દોઢ કલાકનું અંતર હવે ફક્ત 7 મિનિટમાં કપાશે, આવી રહી છે એર ટેક્સી, જાણો કેટલો ખર્ચ થશે
નવી દિલ્હી : ભારતમાં ૨૦૨૬ સુધીમાં પહેલી ઈલેક્ટ્રિક એર ટેક્સી સેવા શરૂ થઈ શકે છે. ભારતીય એરલાઈન્સ ઈન્ડિગોની કંપની ઈન્ટરગ્લોબ એન્ટરપ્રાઈઝ અને અમેરિકાની આર્ચર એવિએશને દેશભરમાં એર ટેક્સી સર્વિસ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. દિલ્હીથી કારમાં મુસાફરી કરીને ગુરુગ્રામ પહોંચતા સામાન્ય રીતે ૯૦ મિનિટનો સમય લાગે છે ત્યારે, આ એર ટેક્સી ફક્ત ૭ મિનિટમાં પહોંચાડવાનો દાવો કરી રહી છે. બંને કંપનીઓએ ભારતમાં ફૂલ-ઈલેક્ટ્રિક એર ટેક્સી સેવા શરૂ કરવા માટે ૨૦૨૩માં સમજૂતી કરાર કર્યા હતાં.
અમેરિકાની આર્ચર એવિએશન, ઈન્ટરગ્લોબ એન્ટપ્રાઈઝને ૨૦૦ 'ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ' એરક્રાફ્ટ પૂરા પાડશે.દિલ્હીના કનોટ પ્લેસથી હરિયાણાના ગુરુગ્રામ પહોંચાડવા માટે કંપની રૂપિયા ૨,૦૦૦ થી ૩,૦૦૦નું ભાડું વસૂલી શકે છે. જ્યારે, કારમાં ૯૦ મિનિટની યાત્રાનો ખર્ચ રૂપિયા ૧,૫૦૦ આવે છે. દિલ્હી સિવાય એર ટેક્સી મુંબઈ અને બેંગલુરુમાં પણ સેવા આપશે.
આ એરક્રાફ્ટ પાયલોટની સાથે ચાર પેસેન્જરને લઈ જઈ શકવાની ક્ષમતા ધરાવે છે. કહેવાતું એરક્રાફ્ટ હેલિકોપ્ટરની જેમ જ કામ કરે છે. પરંતુ, હેલિકોપ્ટર કરતાં અવાજ ઓછો કરે છે. તેમાં, મુસાફરોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. એરક્રાફ્ટમાં ૬ બેટરી પેક હશે. તેને લગભગ ૩૦થી ૪૦ મિનિટના સમયમાં ફૂલ ચાર્જ કરી શકાય છે.
બંને કંપનીઓ એર ટેક્સીની શરૂઆત કરવા માટે વર્ટિપોર્ટ અથવા લોન્ચપેડ માટે જમીન શોધી રહી છે. આર્ચર એવિએશન આ વર્ષે અમેરિકામાં વાર્ષિક ૬૫૦ એરક્રાફ્ટનું ઉત્પાદનની ક્ષમતા ધરાવતી ફેક્ટરી શરૂ કરવા જઈ રહી છે. કંપનીએ ભારતમાં પણ ફેક્ટરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે.
Comments
Post a Comment