ઈથોપિયામાં ભયાનક નરસંહારઃ ફાયરિંગમાં ૧૦૦થી વધુનાં મોતથી હાહાકાર


અડ્ડિસ અબાબા, તા. ૨૪
પૂર્વ આફ્રિકન દેશ ઈથોપિયામાં ભયાનક નરસંહાર થયો હતો. બુલે કાઉન્ટીના બેકોજી ગામના લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે હુમલાખોરો ત્રાટક્યા હતા અને ૧૦૦ કરતાં વધુ લોકોને વીંધી નાખ્યા હતા. ૧૦૦ લોકોના મોતથી આખાય ઈથોપિયામાં હાહાકાર મચી ગયો હતો. પોલીસે હુમલાખોરોને પકડવાની તજવીજ શરૃ કરી છે.
ઈથોપિયાના બુલે કાાઉન્ટીના બેકોજી ગામમાં વહેલી પરોઢે ભર ઊંઘમાં સુતેલા લોકો પર અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. ઈથોપિયન સરકારના માનવ અધિકાર પંચના કહેવા પ્રમાણે આરંભિક તપાસમાં ૧૦૦ લોકોના મોત થયાની જાણકારી મળી છે, પરંતુ મૃત્યુ આંક બમણો પણ હોઈ શકે છે.
ઈથોપિયામાં તિગરાઈ ક્ષેત્રમાં વડાપ્રધાન આબી અહેમદે લશ્કર મોકલ્યા પછી તંગદિલી વધી ગઈ હતી. એ પછી દેશમાં આંતરિક સંઘર્ષ વધી ગયો છે. આ સંઘર્ષ વચ્ચે બુલે કાઉન્ટીના બેકોજી ગામમાં હુમલાખોરો ત્રાટક્યા હતા અને ૧૦૦ કરતાં વધુ લોકોને વીંધી નાખ્યા હતા. આખુંય ગામ રક્તરંજિત થઈ ગયું હતું. મીઠી નીંદરમાં પોઢેલા લોકો ચીરનિદ્રામાં પોઢી ગયા હતા. સવારની આશાએ સૂતેલા લોકો માટે સવાર ક્યારેય પડી ન હતી.
આ ઘટના પછી હુમલાખોરોને પકડવાની તજવીજ શરૃ થઈ હોવાનું સરકારી અધિકારીઓએ કહ્યું હતું. એક મત પ્રમાણે અમહારા, ઓરોમા અને શિનાસા જાતિના લોકો આ વિસ્તારમાં રહેતા હતા. તેમને નિશાન બનાવીને ગુમુજ સમુદાયના ઉગ્રવાદીઓએ હુમલો કર્યાની શક્યતા છે.
ઘણાં નિષ્ણાતોએ આ ઘટનાને તિગરાઈ ક્ષેત્રના બળવાખોરો સાથે જોડીને તેનું વિશ્લેષણ કર્યું હતું. આબી અહેમદે લશ્કરના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી તેના બે દિવસ પછી જ આ નરસંહાર થયો હતો.
આ વિસ્તારમાં અગાઉ પણ નાના-મોટાં હુમલા થઈ ચૂક્યા હતા. આબી અહેમદે આ વિસ્તારની મુલાકાત લઈને થોડા સમય પહેલાં હુમલાખોરોને આકરી સજા આપવાની જાહેરાત કરી હતી. એ પછી આ હુમલો થયો હતો. ઈથોપિયામાં અલગ અલગ ૮૦ જેટલા વંશીય સમુહો છે, જે એકબીજાને ઉતરતા ગણતા હોવાથી વારંવાર સંઘર્ષ થતો રહે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો