કરાચીમાં ચીની નાગરિકો પર હુમલા થયા, ઇમરાન ખાનની મુશ્કેલીમાં થઇ રહ્યો છે વધારો
- ચીન સાથે આર્થિક સહકાર વધી રહ્યો છે ત્યારે જ હુમલા ચાલુ
ઇસ્લામાબાદ તા.29 ડિસેંબર 2020 મંગળવાર
પાકિસ્તાન ચીન સાથે આર્થિક સહકાર વધારીને ગ્વાદરમાં ચીનના નૌકાદળનું મથક અને ડીપ સી પોર્ટની સમજૂતી કરી રહ્યું છે ત્યારે જ કરાચીમાં ચીની નાગરિકો પર હિંસક હુમલા થતાં ઇમરાન ખાનની સરકારની મુશ્કેલી વધી રહી હતી.
ચીન પાકિસ્તન સહકારનો વિરોધ કરી રહેલા બલુચિ નાગરિકો હવે શહેરી વિસ્તારોમાં ચીની લોકો પર હુમલા કરી રહ્યા હતા. તાજેતરમાં બલુચિસ્તાનમાં સાત પાકિસ્તાની સૈનિકોની પણ હત્યા કરી દેવામાં આવી હતી. આમ ઇમરાન ખાનના ટેન્શનમાં વધારો થઇ રહ્યો હતો.
બલુચી પ્રજાનો ગુસ્સો જોઇને ઇમરાન ખાન હવે ગ્વાદરમાં અણીદાર તારની દિવાલ તૈયાર કરાવવામાં પડ્યા છે. એક રિપોર્ટ મુજબ હવે બલુચિ બળવાખોરોએ પોતાના હુમલાની સ્ટાઇલ બદલી નાખી હતી.
અગાઉ એ લોકો ફક્ત ગ્રામ વિસ્તારોમાં હુમલા કરતા હતા. હવે એમણે શહેરી વિસ્તારોમાં બેલ્ટ એન્ડ રોડ યોજના, ચીનના ઇન્વેસ્ટમેન્ટ ધરાવતા વ્યાપારી કેન્દ્રો અને ચીની નાગરિકો પર હુમલા શરૂ કરી દીધા હતા.
મંગળવારે કરાચીની ભાગોળે આવેલા એક મોટર કાર શો રૂમમાં ચીની નાગરિક અને એના સાથી પર જીવલેણ હુમલો થયો હતો. હજુ ગયા સપ્તાહે કરાચીના ક્લીફ્ટન જેવા પોશ વિસ્તારમાં એક ચીની નાગરિકની કારને વિસ્ફોટ દ્વારા ઊડાવી દેવામાં આવી હતી. આ કાર ક્લીફ્ટન વિસ્તારની એક રેસ્ટોરાંની બહાર ઊભી હતી. આ બને હુમલાની જવાબદારી સિંધુ દેશ રિવોલ્યુશનરી આર્મીએ લીધી હતી.
સિંધુ દેશ રિવોલ્યુશનરી આર્મીએ એક નિવેદન પ્રગટ કરીને એવો આક્ષેપ કર્યો હતો કે ચીન અને પાકિસ્તાન જબરદસ્તીથી ચીન-પાકિસ્તાન આર્થિક સમજૂતીના બહાને અમારી જમીનો પર બળજબરીથી કબજો લઇ રહ્યા હતા. એમની ઉપર અમે સતત હુમલા કરતા રહેશું.
અત્રે એ નોંધનીય છે કે ચીન પાકિસ્તાનમાં દ્વિપક્ષી સમજૂતી અન્વયે 150 અબજ ડૉલર્સનું મૂડીરોકાણ કરી રહ્યું છે. આ સમજૂતી સીપીઇસી તરીકે ઓળખાવાઇ છે અને ચીનના રાષ્ટ્રપ્રમુખ જીનપીંગની મહત્ત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પરિયોજનાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.
બલુચિસ્તાનની પ્રજા આ સમજૂતીથી નારાજ છે એટલે હવે સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મીના નામે ચીની નાગરિકો અને ચીની યોજનાઓ પર હુમલા કરવા લાગી છે. ગ્રામ વિસ્તારો પછી હવે શહેરી વિસ્તારોમાં પણ આ આર્મી હુમલા કરતી થઇ હતી.
Comments
Post a Comment