ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડી, આબુમાં તાપમાન માઈનસ ૭.૮ ડિગ્રી


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૯

હિમાલયમાં નવેસરથી હિમવર્ષા અને પશ્ચિમી હિમાલયમાંથી ઉત્તરી અને ઉત્તર-પશ્ચિમી ઠંડો અને સૂકો પવન ફૂંકાતા ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિ વધુ આકરી બની હતી. શીતલહેરને કારણે રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ૫.૪ અને ગુરુશિખર પર માઈનસ ૭.૮ ડિગ્રી નોંધાયું હતું. બીજીબાજુ દિલ્હીમાં પણ તાપમાન ૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટા છવાયા પર્વતીય વિસ્તારોમાં નવેસરથી હમવર્ષા થઈ હતી.

રાજસ્થાનમાં પણ અનેક સ્થળો પર તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડી વધતાં તાપમાન માઈનસ ૪.૫ ડિગ્રી પહોંચ્યું હતું જ્યારે આબુની ચોટી ગણાતા ગુરુશીખર પર તાપમાન માઈનસ ૭.૮ ડિગ્રી નોંધાયું હતું. આ સિઝનની સૌથી ઠંડી રાત રહી હતી. માઉન્ટ આબુમાં ગાત્રો થીજવતી ઠંડીના કારણએ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. વધુમાં તાપમાન ખૂબ જ નીચું જતાં આબુની ધરતી પર બરફના થર જામ્યા હતા. તળાવમાં પણ પાણી બરફ થઈ ગયું હતું. હવામાન વિભાગે રાજ્યના ડઝનથી વધુ જિલ્લાઓમાં ૩૧મી ડિસેમ્બર સુધી અતિ ઠંડીની ચેતવણી આપી છે.

મુંબઈમાં ઠંડીનો ચમકારો અનુભવાયો

મુંબઈકરો પણ મંગળવારે ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું હતું, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન હતું તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. ઉત્તર ભારતમાં આગામી ૪૮ કલાક સુધી ઠંડીનું સામ્રાજ્ય જળવાઈ રહેશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, પશ્ચિમી હિમાલયમાંથી ઠંડા અને સૂકા પવનોના કારણે ઉત્તર ભારતના મેદાની મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વધુ નીચે ગયું છે. દિલ્હીમાં તાપમાન ૩.૬ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ગયું હતું. શીતલહેરના કારણે મેદાની વિસ્તારોમાં નવા વર્ષની પૂર્વ સંધ્યામાં પારો વધુ બે ડિગ્રી ગગડી શકે છે. 

કાશ્મીરમાં ગુલમર્ગ માઈનસ ૭.૫ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર

કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષાને કારણે ગાત્રો થીજાવતી ઠંડીથી પ્રવાસન અને વ્યાપારિક કેન્દ્રોમાં સામાન્ય જનજીવન ખોરવાયું હતું. શ્રીનગર, બડગામ અને પુલવામા જિલ્લાઓમાં સવારે ૭.૦૦ વાગ્યે હિમવર્ષા શરૂ થઈ હતી. ઉત્તર કાશ્મીરના ગુલમર્ગના સ્કી-રિસોર્ટ ખાતે સાત ઈંચ બરફ પડયો હતો જ્યારે પહલગામ રિસોર્ટમાં ત્રણથી ચાર ઈંચ બરફના થર જામ્યા હતા. માઈનસ ૭.૫ ડિગ્રી સાથે ગુલમર્ગ સૌથી ઠંડુ શહેર બન્યું હતું જ્યારે જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ તાપમાન શૂન્યથી નીચે રહ્યું હતું.

રાજ્યમાં સરેરાશ તાપમાન શૂન્યથી ૩ ડિગ્રી સુધી નોંધાયું

હિમાચલ પ્રદેશમાં પણ સરેરાશ તાપમાન એકથી બે ડિગ્રી નીચું આવતાં ઠંડી વધુ આકરી બની હતી. કીલોંગ, કલ્પા, ડેલહાઉસી અને કુફરીમાં તાપમાન શૂન્યથી નીચે રહ્યું હતું. કીલોંગ માઈનસ ૧૦.૩ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર હતું. અહીં ૦.૬ મીમી હિમવર્ષા થઈ હતી. રાજ્યના અન્ય વિસ્તારોમાં માઈનસ ૦.૧થી માઈનસ ૩.૦ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. પ્રખ્યાત પ્રવાસન સ્થળ શિમલામાં તાપમાન ૧.૬ ડિગ્રી સેલ્સિયસ નીચુ રહ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં ભારે ધુમ્મસથી વિઝિબિલિટી ઘટી

હરિયાણા અને પંજાબના મોટાભાગના વિસ્તારોમાં પણ કોલ્ડ વેવથી લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. અહીં હિસારમાં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી હતું, જે સરેરાશ તાપમાન કરતાં છ ડિગ્રી ઓછું હતું. હિસાર, નારનૌલ, અમૃતસર અને ચંડીગઢ સહિત અનેક વિસ્તારોમાં આ સિઝનની સૌથી ઠંડી રાત હતી. આ વિસ્તારોમાં તાપમાન શૂન્યથી ૩.૫ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ઠંડા પવનોને કારણે હળવાથી ભારે ધુમ્મસ જોવા મળ્યું હતું. પરિણામે વિઝિબિલિટી ઘટી હતી. રાજ્યમાં બરેલીમાં સૌથી ઓછું ૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે