કોરોના ૧૦ વર્ષ સુધી દુનિયામાં રહેશે : બાયોએનટેક
લંડન, તા.૨૬
કોરોના મહામારીથી ત્રસ્ત દુનિયાના દેશોએ મહામારીને નાબૂદ કરવા માટે ઐતિહાસિક રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે અથવા પૂરજોશમાં રસીકરણની તૈયારીઓ શરૂ કરી છે. આવા સમયે બ્રિટનમાં કોરોના મહામારીનો નવો પ્રકાર સામે આવતાં દુનિયાના દેશોમાં ગભરાટ ફેલાયો છે. દુનિયાને વધુ ચિંતિત બનાવી મૂકતાં ફાઈઝર સાથે કોરોનાની રસી વિકસાવનારી બાયોએનટેકના સીઈઓ ઉગુર સાહિને જણાવ્યું છે કે કોરોના મહામારીથી દુનિયાને વહેલા છૂટકારો નહીં મળે. આ વાઈરસ એક દાયકા સુધી આપણી વચ્ચે રહેશે.
આ સપ્તાહે એક વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ઉગુર સાહિનને આ વાઈરસની ડેડલાઈન સંબંધે સવાલ પૂછાયો હતો. કોરોના વાઈરસથી છૂટકારો મેળવી દુનિયામાં ફરીથી ક્યારે જીવન સામાન્ય થશે તેવો સવાલ સાહિનને કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આપણે 'નોર્મલ' એટલે કે 'સામાન્ય જીવન'ની નવી વ્યાખ્યા કરવાની જરૂર છે. આગામી ૧૦ વર્ષ સુધી વાઈરસ આપણી સાથે જ રહેશે. બાયોએનટેકની રસી અમેરિકાની દિગ્ગજ ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝર સાથે વિકસાવવામાં આવી છે અને બ્રિટન અને અમેરિકા સહિત ૪૫થી વધુ દેશોમાં તેના ઉપયોગની મંજૂરી મળી ગઈ છે.
સાહિને જણાવ્યું કે, અંદાજે ૬ સપ્તાહના સમયમાં બ્રિટનમાં આવેલા કોરોના વાઈરસના નવા પ્રકાર માટે પણ તેમની રસી એડજસ્ટ થવાની સંભાવના છે. તેમણે ટેક્નોલોજીને ટાંકીને જણાવ્યું કે, મેસેન્જર ટેક્નોલોજીની સુંદરતા એ છે કે આપણે પ્રત્યક્ષ રીતે રસીનું એન્જિનિયરિંગ શરૂ કરી શકીએ છીએ, જે સંપૂર્ણપણે આ નવા મ્યુટેશનની કોપી બનાવી શકે છે. આપણે માત્ર છ સપ્તાહમાં નવી રસી ઉપલબ્ધ કરાવી શકીએ છીએ.
સાહિને કહ્યું કે તેમને વિશ્વાસ છે કે બ્રિટનમાં આવેલો કોરોના વાઈરસનો નવો પ્રકાર તેમની રસીની ક્ષમતા પર અસર નહીં કરે. બ્રિટનમાં સામે આવેલા કોરોનાના નવા પ્રકારના કારણે ભારત સહિત સમગ્ર દુનિયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બ્રિટનમાં આ નવા વાઈરસની ઓળખ થઈ છે ત્યારથી દેશમાં આ સપ્તાહે સૌથી વધુ મોત થયા છે. સ્વાસ્થ્ય સમંત્રી મેટ હેનકોકે જણાવ્યું કે કોરોનાની નવી આવૃત્તિ વધુ જોખમી છે કારણ કે તે વધુ ઝડપથી ફેલાય છે. ૧૯મી ડિસેમ્બરે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને કોરોનાનો નવો પ્રકાર સામે આવ્યો હોવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, પહેલાની સરખામણીમાં તે ૭૦ ટકા વધુ ઝડપથી ફેલાય છે. આથી ઈંગ્લેન્ડના અનેક ભાગોમાં આકરું લૉકડાઉન લાદી દેવાયું હતું.
Comments
Post a Comment