બ્રિટનમાં નવા કોરોનાના કેર વચ્ચે એક દિવસમાં સૌથી વધુ 744નાં મોત


લંડન, તા. 24 ડિસેમ્બર, 2020, ગુરૂવાર

બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો પ્રકાર સામે આવ્યા પછી એક દિવસમાં વિક્રમી સંખ્યામાં દર્દીઓનાં મોત નીપજ્યાં છે. બ્રિટિશ સ્વાસ્થ્ય મંત્રી મેટ હેન્કોકે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાનો નવો પ્રકાર સામે આવ્યો છે. બીજીબાજુ ચીનની કોરોનાની રસી સામે સવાલો ઊભા થવા લાગતા ચીન ઉશ્કેરાઈ ગયું છે. તેણે હવે કહી દીધું છે કોરોનાને હરાવવા અમારી રસીના ઉપયોગ સિવાય બીજો વિકલ્પ નથી.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં બુધવારે કોરોનાના 744 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. એપ્રિલ 2020 પછી પહેલી વખત બ્રિટનમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે બ્રિટનમાં કોરોનાથી મરનારા દર્દીઓની સંખ્યા વધીને 69,157 થઈ ગઈ છે જ્યારે કોરોનાના કુલ કેસ 21.55 લાખથી વધુ થયા છે.

અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતમાં પણ કોરોનાના દર્દીઓનો આંકડો 20 લાખને પાર પહોંચી ગયો છે. આ આંકડાને સ્પર્શનારૂં કેલિફોર્નિયા અમેરિકાનું પહેલું રાજ્ય છે. સમગ્ર અમેરિકામાં કોરોનાના કુલ કેસનો આંક 1.84 કરોડથી વધુ થઈ ગયો છે જ્યારે 3.26 લાખથી વધુ દર્દીઓનાં મોત થયા છે.

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ કેલિફોર્નિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 20.10 લાખથી વધુ થઈ ગઈ છે. અહીં મૃત્યુઆંક 23,651 થયો છે. બીજીબાજુ કોરોના મહામારીથી ત્રસ્ત અનેક દેશોમાં કોરોનાની રસીને તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી આપવાની કાર્યવાહી ચાલી રહી છે. અમેરિકા, બ્રિટન, ચીન, રશિયા સહિત અનેક દેશો કોરોનાની રસી શોધવાની રેસમાં છે. વિશ્વમાં બ્રિટને સૌપ્રથમ કોરોનાની રસીના ઉપયોગને મંજૂરી આપી છે.

આવા સમયમાં ચીન અને રશિયાએ વિકસાવેલી કોરોનાની રસી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે, આ બાબતથી ઉશ્કેરાયેલા ચીને બેધડક જણાવ્યું હતું કે, વિશ્વએ કોરોનાને હરાવવો હશે તો ચીનની રસીનો ઉપયોગ કરવો જ પડશે. ચીન સરકારના પ્રોપેગેન્ડા અખબાર ગ્લોબલ ટાઈમ્સે ચીનની કોરોના રસી પર સવાલ ઉઠાવી રહેલા દેશોની ઝાટકણી કાઢી હતી.

ચીને પશ્ચિમી દેશો પર આક્ષેપ કર્યો કે ચીનની રસી પર પારદર્શિતાના સવાલો ઊઠાવાઈ રહ્યા છે. ચીનના સમય મુજબ ગુરૂવારે સવારે બ્રાઝિલની બુટનાન ઈન્સ્ટિટયૂટે ચીનની સિનોવેક કોરોના રસીના 50 ટકાથી વધુ અસરકારક હોવાની માહિતી આપી હતી.

અમેરિકાની રસી સામે સવાલ ઊઠાવતાં ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું કે અમેરિકાની ફાઈઝરની રસી વિકાસશીલ દેશોના બદલે ધનિક દેશોના ઉપયોગ માટે બનાવાઈ છે. ઉપરાંત આ રસીની આડઅસરો પણ છે, જેના પ્રત્યે પશ્ચિમી મીડિયાએ ધ્યાન નથી આપ્યું. પોતાની રસી સિનોવેકની પ્રશંસા કરતાં અખબારે લખ્યું છે, ચીનની સિનોવેક રસી વધુ સલામત છે અને તેને રેફ્રિજરેટીરના તાપમાનમાં સરળતાથી સ્ટોર કરી શકાય છે.

આ રસી વિકાસશીલ દેશોને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે અને તેનો ભાવ પણ નીચો છે, પરંતુ પશ્ચિમી દેશોના મીડિયા આ ખાસીયતોની અવગણના કરી રહ્યું છે. વધુમાં ચીનની રસીના પરીક્ષણોમાં કોઈ ગંભીર દુર્ઘટનાઓ સામે નથી આવી. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં કોરોનાના 7,89,36,951 કુલ કેસ એટલે કે 7.89 કરોડ કેસ જ્યારે 17,35,131 કુલ મોત એટલે કે 17.35 લાખ મૃત્યુઆંક નોંધાયા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો