કેન્દ્ર સરકારે કોરોનાની ગાઈડલાઈનને ૩૧મી જાન્યુઆરી સુધી લંબાવી
નવી દિલ્હી, તા. ૨૮
કેન્દ્ર સરકારે કોરોનાની ગાઈડલાઈનને ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧ સુધી વધારી દીધી છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે રાજ્યોને તાકીદ કરી છે કે ગાઈડલાઈનનું બરાબર પાલન કરવામાં આવે. બ્રિટનમાં ન્યૂ સ્ટ્રેઈનનો કોરોના વાયરસ જોવા મળ્યો હોવાથી સાવધાની રાખવી જરૃરી હોવાનું ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં કહેવાયું હતું.
કોરોના વાયરસને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગાઈડલાઈનને ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧ સુધી વધારી દીધી છે. બ્રિટન સહિતના દુનિયાભરના ઘણાં દેશોમાં ન્યૂ સ્ટ્રેઈન કોરોના વાયરસ જોવા મળ્યો તેનો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે અત્યારે વધારે સાવધાન રહેવાની જરૃર હોવાથી ગાઈડલાઈન આગળ વધારવામાં આવી છે.
કન્ટેનમેન્ટ ઝોનને સાવધાનીપૂર્વક નક્કી કરીને તેનું સખ્તાઈથી પાલન કરવાની સલાહ ગૃહ મંત્રાલયે રાજ્યોને આપી છે. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં સક્રિય કોરોનાના કેસ ઘટી રહ્યા છે. નવા કોરોનાના કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. રિકવરી રેટમાં પણ સુધારો દર્જ થયો છે, છતાં સાવધાની રાખવાની ખાસ જરૃર છે.
દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમને તાવ આવ્યો હોવાથી એઈમ્સમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હેલ્થ બુલેટિનમાં કહેવાયું હતું કે તેમની હાલત સ્થિર છે અને સુધારા પર જણાઈ રહી છે.
બ્રિટનથી આવતા પ્રવાસીઓ બાબતે રાજ્યોએ કડક પગલાં ભરવાનું શરૃ કર્યું છે. તપાસનો ખાસ આગ્રહ રખાયો છે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. કે. સુધાકરે કહ્યું હતું કે જો બ્રિટનથી આવતા પ્રવાસીઓ ટેસ્ટ નહીં કરાવે તો તેમની સામે પોલીસ કાર્યવાહી પણ કરાશે. કોઈ જ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
દેશમાં એક જ દિવસમાં કોરોનાના ૧૭૫૭૮ નવા કેસ નોંધાયા હતા. તે સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૧,૦૨,૨૪,૭૦૬ થયા હતા. એક દિવસમાં વધુ ૨૮૦ દર્દી કોરોનાનો ભોગ બન્યા હતા. એ સાથે કુલ મૃત્યુઆંક ૧,૪૮,૧૨૫ થયો હતો. દિવસમાં ૨૬ હજાર કરતાં વધુ દર્દીઓ સાજા થયા હતા. હેલ્થ મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં કુલ ૯૮,૦૬,૬૪૬ દર્દીઓ સાજા થયા છે.
Comments
Post a Comment