આંદોલનકારી ખેડૂતો મંગળવારે સરકાર સાથે વાટાઘાટો માટે તૈયાર


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૬

નવા કૃષિ કાયદાઓ પરત ખેંચવાની માગ પર અડગ ખેડૂત સંગઠનો હવે થોડાક નરમ થયા છે અને તેમણે શનિવારે કેન્દ્ર સરકારની વાટાઘાટોની દરખાસ્ત સ્વીકારી લીધી છે. આંદોલનકારી ૪૦ ખેડૂત સંગઠનોના મુખ્ય સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ શનિવારે એક બેઠકમાં કેન્દ્ર સાથે ૨૯મી ડિસેમ્બરને સોમવારે વાટાઘાટો કરવાનો નિર્ણય લીધો હતો. ખેડૂત નેતાઓ દિલ્હીના વિજ્ઞાાન ભવનમાં મંગળવારે સવારે ૧૧.૦૦ વાગ્યે વાટાઘાટો કરશે. અગાઉ સરકારે ખેડૂતોને તેમના પસંદગીના સમય અને જગ્યા પર વાતચીત માટે તૈયારી દર્શાવી હતી. કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે અગાઉ પાંચ તબક્કાની વાટાઘાટો થઈ છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી.

કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૦માં લાદવામાં આવેલા નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતો એક મહિનાથી દિલ્હીની અલગ અલગ સરહદો પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોની બેઠક પછી પ્રેસ કોન્ફરન્સમાં યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે, ખેડૂતો કેન્દ્ર સરકાર સાથે ૨૯મી ડિસેમ્બરે સવારે ૧૧.૦૦ વાગ્યે વિજ્ઞાાન ભવનમાં વાટાઘાટો માટે તૈયાર છે. વાતચીત માટે અમારા એજન્ડામાં ચાર મુખ્ય મુદ્દા છે. 

તેમણે જણાવ્યું કે, પહેલો મુદ્દા છે ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાની રીત અને બીજો મુદ્દો છે બધા જ ખેડૂતો અને કૃષિ ઉપજો માટે સ્વામીનાથન કમીશન દ્વારા સૂચવવામાં આવેલ લાભદાયક લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ને કાયદાકીય ગેરેન્ટી આપવા માટે કાયદો લાવવામાં આવે. ત્રીજો મુદ્દો છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આજુબાજુના ક્ષેત્રોમાં વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ માટે આયોગ વટહૂકમ ૨૦૨૦માં એવા સુધારા કરવામાં આવે, જેથી આ વટહૂકમની દંડની જોગવાઈઓમાંથી ખેડૂતોને બાકાત કરવામાં આવે. ખેડૂતોના હિતોની રક્ષા માટે વિદ્યુત સુધારા બિલ ૨૦૨૦ના મુસદ્દામાં જરૂરી ફેરફાર કરવામાં આવે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓ અંગે મુદ્દા, તર્ક અને તથ્યો સાથે તેમના વિરોધીઓ સહિત બધા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે તેમ જણાવ્યાના બીજા દિવસે ખેડૂત સંગઠનોએ સરકાર સાથે વાટાઘાટો કરવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ખેડૂત સંગઠનોને ચર્ચા મારફત તેમના મુદ્દાઓનો ઉકેલ લાવવા વિનંતી કરી હતી. ખેડૂત નેતા રાકેશ ટિકેતે જણાવ્યું હતું કે, અમે સરકારને વાટાઘાટો માટે સમય અને તારીખ જણાવી દીધા છે. હવે સરકારે નક્કી કરવાનું છે કે તે ક્યારે વાટાઘાટો કરશે. 

સરકાર સાથે વાટાઘાટોની તૈયારી દર્શાવવાની સાથે આંદોલનકારી સંગઠનોમાંથી એક ક્રાંતિકારી કિસાન યુનિયનના નેતા દર્શન પાલે ૩૦મી ડિસેમ્બરે એટલે કે સૂચિત વાટાઘાટોના બીજા જ દિવસે કુંડલી-માનેસર-પલવલ હાઈવે પર કિસાન ટ્રેક્ટર મોરચો કાઢવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, પંજાબ અને હરિયાણામાં ટોલ પ્લાઝા સ્થાયી રીતે 'ફ્રી' રહેશે. ૩૦મી ડિસેમ્બરે સિંધુ સરહદથી ખેડૂતો ટ્રેક્ટર મોરચો કાઢશે. તેમણે દેશવાસીઓને દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં લોકોને આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે નવા વર્ષની ઊજવણી કરવા અપીલ કરી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો