મહિનામાં 33 હજાર લોકો બ્રિટનથી આવ્યા, ભારતમાં નવા કોરોનાના દર્દી વધીને 22

- સારવારમાં બેદરકારીથી કોરોનાના સ્વરૂપમાં બદલાવ આવી શકે : આઇસીએમઆર પ્રમુખ

- હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજની સ્થિતિમાં સુધારો થતા હોસ્પિટલથી ઘરે લવાયા, ઓક્સિજન સપોર્ટ પર રહેશે


નવી દિલ્હી, તા.30 ડિસેમ્બર 2020, બુધવાર

ભારતમાં પણ કોરોના વાઇરસના નવા સ્વરુપનો પ્રવેશ થઇ ચુક્યો છે. અગાઉ બ્રિટનથી આવેલા પૈકી આઠનો કોરોનાના નવા સ્વરુપનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે આ જ પ્રકારના વાઇરસનો વધુ ૧૪નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે આ નવા સ્વરુપના કોરોનાના દર્દીઓની ભારતમાં કુલ સંખ્યા હવે ૨૨ પર પહોંચી ગઇ છે. અને આગામી દિવસોમાં તેનો વધારો થઇ શકે છે. જે સાથે જ આઇસીએમઆરના પ્રમુખે ચેતવણી આપી છે કે જો કોરોનાની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી તો વાઇરસનું સ્વરુપ હજુ પણ બદલાઇ શકે છે. મંગળવારે જ બ્રિટનથી આવેલા કોરોના વાઇરસના નવા સ્વરુપના આઠ પોઝિટિવ દર્દી ભારતમાં મળી આવ્યા હતા. આ નવા પ્રકારનો વાઇરસ બ્રિટન, ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, સ્વિડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબનન, સિંગાપોરમાં પહોંચી ગયો છે અને હવે તેમાં ભારતનો પણ સમાવેશ થઇ ગયો છે. ભારતમાં આ નવા સ્વરુપનો કોરોના વાઇરસ બ્રિટનથી આવ્યો છે, ૨૫મી નવેમ્બરથી ૨૩મી ડિસેમ્બર સુધીમાં બ્રિટનથી ૩૩,૦૦૦ મુસાફરો ભારતમાં પ્રવેશ્યા છે. જેમની ચકાસણી કરવામાં આવી રહી છે અને મોટા ભાગનાની થઇ ચુકી છે. 

જે સાથે જ હાલ ભારતમાં આવતી કે વિદેશ જતી બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને રદ કરી દેવાઇ હતી, જેનો સમયગાળો હવે ૩૧મી જાન્યુઆરી સુધી લંબાવવામા આવ્યો છે. તેથી વધુ એક મહિના માટે ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની અવર જવર પર પ્રતિબંધ રહેશે. જોકે માત્ર માન્ય ફ્લાઇટ્સને જ કેટલાક ચોક્કસ રુટ પરથી અનુમતી આપવામાં આવી છે. બ્રિટન અને ભારત વચ્ચે જે ફ્લાઇટ્સ રદ કરાઇ હતી તે ૭મી જાન્યુઆરી સુધી શરૂ નહીં કરવામાં આવે. દરમિયાન હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજને કોરોનાની સારવારની સકારાત્મક અસર થતા અને સ્વાસ્થ્યમાં થોડો સુધારો થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. 

અનિલ વિજ ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. તેમનું સ્વાસ્થ્ય અગાઉ બહુ જ કથળી ગયું હતું પણ બાદમાં સારવારની અસર થતા તેઓ સાજા થઇ રહ્યા  છે. જોકે તેઓને અંબાલા સ્થિત તેમના નિવાસ સ્થાને ઓક્સિજનના સપોર્ટ પર રાખવામાં આવશે.  બીજી બાજુ આઇસીએમઆરના પ્રમુખ બલરામ ભાર્ગવે કહ્યું હતું કે વાઇરસના સ્વરુપમાં થોડા સમય પર બદલાવ થતો રહે છે. જોકે અનેક બદલાવ થતા તે ચિંતાનો વિષય બની શકે છે. આ નવો વાઇરસ આશરે ૬૦ ટકા વધુ સંક્રમણ ફેલાવે છે. સારવારમાં ફાયદો પહોંચાડે તે ઉપચારનો સાવધાનીથી ઉપયોગ કરવો પડશે, જો તેનાથી પણ ફાયદો ન થાય તો અન્ય પદ્ધતીનો ઉપયોગ ન કરવો જોઇએ. સારવારમાં બેદરકારી દાખવવામાં આવી તો વાઇરસના નવા સ્વરુપનો ખતરો વધી શકે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો