દેશમાં આ વર્ષે લા નીનાની અસરને કારણે ચોમાસું સારું રહેશેઃ હવામાન વિભાગની આગાહી


IMD Monsoon Forecast : ભારતીય હવામાન વિભાગ (IMD) ખેડૂતો માટે આનંદના સમાચાર લઈને આવ્યું છે. IMDની આગાહી મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ પડવાની સાથે સરેરાશ કરતા વધુ વરસાદ પડવાની સંભાવના છે. આ કારણે ભારતની અર્થવ્યવસ્થાનું મહત્વનું અંગ કહેવાતા કૃષિ ક્ષેત્રને વધુ વેગ મળશે.

ચોમાસાનો સમયગાળો લાંબો રહેશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશભરમાં જૂનથી સપ્ટેમ્બરમાં ચોમાસાનો સમયગાળો લાંબો રહેવાનો છે, જેમાં લગભગ 106 ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. માત્ર પાંચ ટકા જ વરસાદમાં વધ-ઘટ થવાની આશા છે. આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે.  ચોમાસું સામાન્ય રીતે કેરળ થઈને એક જૂનની આસપાસ ભારતમાં આવે છે. ચાર મહિનાના વરસાદ પછી એટલે કે સપ્ટેમ્બરના અંતમાં તે રાજસ્થાન થઈને વિદાય લે છે. 

લા નીનાના કારણે વધુ વરસાદ પડશે

હવામાન વિભાગે કહ્યું કે, અલ નીનોની સ્થિતિ ધીમે ધીમે નબળી પડી રહી છે, જેના કારણે લા નીનાની અસર ઓગસ્ટ-સપ્ટેમ્બર વચ્ચે શરૂ થઈ શકે છે. આ જ કારણે ચોમાસામાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસાની ગતિ શરૂઆતમાં (જૂન-જુલાઈ)માં ધીમી રહેશે, પરંતુ બીજા તબક્કામાં (ઓગસ્ટ-સપ્ટેમ્બર) તેની ભરપાઈ થશે. વર્ષ 1971થી 2020 સુધીના 50 વર્ષના ડેટા મુજબ આ વર્ષે 87 સેન્ટીમીટર વરસાદ પડી શકે છે.

25 રાજ્યોમાં વધુ, 4માં સામાન્ય, 6માં ઓછો વરસાદ પડશે 

આગાહી મુજબ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ચંડીગઢ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી, દમણ-દીવમાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે છત્તીસગઢ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં સામાન્ય વરસાદ તેમજ ઓડિશા, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સામાન્યથી ઓછો વરસાડ પડવાની આગાહી કરાઈ છે.

IMD મેમાં મહત્વની આગાહી જાહેર કરશે

હવામાન વિભાગ ચોમાસાની સંશોધિત સ્થિતિ અંગે મે-2024ના છેલ્લા અઠવાડિયામાં એક આગાહી જાહેર કરશે. આઈએમડી દ્વારા જાહેર કરાતી આગાહી કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ મદદગાર સાબિત થાય છે. આ ઉપરાંત ખેડૂતોને પણ યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળે છે. આ અગાઉ 9મી માર્ચે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે સામાન્ય ચોમાસાની આગાહી જાહેર કરી હતી, જેમાં જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં 96થી 104%ની વચ્ચે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો