31મે દિવસે પણ ખેડૂતો અડીખમ, વડા પ્રધાન મોદીના પત્ર વિશે આજે બેઠકમાં વિચાર કરાશે
- ખેડૂતોનું બીજું ગ્રુપ આજે ઉપવાસ કરશે
નવી દિલ્હી તા.26 ડિસેંબર 2020 શનિવાર
ખેડૂત આંદોલનના આજે 31 મા દિવસે પણ દિલ્હીના સીમાડે ખેડૂતો અડીખમ હતા અને આજે ખેડૂતોનું બીજું એક જૂથ ઉપવાસ કરશે એવી જાણકારી મળી હતી.
વડા પ્રધાને મોકલેલા પ્રસ્તાવ પત્ર પર આજે ખેડૂત નેતાઓ વિચાર કરશે. આંદોલન શરૂ થયું ત્યારે શિયાળો આટલો કાતિલ નહોતો જેટલેા આજે છે. સિંધુ બોર્ડર, ટિકરી બોર્ડર, ગાઝીપુર બોર્ડર વગેરે સ્થળે તાડપત્રીના તંબુઓ તથા ટ્રેક્ટરમાં ખેડૂતો સપરિવાર વસી ગયા હોય એવી છાપ પડતી હતી. તેમને માટે સવાર સાંજ નિયમિત ચા-પાણી, બે ટંક ભોજન વગેરે માટે લંગર ધમધમી રહ્યું હતું. ખેડૂતોને જીવન જરૂરી ચીજો પૂરી પાડવા ખાલસા એઇડ તરફથી કિસાન મોલ શરૂ થયો હતો જ્યાં ખેડૂતોને જોઇતી તમામ ચીજો મફત પૂરી પાડવામાં આવી રહી તી.
ઠંડી દિવસે દિવસે કાતિલ થઇ રહી હતી. ખેડૂતોમાં મોટી વયના ખેડૂતો ઠંડીથી ધ્રૂજતા હતા પરંતુ.તેમના ઇરાદા હજુય સુદ્રઢ હતા..
સરકારે તાજેતરમાં ઘડેલા ત્રણ કૃષિ કાયદા પાછા ન ખેંચાય ત્યાં સુધી દિલ્હીના સીમાડા છોડવા નથી એવું ખેડૂતો સ્પષ્ટ શબ્દોમાં કહી ચૂક્યા હતા. બીજી બાજુ સરકાર એમ માનતી હતી કે એકવાર કોઇ કાયદા પાછા ખેંચીએ એટલે પછી દાખલો બેસી જાય. આજે એક કાયદો પાછો ખેચ્યો, આવતી કાલે બીજા કોઇ કાયદા માટે આવાં જિદ્દી આંદોલન થવા માંડે. અત્યાર સુધીમાં સરકાર અને ખેડૂતો વચ્ચે મંત્રણાના છ તબક્કા પસાર થઇ ચૂક્યા હતા. આજે ખેડૂત સંગઠનો એક મહત્ત્વની બેઠક યોજવાના છે જેમાં વડા પ્રધાને કરેલા પ્રસ્તાવ પર નિર્ણય લેવાશે. કેટલાક ખેડૂત નેતાઓએ એવો અણસાર આપ્યો હતો કે તેઓ મંત્રણા ફરી શરૂ કરશે જેથી વાતનો નિવેડો આવે એમ પીટીઆઇના એક સમાચારમા જણાવાયું હતું.
દરમિયાન, દેશના બીજા વિસ્તારોમાં પણ ખેડૂતોના છૂટાછવાયા દેખાવો ચાલુ રહ્યા હતા. દરમિયાન, દેશના બીજા વિસ્તારોમાં પણ ખેડૂતોના છૂટાછવાયા દેખાવો ચાલુ રહ્યા હતા. છેલ્લા 31 દિવસમાં સંત બાબા રામસિંઘ સહિત કુલ 30 ખેડૂતો મરણ પામ્યા હતા. એટલે એવરેજ રોજનું એક મરણ થયું હતું એમ કહી શકાય. સરકાર એવો આક્ષેપ કરતી હતી કે આ આંદોલન ખેડૂતોના નામે વિપક્ષો ચલાવી રહ્યા હતા. વિપક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા.
Comments
Post a Comment