કર્ણાટકમાં કોંગ્રેસના કોર્પોરેટરની પુત્રીની લવજેહાદમાં હત્યાથી ચકચાર
- નેહાએ લગ્નની પ્રપોઝલ ફગાવતા ફયાઝે કોલેજ કેમ્પસમાં જ ચાકુના સાત ઘા માર્યા
- આ લવ જેહાદ નથી તો શું છે? તેને ધમકીઓ અપાતી હતી, માત્ર રાજ્ય જ નહીં આખા દેશમાં લવજેહાદ ચાલે છે : પિતા નિરંજન
- લેવજેહાદનો મુદ્દો ઉઠાવતા હિન્દુ સંગઠનોના રાજ્યભરમાં ઉગ્ર દેખાવો
- કર્ણાટકના કોંગ્રેસી મુખ્યમંત્રીએ લવજેહાદનો દાવો ફગાવ્યો, કહ્યું - અંગત કારણોસર નેહાની હત્યા કરાઈ
હુબલી : કર્ણાટકમાં કોંગ્રેસના રાજમાં હુબલમીમાં કોંગ્રેસના જ કોર્પોરેટર નિરંજન હિરેમથની પુત્રી નેહાની ગુરુવારે બીવીબી કોલેજના કેમ્પસની અંદર ધોળા દિવસે હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. એમસીએ ડ્રોપઆઉટ ફયાઝ નામના યુવકે બીવીબી કોલેજમાં એમસીએનો અભ્યાસ કરતી નેહાને ગુરુવારે ધોળા દિવસે ચાકુના સાત ઘા મારી મારી નાંખી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
નેહાની હત્યાના પગલે હિન્દુ સંગઠનોએ રાજ્યમાં ફરી એક વખત લવજેહાદનો મુદ્દો ઉઠાવ્યો છે. જોકે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લવજેહાદ નહીં પરંતુ અંગત કારણોસર નેહાની હત્યા કરાઈ હોવાનો દાવો કર્યો હતો. ત્યાર પછી નેહાના પિતા અને કોંગ્રેસ કોર્પોરેટર નિરંજન હિરેમથે લવજેહાદમાં જ તેની પુત્રીની હત્યા કરાઈ હોવાનો દાવો કર્યો હતો. આ ઘટના મુદ્દે એબીવીપી સહિત હિન્દુ સંગઠનોએ રાજ્યભરમાં ભારે આક્રોશ સાથે દેખાવો કર્યા હતા અને રાજ્યમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગી હોવાનો દાવો કર્યો હતો.
આવા સમયે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લવજેહાદના આક્ષેપો નકારી કાઢ્યા હતા અને કહ્યું કે નેહાનું મોત અંગત કારણોસર થયું છે. વધુમાં કર્ણાટક પોલીસે સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખતા તાત્કાલિક ફયાઝના ઘરે સિક્યોરિટી પણ ગોઠવી દીધી હતી. કોંગ્રેસના મુખ્યમંત્રીના આ દાવા સામે આશ્ચર્ય વ્યક્ત કરતાં નેહાના પિતા અને કોંગ્રેસના જ કોર્પોરેટર નિરંજન હિરેમથે કહ્યું હતું કે, માત્ર રાજ્ય જ નહીં આખા દેશમાં લવજેહાદ ચાલી રહી છે. મારી પુત્રી સાથે જે થયું તે લવજેહાદ જ હતું. જો તેઓ એમ કહેતા હોય કે આ અંગત કારણોસર હતું તો તેમાં અંગત કારણો શું હતા. શું તે મારા સંબંધી હતા?
નિરંજન હિરેમથે દાવો કર્યો કે તેમની પુત્રીને ફસાવવાની યોજના બનાવાઈ હતી. ફયાઝ લાંબા સમયથી કાવતરું ઘડી રહ્યો હતો. તે તેને ફસાવવા અથવા તેને મારી નાંખવાની યોજના બનાવી હતી. તે તેને ધમકી આપી રહ્યો હતો. જોકે, મારી છોકરીએ તેની ધમકીઓ પર ધ્યાન આપ્યું નહીં. તેણે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, જેને મારી છોકરીએ નકારી કાઢી હતી. તેણે કહ્યું હતું કે બંને અલગ અલગ ધર્મના છીએ અને તે તેની સાથે સંબંધ રાખવા માગતી નથી. મારી છોકરી સાથે જે તયું તે આખા રાજ્ય અને દેશે જોયું છે. આમ છતાં જો તેઓ એમ કહેતા હોય કે આ પર્સનલ છે તો તેમાં પર્સનલ શું છે?
પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસ કોર્પોરેટર નિરંજન હિરેમથની ૨૩ વર્ષીય પુત્રી નેહા એમસીએ પહેલા વર્ષની વિદ્યાર્થિની હતી અને બીવીબી કોલેજમાં અભ્યાસ કરતી હતી. શુક્રવારે બપોરે ૪.૩૦ કલાકે નેહા તેના ક્લાસીસ પૂરા કરીને ક્લાસમાંથી બહાર આવી ત્યારે ફયાઝ ચાકુ લઈને કોલેજ કેમ્પસમાં ઘૂસ્યો હતો અને નેહાની ગળા અને પેટમાં ચાકુના છ-સાત ઘા મારી હત્યા કરી હતી. કોલેજ તંત્ર અને અન્ય વિદ્યાર્થીઓ નેહાને તાત્કાલિક કેમ્પેગોડા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં નેહાને મૃત જાહેર કરાઈ હતી. પોલીસે ફયાઝની ધરપકડ કરી લીધી છે અને તપાસ હાથ ધરી છે.
પોલીસે કહ્યું હતું કે, પૂછપરછ દરમિયાન ફયાઝે દાવો કર્યો હતો કે, બંને રિલેશનશિપમાં હતા અને છેલ્લા કેટલાક સમયથી અચાનક નેહા તેની અવગણના કરવા લાગી હતી. આથી તેણે તેના પર હુમલો કર્યો હતો. જોકે, ફયાઝના દાવાની તપાસ કરવી જરૂરી છે. ફયાઝ નેહાની જ કોલેજમાં બીસીએનો વિદ્યાર્થી હતો. છ મહિના પહેલાં તે એક પરીક્ષામાં નપાસ થયા પછી તેણે કોલેજ જવાનું બંધ કરી દીધું હતું. ફયાઝ છેલ્લા કેટલાક મહિનાથી નેહાનો પીછો કરતો હતો. પરંતુ નેતા તેની સાથે સંબંધ રાખવા માગતી નહોતી. મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ યુવતીની હત્યાના સમાચારથી એબીવીપી સહિત હિન્દુ સંગઠનો લવજેહાદનો મુદ્દો ઉઠાવતા ઉગ્ર દેખાવો કરી રહ્યા છે અને હવે આ રાજકીય વિવાદનો મુદ્દો બની ગયો છે.
ફયાઝની માતા મુમતાઝનો દાવો
બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પુત્રને આઈએએસ બનાવવા માગતી હતી
ફયાઝને એવી સજા કરો કે ફરી કોઈ મહિલાને પરેશાન કરવાની હિંમત ના કરે : ફયાઝના પિતા
કર્ણાટકના હુબલી જિલ્લામાં મુસ્લિમ યુવક ફયાઝે કોંગ્રેસના કોર્પોરેટર નિરંજન હિરેમથની પુત્રી નેહાની હત્યા કરતા આખા રાજ્યમાં ભારે હોબાળો થયો છે ત્યારે ફયાઝની માતા મુમતાઝે આ ઘટનામાં લવ-જેહાદના એન્ગલનો ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે નેહા અને ફયાઝ એકબીજાને પ્રેમ કરતા હતા. તે પુત્રને આઈએએસ બનાવવા માગતી હતી.
મુમતાઝે કહ્યું કે, હું મારા પુત્રના કૃત્યના કારણે કર્ણાટકના બધા જ લોકો અને નેહાના પરિવારની માફી માગું છું. નેહા મારી પુત્રી સમાન હતી. મારા પુત્રે જે કર્યું છે તે ખોટું છે. તેના માટે તેને સજા મળવી જોઈએ. નેહા સારી છોકરી હતી. ફયાઝ અને નેહા માત્ર સારા મિત્ર જ નહોતા પરંતુ એકબીજાને પ્રેમ કરતા હતા. આ વાત મને છેલ્લા એક વર્ષથી ખબર હતી. આ એકતરફી પ્રેમ નહોતો. પરંતુ મેં તેમને કહ્યું હતું કે પહેલા તમારી કારકિર્દી પર ધ્યાન આપો. નેહા પણ સમજદાર હતી. હું ઈચ્છતી હતી કે બંને આઈએએસની તૈયારી કરે. પરંતુ ફયાઝે જે કર્યું છે તેનાથી અમારું માથું શરમથી ઝુકી ગયું છે.
દરમિયાન ફયાઝના પિતાએ શુક્રવારે કહ્યું હતું કે તેમના પુત્રને એવી સજા કરો કે ફરી કોઈ મહિલાઓને પરેશાન કરવાની હિંમત ના કરે. સરકારી સ્કૂલમાં શિક્ષક બાબા સાહેબ સુબાનીએ કહ્યું કે, આઠ મહિના પહેલા નેહા હિરેમથના પરિવારના સભ્યોએ મને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે તમારો પુત્ર ફયાઝ મારી પુત્રીને પરેશાન કરી રહ્યો છે. નેહાની હત્યાની જાણ મને ગુરુવારે મોડી સાંજ થઈ હતી. ફયાઝને એવી આકરી સજા કરો કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈ મહિલાને પરેશાન ના કરે. નેહા મારી પુત્રી સમાન હતી. તેના પરિવારની હું માફી માગું છું.
Comments
Post a Comment