તાઇવાનમાં 25 વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ : 10નાં મોત


- 7.7ના તીવ્રતાના ભીષણ ભૂકંપના લીધે મેટ્રો, ટ્રેન સર્વિસ અને એરપોર્ટ બંધ કરી દેવાયા

- તાઈપેઈમાં અસંખ્ય બહુમાળી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી : 1000થી વધુ લોકો ઘાયલ

- ભૂકંપમાં ધ્વસ્ત થયેલા તાઈવાનને બેઠું કરવામાં શક્ય તમામ મદદનું વડાપ્રધાન મોદીનું આશ્વાસન

નવી દિલ્હી : તાઇવાનમાં ૭.૭ની તીવ્રતાવાળા આવેલા વિનાષક  ભૂકંપે સમગ્ર દેશમાં વ્યાપક પાયા પર ખાનાખરાબી સર્જી છે. તેમા અત્યાર સુધી તો દસના મોત નીપજ્યાના અને હજારથી વધુ લોકો ઇજા પામ્યાના સમાચાર મળ્યા છે, પરંતુ પછી આ આંકડામાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. તેનું કારણ એ છે કે એકલી રાજધાની તાઇપેઇમાં જ કેટલાય બહુમાળી બિલ્ડિંગો ધ્વસ્ત થઈ ગયા છે જેનો કોઈ હિસાબ નથી. આ પ્રકારની બિલ્ડિંગો ધ્વસ્ત થતી હોવાના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. સમગ્ર તાઇવાનમાં વીજસેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ઇન્ટરનેટ આઉટેજ છે. એરપોર્ટ બંધ કરી દેવા પડયા છે.

વીજ સેવા ખોરવાઈ જવાના લીધે શહેરોમાં દોડતી મેટ્રોની સાથે સમગ્ર તાઇવાનનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. તાઈવાનનો આ ભૂકંપ છેલ્લાં ૨૫ વર્ષમાં થયેલો સૌથી ભીષણ ભૂકંપ હતો. આ પૂર્વે ૧૯૯૯માં તાઈવાનની નોનત્ કાઉન્ટીમાં આવેલા ભૂકંપને લીધે ૨,૫૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને એક લાખથી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. આ સાથે આ ભૂકંપે ગુજરાતમાં ૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપની યાદ ્અપાવી હતી. 

આ ભૂકંપને લીધે ચીનના શાંઘાઈ સુધી આંચકા લાગ્યા હતા. ઉપરાંત ચીનના ફૂઝૂ, શિયામેન ઝૂયાનઝૂ અને નિંગડેમાં પણ ધરતી ધ્રુજી હતી.

જાપાનના યોગાગૂઈ દ્વિપ ઉપર ભૂકંપ પછી ૧૫ મિનિટે આશરે ૧ મીટર ઊંચા સુનામી ફરી વળ્યાં હતાં. આ ભૂકંપને લીધે, જાપાનના બે ટાપુઓ ઉપર તીવ્ર સુનામી ફેલાઈ ગઈ હતી. આ ભૂકંપની અસર ઓછા વત્તા પ્રમાણમાં છેક પશ્ચિમ કેનેડાનાં વાનકુવર સુધી ફેલાઈ છે. યુ.એસ.ના પશ્ચિમ તટ ઉપર પણ તેની અસર થઇ છે.

સામાન્યત: રીક્ટર સ્કેલ ઉપર પાંચ આંક સુધીની તીવ્રતાથી વધુ તીવ્રતાવાળા ધરતીકંપો ભારે વિનાશ સર્જે છે. જ્યારે તાઈવાનમાં તો ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ થયો હોવાથી ભારે વિનાશ થયો હશે તે નિશ્ચિત લાગે છે. તાઈવાનની ઉત્તરે આવેલી ચીનની તળભૂમિના દક્ષિણ પૂર્વ અને પૂર્વ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા લાગ્યા હતા.તાઈવાનમાં લાગેલા ભૂકંપના આંચકાથી પાંચ માળની એક ઇમારત ત્રાંસી થઇ ગઈ હતી. જેની તસ્વીર સોશ્યલ મીડીયા પર વાયરલ થઇ રહી છે.

આ ભૂકંપને લીધે ફીલીપાઈન્સમાં તુર્ત જ સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે તાઈવાનમાં સ્કૂલ કોલેજો અને સરકારી કાર્યાલયો બંધ કરાયાં છે. આ ભૂકંપને લીધે અનેક ઐતિહાસિક સ્થળોને પણ ભારે નુકસાન થયું છે. દેશની વીરાસત સમાન મિલ્કતોમાં પણ તિરાડો પડી ગઈ છે. તો કેટલીક ઢળી પણ પડી છે.

તાઈવાનનાં પાટનગર તાઈપેનાં સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનમા ડાયરેક્ટર, વૂ-ચીએન-કૂએ જણાવ્યું હતું કે આ ભૂકંપના આંચકા સમગ્ર દેશમાં તો લાગ્યા જ હતા, પરંતુ તાઈવાનના આસપાસના ટાપુઓમાં પણ તેના આંચકા લાગ્યા હતા. મીડીયા રીપોર્ટસ પ્રમાણે બીજાં વિશ્વયુદ્ધ પહેલાં બંધાયેલું એક સ્કૂલ બિલ્ડીંગ પણ ક્ષતિગ્રસ્ત થયું છે. જાપાનની સૌથી મોટી એરલાઈન્સ નિપ્પન એરલાઈન્સે ઓકીનોવા અને કાગોશીમા ક્ષેત્રોમાં આવતી જતી તમામ એરલાઈન્સ સેવાઓ રદ્દ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાઇવાનના ભૂકંપને લઈને દિલસોજી પાઠવી હતી અને ભૂકંપમાં ધ્વસ્ત થયેલા તાઇવાનને બેઠું કરવામાં ભારત તેમની સાથે છે તેવું આશ્વાસન આપ્યું હતું.

તાઇવાન વિશ્વનું અગ્રણી ચિપ સપ્લાયર

તાઇવાનમાં આવેલો ભૂકંપ ફક્ત તાઇવાન પૂરતો જ સીમિત ન રહેતા વિશ્વને પણ મોટો આર્થિક ફટકો મારી શકે છે. તાઇવાન વિશ્વનું અગ્રણી ચિપ સપ્લાયર છે અને તે એપલ, સેમસંગ અને ઇન્ટેલને ચિપ પૂરી પાડે છે. તાઇવાનની એક જ કંપની તાઇવાન સેમી કંડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની (ટીએસએમસી) વિશ્વના સેમીકંડક્ટર ચિપ બજારમાં ૫૦ ટકાથી વધારે હિસ્સો ધરાવે છે. અન્ય કંપની ફોક્સકોન છે. ભૂકંપના પગલે ટીએસએમસીએ તેના એકમો બંધ કરી દીધા છે. હજી સુધી તેની ફેક્ટરીઓને કેટલું નુકસાન થયું તેની વિગત બહાર આવી નથી. જો તાઇવાનની ફેક્ટરીઓને નુકસાન થયું હશે તો વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે. તેની વૈશ્વિક અર્થતંત્ર પર પણ વિપરીત અસર પડી શકે છે. તાઇવાનનો સેમીકંડક્ટર ઉદ્યોગ ૧૧૫ અબજ ડોલરનો છે અને તે વિશ્વના સેમીકંડક્ટર બજારમાં ૨૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. તાઇવાની કંપનીઓ વૈશ્વિક સેમીકંડક્ટર બજારમાં ૫૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

તાઇવાનમાં ભૂકંપ પાછળનું કારણ

તાઇવાનમાં આવેલા ભીષણ ભૂકંપના લીધે ચીન અને જાપાન સહિતના દેશોની જમીન હચમચી ગઈ. બધાને ખબર છે કે તાઇવાન પેસિફિક રિંગ ઓફ ફાયર પર હાજર છે. એટલે કે આ વિસ્તારમાં ભૂકંપ અને જ્વાળામુખી પ્રવૃત્તિઓ વધારે પ્રમાણમાં થાય છે. તાઇવાન ટેકટોનિક પ્લેટ્સના જટિલ સેટિંગ્સ પર ટકેલું છે. નાની પ્લેટો અને ફોલ્ટને છોડીને મોટી પ્લેટો અને ફોલ્ટથી જ વાત સમજીએ. રયુક્યુ ટ્રેન્ચની પાસે ફિલિપીન સી પ્લેટ યુરેશિયન પ્લેટની નીચે ધસે છે. ટ્રેન્ચનો અર્થ અહીં ઊંડી સમુદ્રી ઘાટી થાય છે. યુરેશિયન પ્લેટ મનીલા ટ્રેન્ચની પાસે ફિલિપીન સી પ્લેટની નીચે ધસે છે. આ સંજોગોમાં તાઇવાન દ્વીપજી જમીન ત્રણ લેયરની સેન્ડવિચ જેવી છે. તેમાથી એક પ્લેટમાં પણ હરકત થાય તો બંને ટ્રેન્ચને અસર થાય છે. આટલા મોટાપાયા પર ભૂકંપ આવવો તેની પાછળનું કારણ મોટાપાયા પર થયેલું પ્રેશર રીલીઝ છે. આ પ્રેશર ટેકટોનિક પ્લેટો ખસવાથી, અથડાવવાથી, એકબીજા પર ચઢવાથી, ધસવાથી કે તૂટવાથી રીલીઝ થાય છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો