ઈરાને ઈઝરાયેલનું જહાજ જપ્ત કરતાં સ્થિતિ સ્ફોટક


- ઈરાનની ધમકી બાદ હુમલાના કાઉન્ટ ડાઉન વચ્ચે પલિતો ચંપાયો

- હિઝબુલ્લાનો ઈઝરાયેલ પર મિસાઈલ મારો 

- ઈરાને કબજે કરેલા કાર્ગો જહાજ એમએસસી એરિસ પરના 17 ભારતીય ખલાસીઓને સુરક્ષિત છોડાવવા ભારત સક્રિય

- હિઝબુલ્લાનો ઉત્તરીય ઈઝરાયેલ પર 40 મિસાઈલ-રોકેટમારો, પરંતુ મોટાભાગનાને નિષ્ફળ બનાવાયા

- ઈરાનને ઈઝરાયેલ પર હુમલો નહીં કરવા બાઈડેનની ચેતવણી

દુબઈ : સીરિયાના દમિશ્કમાં આ મહિનાના પ્રારંભમાં ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડના બે વરિષ્ઠ જનરલ માર્યા ગયા પછી વળતા હુમલાની ધમકીના ભાગરૂપે ઈરાને શનિવારે હોર્મુઝની ખાડીમાં ભારત આવતા ઈઝરાયેલના જહાજ પર કબજો કરી લીધો છે. હવે ઈરાન ૪૮ કલાકમાં ઈઝરાયેલ પર મોટો હુમલો કરી શકે છે તેવી આશંકાના પગલે મધ્ય-પૂર્વમાં સ્થિતિ સ્ફોટક બની ગઈ છે. આવા સમયે ભારતે ઈરાન દ્વારા જપ્ત કરાયેલા જહાજમાંથી ૧૭ ભારતીય ખલાસીઓને છોડાવવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બીજીબાજુ લેબેનોન સ્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહે દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઉત્તરીય ઈઝરાયેલમાં કાત્યુશા રોકેટ્સ અને મિસાઈલનો મારો કર્યો છે. આથી ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ હવે મધ્ય-પૂર્વમાં ફેલાઈ રહ્યું હોવાની આશંકાઓ વધી છે ત્યારે અમેરિકાએ ઈરાનને ઈઝરાયેલ પર હુમલો નહીં કરવા ચેતવણી આપી છે.

હમાસના આતંકીઓએ ઑક્ટોબર ૨૦૨૩માં ઈઝરાયેલ પર હુમલો કર્યા પછી આતંકી સંગઠનના સફાયા માટે યહુદી દેશ છ મહિના કરતાં વધુ સમયથી ગાઝા પટ્ટીમાં યુદ્ધે ચઢ્યો છે. સાથે જ ઈઝરાયેલ ઉત્તરીય સરહદે લેબનોન સ્થિત આતંકી સંગઠન હિઝબુલ્લા સામે પણ લડી રહ્યું છે. 

દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયેલના હુમલાના જવાબમાં શુક્રવારે મોડી રાતે હિઝબુલ્લાહે ઉત્તરીય ઈઝરાયેલ અને ગોલન હાઈટ્સમાં ૪૦ જેટલા મિસાઈલો અને કાત્યુશા રોકેટથી હુમલો કર્યો હતો. જોકે, ઈઝરાયેલની સંરક્ષણ સિસ્ટમે મોટાભાગના મિસાઈલ્સને અટકાવી દીધા હતા જ્યારે કેટલાક મિસાઈલ્સ ખુલ્લા વિસ્તારમાં પડયા હતા. આ હુમલામાં કોઈના ઘાયલ થયા હોવાની માહિતી નથી. 

બંને બાજુથી ઈઝરાયલ ઘેરાયેલું હોવા છતાં ઈઝરાયલના વરિષ્ઠ લશ્કરી અધિકારી હેગ્રીએ શુક્રવારે જણાવ્યું હતું કે અમે બંને મોરચે દુશ્મનોનો સામનો કરી શકીએ તેમ જ છીએ. આ સાથે તેમણે કહ્યું હતું કે અમે ઈઝરાયલી નાગરિકોનું રક્ષણ કરી શકીએ તેમ જ છીએ. તેઓએ મધ્યપૂર્વમાં યુદ્ધ ભડકાવવાનો ઈરાન પર આક્ષેપ મુક્યો હતો. 

બીજીબાજુ ઈઝરાયેલના હુમલામાં બે વરિષ્ઠ જનરલને ગુમાવી દેતા ગુસ્સે ભરાયેલા ઈરાને શનિવારે હોર્મુઝની ખાડીમાં તહેરાનથી ભારતના મુંબઈ ખાતે આવી રહેલા જહાજ પર કબજો કરી લીધો હતો. ઈરાન નેવીના કમાન્ડોએ ઈઝરાયેલ સાથે સંકળાયેલું જહાજ જપ્ત કર્યું હતું અને તેનો વીડિયો પણ જાહેર કર્યો હતો. આ જહાજ એમએસસી એરિસ પર પોર્ટુગલનો ઝંડો લાગેલો હતો તથા તે લંડનની કંપની ઝોડિઆક મેરિટાઈમનું છે. આ ઝોડિઆક ગુ્રપ ઈઝરાયેલના અબજોપતિ ઈયાલ ઓફેરનું છે.

મુંબઈ આવી રહેલા આ જહાજના ખલાસીઓમાં ૧૭ ભારતીયો હોવાનું પણ બહાર આવ્યું છે. ઈરાન નેવીના કમાન્ડોએ હેલિકોપ્ટર પરથી સીધા જ જહાજ પર ઉતરાણ કરી તેના પર કબજો જમાવ્યો હતો. ઈઝરાયેલ સાથે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે તેવા સમયે ઈરાનના નેવીએ આ કાર્યવાહી કરી છે, જેના પગલે સ્થિતિ વધુ તણાવપૂર્ણ થઈ ગઈ છે.

દરમિયાન ઈઝરાયેલના જહાજમાં ૧૭ ભારતીય હોવાના સમાચાર આવતા જ ભારતે રાજદ્વારી ચેનલ મારફત ઈરાન ઓથોરિટીનો સંપર્ક કરીને ભારતીય ખલાસીઓને છોડાવવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે, કાર્ગો જહાજ એમએસસી એરિસમાં ૧૭ ભારતીયો હોવાની બાબતથી અમે માહિતગાર છીએ. અમે તહેરાન અને દિલ્હીમાં રાજદ્વારી ચેનલો મારફત ઈરાનની ઓથોરિટીના સંપર્કમાં છીએ અને ભારતીયોને સુરક્ષિત અને વહેલી તકે છોડવામાં આવે તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.

ઈઝરાયેલના જહાજ પર કબજો કરવાની સાથે ઈરાન આગામી ૪૮ કલાકમાં ઈઝરાયેલ પર મોટો હુમલો કરી શકે છે તેવી અમેરિકાને આશંકા છે. જોકે, વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ મુજબ ઈરાન હજુ પણ ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાના રાજકીય જોખમોનું આકલન કરી રહ્યું છે. આ બધા વચ્ચે અમેરિકન પ્રમુખ જો બાઈડેને ઈરાનને ઈઝરાયેલ પર હુમલો નહીં કરવા ચેતવણી આપી છે. બાઈડેને કહ્યું કે, ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાનનું સૈન્ય ગમે તે ક્ષણે ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન હુમલો કરી શકે છે. પરંતુ તે હુમલો ના કરે. અમેરિકા ઈઝરાયેલના સંરક્ષણ માટે કટિબદ્ધ છે.

ભારતે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

એર ઈન્ડિયાના વિમાનોએ ઈરાનના હવાઈ ક્ષેત્રમાંથી ઉડ્ડયન ટાળ્યું

- હવે ઈઝરાયેલમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં કામ કરવા માટે જવાની વધુ ભારતીયોને મંજૂરી નહીં અપાય

નવી દિલ્હી : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની આશંકાઓ સતત વધી રહી છે અને મધ્ય-પૂર્વમાં તણાવ ચરમ પર છે ત્યારે એર ઈન્ડિયાના યુરોપ જતા વિમાનોએ શનિવારે ઈરાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. બીજીબાજુ ભારત ઉપરાંત ફ્રાંસ, પોલેન્ડ, રશિયા અને જર્મનીએ પણ તેમના નાગરિકોને ઈરાન અને ઈઝરાયેલમાં નહીં જવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીયોની મદદ માટે ભારતે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. 

ઈઝરાયેલના હુમલામાં ઈરાનના બે વરિષ્ઠ જનરલના માર્યા ગયા પછી મુસ્લિમ દેશે બદલો લેવાની ધમકી આપતા ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ગમે તે સમયે યુદ્ધ શરૂ થઈ જવાની આશંકા સતત વધી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખતા એર ઈન્ડિયાએ તેના વિમાનોને એલર્ટ જાહેર કરી હતી, જેને પગલે ભારતથી યુરોપ જતા એર ઈન્ડિયાના વિમાનોએ ઈરાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાના બદલે લાંબો રસ્તો પસંદ કરી યુરોપ જવાનું પસંદ કર્યું હતું.

આ પહેલાં ભારત ઉપરાંત ફ્રાંસ, પોલેન્ડ, રશિયા અને જર્મનીએ પણ તેમના નાગરિકોને ઈરાન અને ઈઝરાયેલમાં નહીં જવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.  જર્મનીએ તેના નાગરિકોને કહ્યું હતું કે ત્યાં (ઈરાનમાં) જતાં ધરપકડ થવાની પણ ભીતિ રહેલ છે, અને તે ચેતવણી જર્મનીએ બંને દેશો વચ્ચે 'ડયુએલ-સીટીઝનશિપ'ના કરારો થયા હોવા છતાં આપી છે.

ભારતે ઈઝરાયેલ અને ઈરાનમાં રહેતા તમામ ભારતીયોને તુર્તજ ભારતીય દૂતાવાસોનો સંપર્ક સાધવા જણાવ્યું છે  અને તેમના માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. ઈરાનમાં આશરે ૪૦૦૦ ભારતીયો વસે છે જ્યારે ઈઝરાયલમાં આશરે ૧૮,૫૦૦ ભારતીયો વસે છે. ઈઝરાયલમાં ચાલી રહેલાં બાંધકામમાં કામ કરવા માટે હવે એક પણ ભારતીયને જવા નહીં દેવાય. આ મહિનાના પ્રારંભે બાંધકામ ક્ષેત્રના ૬૪ કારીગરો ઈઝરાયલ પહોંચ્યા છે. આ ઉપરાંત આ એપ્રિલ અને મે મહીનામાં બીજા ૬૦૦૦ કામદારો ત્યાં જવાના છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે