મા ખાન જાણિતી શેફ છે અને તે લંડનના રેસ્ટોરાં દાર્જિલિંગના માલિક પણ છે.
પ્રિયંવદા નટરાજન : ટાઈમ મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં યેલ યુનિવર્સિટીના પ્રોફેસર પ્રિયંવદા નટરાજનને પણ જગ્યા મળી છે. તમિલનાડુના કોયંબતૂરમાં જન્મેલા પ્રિયંવદા નટરાજન યેલ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ એસ્ટ્રોનોમી એન્ડ ફિઝિક્સના પ્રોફેસર છે. બ્લેક હોલ્સને લઈને તેમની સ્ટડીના કારણે દુનિયાભરમાં તેમને ઓળખવામાં આવે છે.
Comments
Post a Comment