PM મોદીના ‘સંપત્તિ’વાળા નિવેદન પર ભડકી કોંગ્રેસ, ફરિયાદ કરતા ચૂંટણી પંચે આપ્યો આ જવાબ
Lok Sabha Elections 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રાજસ્થાન (Rajasthan)ના બાંસવાડામાં યોજાયેલી ચૂંટણી રેલીમાં ‘સંપત્તિ વહેંચણી’ મુદ્દે ટિપ્પણી કરતા કોંગ્રેસે (Congress) ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસની પ્રતિનિધિમંડળે સોમવારે ચૂંટણી પંચ સમક્ષ ગયું હતું અને વડાપ્રધાન પર હેટ સ્પીચનો આક્ષેપ કર્યો હતો. એવું કહેવાય છે કે, કોંગ્રેસની ફરિયાદ પર ચૂંટણી પંચ વિચાર કરી રહી છે.
કોંગ્રેસે PM મોદી પર હેટ સ્પીચનો આક્ષેપ કર્યો
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસે ફરિયાદમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ હેટ સ્પીચનો આરોપ લગાવ્યો છે. વડાપ્રધાને 21 એપ્રિલે ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસની સરકાર આવશે તો સંપત્તિ લઈ લેશે અને તેને વધુ બાળકો પેદા કરનારાઓ અને ઘૂસણખોરી કરનારાઓમાં વહેંચી દેશે.’ કોંગ્રેસે આ ટિપ્પણી મુદ્દે જ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી.
‘વડાપ્રધાને કરેલી ટિપ્પણી દુર્ભાવનાપૂર્ણ-વિભાજનકારી’
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ‘વડાપ્રધાને કરેલી ટિપ્પણી દુર્ભાવનાપૂર્ણ અને વિભાજનકારી હતી. તેમણે ટિપ્પણી કરી એક વિશેષ ધાર્મિક સમાજને નિશાન બનાવ્યો છે. તેમણે આવી ટિપ્પણી કરી માત્ર આચાર સંહિતાનું જ નહીં, ચૂંટણી માર્ગદર્શિકાનું પણ ઉલ્લંઘન કર્યું છે.’ કોંગ્રેસે ચૂંટણી પંચને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
વડાપ્રધાન મત માટે આવી ટીપ્પણી કરી રહ્યા છે : ખડગે
વડાપ્રધાને કરેલી ટિપ્પણી મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કહ્યું હતું કે, ‘તેઓ હંમેશા ભાગ પાડવાની રણનીતિ કરતા રહ્યા છે. દેશને કેવી રીતે આગળ વધારવામાં આવે તે જરૂરી છે, પરંતુ આ બાબતને છોડી હિન્દુ-મુસ્લિમ, એસસી-ઓબીસીની વાતો કરી રહ્યા છે. તેઓ આ બધુ મત માટે કરી રહ્યા છે.’
વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું ?
વડાપ્રધાને ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, ‘જો કોંગ્રેસની સરકાર આવશે તો તેઓ લોકોની સંપત્તિ લઈને વધુ બાળકો પેદા કરનારાઓ અને ઘૂસણખોરી કરનારાઓને વેંચી દેશે. જ્યારે તેમની (કોંગ્રેસ) સરકાર હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, દેશની સંપત્તિ પર મુસ્લિમોનો પ્રથમ હક છે. તેનો અર્થ એ કે, આ સંપત્તિ એકઠી કરી કોને વેંચશે? જેના વધુ બાળકો છે તેમને વહેંચી દેશે... શું તમારી મહેનતના નાણાં ઘૂસણખોરી કરનારાઓને આપી દેવાશે? શું આ તમને મંજૂર છે?’
Comments
Post a Comment