VIDEO: ઉત્તર પ્રદેશમાં 40 વિદ્યાર્થી ભરેલી સ્કૂલ બસ પલટી, પાંચના મોત, 25 ઈજાગ્રસ્ત, બે ગંભીર


School Bus Accident in Barabanki : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બારાબંકી જિલ્લામાં સ્કૂલ બસ પલટી જતા ચાર વિદ્યાર્થી સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 25 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની સ્થિતિ ગંભીર છે. બસમાં કુલ 40 વિદ્યાર્થીઓ સવાર હતા. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત બાળકોને તુરંત નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. બસ લખનઉ ચિડિયાઘરથી પરત આવી રહી હતી, તે દરમિયાન આ ઘટના બની છે. 


બાઈક ચાલકને બચાવવા જતા બસ પલટી

મળતા અહેવાલો મુજબ બારાબંકી જિલ્લાના સલારપુરમાં સ્કુલ બસ પલટી હતી. એવું કહેવાય છે કે, બસમાં સવાર તમામ બાળકો સૂરતગંજના હરક્કા ગામના કંપોજિટ સ્કૂલના છે. એક શૈક્ષણિક વિઝિટ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે લખનઉ ગયા હતા, ત્યારે પરત ફરતી વખતે આ ઘટના બની છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એક બાઈક ચાલકને બચાવવાના ચક્કરમાં બસ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો. ત્યારબાદ જોતજોતામાં બસ પલટી ગઈ હતી.


બસમાં 40 બાળકો સવાર હતા

હરક્કા કંપોઝિટ સ્કૂલના ટીચરે કહ્યું કે, અમે તમામ બાળકોને લઈને લખનઉ શૈક્ષણિક ટૂર પર ગયા હતા. અમે બાળકોને અહીં પક્ષીઘર બતાવવા લાવ્યા હતા, ત્યારબાદ પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો. આ દરમિયાન બસમાં લગભગ 40  બાળકો સહિત પાંચ શિક્ષકો હતા. હાલ ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ચાર બાળકો સહિત પાંચના મોત

આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે બસ સ્ટાફના એક સભ્યનું પણ મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટનામાં અત્યાર સુધીમાં કુલ પાંચના મોત થયા છે, જ્યારે બે વિદ્યાર્થીઓની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ ઈજાગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો