છત્તીસગઢમાં સ્પેશિયલ ઓપરેશનઃ એક વર્ષમાં 80 નક્સલ ઠાર, 125ની ધરપકડ અને 150નું આત્મસમર્પણ


Special Operation in Chhattisgarh: છત્તીસગઢમાં નક્સલવાદનો ખાતમો કરવા માટે સ્પેશિયલ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં વર્ષે 2024માં અત્યાર સુધીમાં 80 નક્સલીઓ માર્યા ગયા છે અને 125થી વધુની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 150 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. બે દિવસ પહેલા જ સુરક્ષાદળો સાથેની અથડામણમાં 29 નક્સલીઓ ઠાર કર્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર, 2004-14ની સરખામણીમાં 2014-23માં દેશમાં ઉગ્રવાદને લગતી હિંસામાં 52 ટકાનો ઘટાડો થયો છે. 

નક્સલીઓ વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન

છત્તીસગઢમાં નવી સરકારની રચના સાથે જ નક્સલીઓ સામે સ્પેશિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2023માં નક્સલ પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કર્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલીઓ વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન ચલાવવાનો આદેશ આપ્યો હતો. એક વિશેષ સમિતિ પણ બનાવવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બીએસએફ, ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર જનરલ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

16મી એપ્રિલે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી અથડામણ થઈ હતી. ડીઆરજી અને બીએસએફના જવાનો નક્સલીઓના ઠેકાણાંમાં પ્રવેશ કરીને 29 નક્સલીઓને ઠાર કર્યા હતા. જેમાં કુખ્યાત નક્સલી કમાન્ડર શંકર રાવનો પણ ખાતમો થયો હતો. આ અથડામણમાં ત્રણ સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ અહીંથી એકે-47, ઈન્સાસ રાઈફલ અને એલએમજી સહિત મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા હતા.

નક્સલવાદી હિંસામાં ઘટાડો

સુરક્ષા દળોએ 2014થી નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં કેમ્પ બનાવવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2019 પછી 250થી વધુ કેમ્પ બનાવવા આવ્યા હતા. ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર, વર્ષ 2014-23ની સરખામણીમાં વર્ષ 2004-14માં નક્સલવાદી હિંસાની ઘટનાઓ 14862થી ઘટીને 7128 થઈ ગઈ છે. વર્ષ 2004-14ની સરખામણીમાં 2014-23માં સુરક્ષા કર્મચારીઓના મૃત્યુની સંખ્યામાં 72 ટકાનો ઘટાડો થયો છે. આ સંખ્યા 1750 થી ઘટીને 485 થઈ ગઈ છે. આ ઉપરાંત સામાન્ય લોકોના મૃત્યુની સંખ્યા 4285થી 68 ટકા ઘટીને 1383 થઈ ગઈ છે. 

વર્ષ 2010માં હિંસાગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા 96 હતી. વર્ષ 2022માં તે 53 ટકા ઘટીને 45 થઈ હતી. છેલ્લા પાંચ વર્ષમાં 90 જિલ્લાઓમાં 5000થી વધુ પોસ્ટ ઓફિસની સ્થાપના કરવામાં આવી છે,જ્યા નક્સલીઓ સક્રિય હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો