તિહાર જેલમાં સૌથી વધારે વીવીઆઇપી કેદીઓનો ઉપદ્રવ
- જેલના ભૂતપૂર્વ ડીજી નીરજકુમારનો ઘટસ્ફોટ
- વીવીઆઇપી કેદીઓ પર ચાંપતી નજર રાખવાની સાથે જડબેસલાક સલામતી પણ પૂરી પાડવી માથાનો દુઃખાવો
- કોર્પોરેટ માંધાતાઓ, IAS-IPS ઓફિસરો તિહારની હવા ખાઈ ચૂક્યા છે
- કોમનવેલ્થના કૌભાંડી કલમાડી, ટુજી સ્પેકટ્રમના કૌભાંડી એ રાજા, અમરસિંહ જેલના મહેમાન રહી ચૂક્યા છે
નવી દિલ્હી : દેશની સૌથી કુખ્યાત જેલમાં સૌથી વધુ ઉપદ્રવ કોનો હોય, સ્વાભાવિક રીતે ખૂંખાર ગુનેગારોનો જ હોય. પણ જો તમે આવું માનતા હોવ તો ભૂલ કરો છો. દેશની સૌથી મોટી અને કુખ્યાત જેલમાં સૌથી વધુ ઉપદ્રવ હોય તો તે ખૂંખાર કેદીઓનો નહીં પણ વીવીઆઇપી કેદીઓનો છે. આ શબ્દો બીજા કોઈના નહીં તિહાર જેલના જેલર રહી ચૂકેલી ભૂતપૂર્વ ડીજી નીરજકુમારના છે.
દિલ્હીના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર નીરજકુમારે જણાવ્યું હતું કે તિહાર જેલમાં વીવીઆઇપી કેદીઓને લઈને ભારે સાવધાની રાખવી પડે છે. એક તો તે વીવીઆઇપી હોવાથી તેમની સાથે અત્યંત સન્માનપૂર્વક વર્તવુ પડે છે. તેમની સાથે બીજા કેદીઓ જેવો વ્યવહાર કરી શકાતો નથી.
બીજા બાજુએ તેમના પર સતત ચાંપતી નજર રાખવાની સાથે-સાથે સલામતી પણ જડબેસલાક રાખવી પડે છે. વીવીઆઈપી કેદી હોવાથી તેમના પર હુમલો થવાનું જોખમ જો બહારના ખુલ્લા વાતાવરણમાં તોળાતું હોય તો પછી જેલની અંદરના કેદીઓ વચ્ચે તેમને સલામત રાખવા તે રીતસરનું માથાના દુઃખાવા જેવું કામ છે. તેમની પાસેથી જેલના મેન્યુઅલનું પાલન કરાવવું અને પાછા તેમને સામાન્ય કેદીની જેમ રાખવા તે તો તેનાથી પણ વધારે દુષ્કર કામ છે. આ વીવીઆઇપી કેદીઓ તેમની પોતાની જ મનમાની કરવા ટેવાયેલા હોય છે. હવે જેલની બહાર જે લોકો નિયમો પાળતા નથી અને તેના લીધે જેલમાં આવેલા છે તેઓની પાસે જેલની અંદર ખૂંખાર કેદીઓ વચ્ચે જેલના નિયમોનું પાલન કરાવવું તે લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે.
તેમના પર હુમલો થવાનો કે તેમને ધમકી આપવામાં આવે તેવો ભય રહેતો હોય છે. તેમને લઈને સતત ચાંપતી નજર રાખવી પડે છે. બીજા કેદી કરતાં તેમની સલામતી પણ વધુ રાખવી પડે છે. તેથી પોલીસ માટે તો અહીં બધી સ્થિતિ સરખી જ છે. તેણે જેલની બહાર હોય કે જેલની અંદર હોય વીવીઆઇપી માટે ખડેપગે રહેવું પડે છે.
હાલમાં દિલ્હીના કેટલાક હાઇપ્રોફાઇલ નામમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, તેમના ભૂતપૂર્વ કેબિનેટ સહયોગીઓ સત્યેન્દર જૈન અને મનીષ સિસોદિયા તિહાર જેલમાં છે. તેમણે જણાવ્યું હતું કે જેલમાં તેમના ડીજી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે મહત્તમ વીવીઆઈપીને સંભાળવાના આવ્યા છે.
તેમા કોમનવેલ્થ ગેમ્સના કૌભાંડી સુરેશ કલ્માડી, કનિમોઝી, ટુજી સ્પેકટ્રમના કૌભાંડી એ રાજા, રિલાયન્સના ટોચના અધિકારીઓ, અમરસિંહ, આઇએએસ ઓફિસરો અને આઇપીએસ ઓફિસરોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે વીવીઆઇપીઓએ બીજા સામાન્ય કેદીની જેમ જ જેલના અંડરટ્રાયલ કેદી જે મેન્યુઅલનું પાલન કરે છે તેનું જ પાલન કરવાનું હોય છે.
આમ છતાં વીવીઆઇપીને જેેલમાં રાખવામાં ઘણી સાવધાની રાખવી પડે છે. જેલના બીજા કેદીઓની તુલનાએ વીવીઆઇપી કેદીઓ પર હુમલો થવાની કે તેમને ધમકીઓ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના હોય છે.
દિલ્હી પોલીસને લઈને તેમણે જણાવ્યું હતું કે તેમના માટે સૌથી મોટો આશીર્વાદ એ છે કે તેમના પર સ્થાનિક નેતાઓનું કોઈ દબાણ નથી. તેનાથી વિપરીત જોઈએ તો તે સીધી કેન્દ્ર સરકારને જવાબદાર હોવાથી તેમના પર સીધું કેન્દ્રનું દબાણ હોય છે. દેશમાં કંઇપણ બને તેના પડઘા સીધા દિલ્હીમાં પડતા હોય છે. તાજેતરનું ખેડૂત આંદોલન જ લઈ લો. તેથી દિલ્હીની સુરક્ષાનું સંચાલન કરવું તે દેશના બીજા કોઈપણ રાજ્ય કે શહેર કરતાં અઘરું છે. આ સિવાય દિલ્હીની ગલીઓને સલામત રાખવી તે જેવી તેવી વાત નથી.
Comments
Post a Comment