ગુજરાત સહિત દેશભરમાં ત્રણ દિવસ કાતિલ ઠંડી પડશે
નવી દિલ્હી, તા. ૨૮
ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન ખાતાના અધિકારીઓના કહેવા પ્રમાણે ૩૧મી ડિસેમ્બર સુધી દેશભરમાં ઠંડી વધશે. કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થતાં બર્ફિલો પવન ફૂંકાયો હતો.
પાટનગર દિલ્હીમાં ગાઢ ઝાકળ સાથે ઠંડો વાયરો અનુભવાયો હતો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેર સાથે કડકડતી ઠંડી પડશે. ૩૧મી ડિસેમ્બર સુધી ઠંડીમાં રાહત મળે એવી શક્યતા નથી. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનનો પારો સતત ગગડશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ, ઓડિશા, રાજસ્થાન, ગુજરાત પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે. આ રાજ્યોના ઘણાં સ્થળોએ તાપમાનનો પારો ૩થી પાંચ સુધી પહોંચી જવાની શક્યતા છે.
જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા થતાં શીતલહેરનો અનુભવ થયો હતો. કેટલાય સ્થળોએ બરફની ચાદર છવાઈ ગઈ હતી. તાપમાનનો પારો શૂન્યથી લઈને માઈનસ ૭.૨ ડિગ્રી સુધી ગગડી ગયો હતો. ગુલમર્ગ, શ્રીનગર, પહલગામનું તાપમાન માઈનસ ૫.૨થી માઈનસ ૭.૨ સુધી દર્જ થયું હતું.
હિમાચલ પ્રદેશના કીલોંગનું તાપમાન માઈનસ ૬.૭ ડિગ્રી પહોંચી ગયું હતું. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં ભારે બરફવર્ષા થઈ હતી. તેના કારણે ઉપરના ઘણાં રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં હળવા વરસાદી ઝાપટાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન ૪-૫ ડિગ્રી નોંધાયું હતું. પંજાબ અને હરિયાણાના ઘણાં સ્થળોએ તાપમાનનો પારો ૩.૪ સુધી પહોંચી ગયો હતો. મધ્યપ્રદેશમાં આગામી એક સપ્તાહ સુધી ઠંડીનું જોર રહેશે. રાજ્યના ૨૨ સ્થળોએ તાપમાન ૪થી ૧૦ સુધી ગગડી ગયું હતું. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ૩૧મી ડિસેમ્બર સુધી ઠંડીમાં રાહત મળે એવી શક્યતા જણાતી નથી.
Comments
Post a Comment