સંદેશખલીમાં મહિલાઓ પર અત્યાચાર અત્યંત શરમજનક


- કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારની ઝાટકણી કાઢી

- સંદેશખલી વિવાદમાં 1 ટકા પણ સત્ય હોય તો જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારની 100 ટકા નૈતિક જવાબદારી : હાઈકોર્ટ

- સંદેશખલી વિવાદમાં તપાસ માટે કમિશન અને વેબસાઈટ બનાવવા ભાજપ નેતા ટિબરેવાલનું સૂચન

- શાહજહાં શેખ ૫૫ દિવસ સુધી ભાગતો ફરતો હતો અને રાજ્યની પોલીસનું વલણ અસ્પષ્ટ હતું

કોલકાતા : પશ્ચિમ બંગાળ સરકારનાં મુખ્યમંત્રી મમતા બેનરજીની સરકારની ગુરુવારે કલકત્તા હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી. સંદેશખલિની ઘટના પર દાખલ સોગંદનામા પર સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ શિવગણલનમની બેન્ચે કહ્યું કે, આ સોગંદનામઓ મુજબ એક ટકા પણ સત્ય હોય તો તે અત્યંત શરમજનક છે. પશ્ચિમ બંગાળ કહે છે કે તે મહિલાઓ માટે સૌથી સુરક્ષિત છે. એક સોગંદનામું પણ સાચું સાબિત થશે તો આખા જિલ્લા તંત્ર અને શાસક પક્ષની ૧૦૦ ટકા નૈતિક જવાબદારી છે.

કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગણનમના અધ્યક્ષપદે બેન્ચે બંગાળ સરકારને કહ્યું કે આરોપી શાહજહાં શેખ પર આરોપ સાચા સાબિત થશે તો તમે જવાબદારીમાંથી છટકી શકશો નહીં. શાહજહાં શેખ ૫૫ દિવસથી ભાગતો ફરતો હતો. છતાં તમે અસ્પષ્ટ વલણ અપનાવ્યું હતું. તમે તમારી આંખો બંધ કરી લો તો કંઈ દુનિયામાં અંધારું નથી થઈ જતું. 

ન્યાયાધીશ હિરણ્યમ ભટ્ટાચાર્યને સમાવતી ડિવિઝન બેન્ચે આ કેસમાં દાખલ કુલ પાંચ પીઆઈએલ પર સુનાવણી કરી હતી. ડિવિઝન બેન્ચે ઉત્તર ૨૪ પરગણામાં સંદેશખલીમાં મહિલાઓ પર જાતીય અત્યાચાર અને જમીન પચાવી પાડવા અંગે સુઓ મોટો તથા આ કેસોની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાની અરજીઓ પર સુનાવણી કરી હતી. આ કેસોની તપાસ સીબીઆઈને સોંપવાનો વિરોધ કરતા પશ્ચિમ બંગાળના એડવોકેટ જનરલ કિશોર દત્તાએ દાવો કર્યો હતો કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓ વિશ્વાસ ગુમાવી ચૂકી છે. તેમણે રાજ્યમાં કેન્દ્રીય એજન્સીઓ જે કેસોની તપાસ કરે છે તેમાં સજાના દર સામે સવાલ ઉઠાવ્યો હતો. બીજીબાજુ ઈડીના વકીલે તપાસ આગળ વધારવા માટે સરકાર દ્વારા અસહકાર અપાતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ શિવગણનમે કહ્યું કે, એનસીબીઆરના રિપોર્ટમાં પશ્ચિમ બંગાળને મહિલાઓની સુરક્ષા માટે નંબર-૧ રાજ્ય ગણાવાયું છે ત્યારે સંદેશખલી કેસમાં રજૂ કરાયેલું એક પણ સોગંદનામું સાચું સાબિત થાય તો આંકડાકીય રીતે, જાહેર છબીની રીતે રાજ્યનું પતન થયું છે.

હાઈકોર્ટે પાછલી સુનાવણીમાં બંગાળ પોલીસને સંપૂર્ણપણે પક્ષપાતી ગણાવી હતી અને શેખ શાહજહાં વિરુદ્ધના આરોપોની 'નિષ્પક્ષ, પ્રમાણિક અને સંપૂર્ણ તપાસ' કરવા કહ્યું હતું. ભાજપ નેતા પ્રિયંકા ટિબરેવાલે પીડીતોનો પક્ષ રજૂ કરતા કોર્ટમાં કહ્યું કે, આ કેસમાં ફરિયાદો નોંધાવવામાં અનેક લોકોને ખૂબજ મુશ્કેલી પડી રહી છે. હું ત્યાં ગઈ છું. તેમના માટે કોલકાતા આવવું મુશ્કેલીભર્યું છે. તેમની સમસ્યા દૂર કરવા માટે મેં એક વેબસાઈટનું સૂચન કર્યું છે. તેમણે હાઈકોર્ટને કહ્યું કે, એક આયોગ બનાવવાનું પણ સૂચન કરાયું છે, જે લોકોનો સંપર્ક કરી શકે છે. લોકો ત્યાં પોતાની ફરિયાદો રજૂ કરી શકે છે. કમિશન અને વેબસાઈટ બંનેની જોગવાઈ કરી શકાય છે. સંદેશખલીમાં કાયદાનું શાસન ભાંગી પડયું હતું. લોકોની જમીન પર ગેરકાયદે રીતે કબજો કરી લેવાયો. આ માનવાધિકારોનો ભંગ હતો.

ટિબરવાલે એમ પણ કહ્યું કે, તેમને અનેક મહિલાઓની ફરિયાદો મળી છે, પરંતુ બદલાની કાર્યવાહીની ચિંતાઓના કારણે તેઓ નામ જાહેર કરવાનું ટાળે છે. તેમણે દાવો કર્યો કે, એક મહિલા તેના પિતાને મળવા ગઈ હતી. તેને ધોળા દિવસે લઈ જવાઈ અને શાહજહાં તથા અન્ય કાર્યકરોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. વિવિધ વકીલોની દલીલો સાંભળ્યા પછી ડિવિઝન બેન્ચે આ અરજીઓ પર તેનો ચૂકાદો અનામત રાખ્યો હતો.

સંદેશખલી વિવાદ : તૃણમૂલ નેતા પર વર્ષો સુધી મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ

પશ્ચિમ બંગાળના ૨૪ ઉત્તર પરગણા જિલ્લા સ્થિત સંદેશખલી વિસ્તારમાં બે મહિના પહેલા તૃણમૂલ કોંગ્રેસના તત્કાલીન નેતા શાહજહાં શેખ સહિત અન્ય લોકો પર અનેક મહિલાઓએ વર્ષો સુધી જાતીય શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો. આ સાથે તેમના પર ખેડૂતોની જમીનો પચાવી પાડવાનો પણ આરોપ મૂકાયો હતો. આ વિવાદ સામે આવતાં ભારે હોબાળો મચી ગયો હતો. લગભગ બે મહિના સુધી આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસે તૃણમૂલ પર શાબ્દિક હુમલા કર્યા હતા. વધુમાં કલકત્તા હાઈકોર્ટના આકરા વલણ પછી અંતે બંગાળ પોલીસે શાહજહાં શેખની ધરપકડ કરી હતી. ત્યાર પછી શેખની તૃણમૂલ કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરાઈ હતી. બીજીબાજુ લોકસભા ચૂંટણીમાં ભાજપે સંદેશખલી કેસની પીડિતા રેખા પાત્રાને બશીરહાટ બેઠક પરથી ઉમેદવાર બનાવી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો