‘મોદી સરકાર વિરોધીઓને જેલમાં નાખી રહી છે’, નોબેલ વિજેતા અમર્ત્ય સેને કર્યો ગંભીર આક્ષેપ
- સેન સતત સરકારની નીતિઓની ટીકા કરતા રહ્યા છે
નવી દિલ્હી તા.29 ડિસેંબર 2020 મંગળવાર
નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને એવો આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર પોતાની વિરુદ્ધ બોલતી દરેક વ્યક્તિને જેલમાં નાખી રહી હતી.
સેને કહ્યું હતું કે ક્યારેક ખેડૂત આંદોલનના નામે તો ક્યારેક સીએએ અને એનઆરસીના વિરોધીઓને તો ક્યારેક અહિષ્ણુતા અંગે બોલનારને મોદી સરકાર જેલમાં નાખી રહી હતી.
એક ન્યૂઝ એજન્સીને ઇ મેલ દ્વારા આપેલી મુલાકાતમાં સેને સતત મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં અસંમતિની ગુંજાયેશ દિવસે દિવસે ઘટતી જાય છે. મોદી સરકાર કોઇ પણ મુદ્દે વિરોધનો સૂર સહન કરી શકતી નથી. જરા અમથું બહાનું મળે તો વિદ્રોહી સૂરને સરકાર સીધી જેલમાં ઠાંસી દે છે. મનસ્વી રીતે ગમે તેને દેશદ્રોહી ઠરાવીને સરકાર જેલમાં નાખી રહી હતી. આ એક જોખમી ટ્રેન્ડ છે.
સેને એવો દાવો કર્યો હતો કે જો કોઇ વ્યક્તિના વિચારો સરકારને પસંદ ન પડે તો તરત એને એક યા બીજા બહાને જેલમાં નાખી દેવામાં આવે છે. તમે જુઓ, કેટલીય ધરપકડો કોર્ટે રદ ઠરાવી હતી. દેશદ્રોહના નામે ચાલેલા કેટલાક કેસ કોર્ટે ફગાવી દીધા હતા. આ સરકાર કોઇ પણ બહાને વિદ્રોહને દબાવી દેવામાં માનતી હતી. ગમે તેને આતંકવાદી ઠરાવીને જેલમાં પૂરી દે છે. અસંમતિ કે વિરોધનો સૂર વ્યક્ત કરવા દેવાતો નથી. અસંમતિ અને ચર્ચાની શક્યતાઓ દિવસે દિવસે ઘટી રહી હતી એવો અભિપ્રાય સેને વ્યક્ત કર્યો હતો.
તેમણે વધુ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે કનૈયા કુમાર, શેહલા રાશીદ, ઉમર ખાલિદ વગેરે યુવાનો સાથે શત્રુ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આ લોકશાહીનાં લક્ષણ નથી. ઉમર ખાલિદને હિંસક તોફાનોનો માસ્ટર માઇન્ડ ગણાવવામાં આવ્યો. કોર્ટનો ચુકાદો હજુ આવવાનો બાકી છે. કોર્ટ એને જતો કરે તો સરકારની શી પ્રતિષ્ઠા રહેશે એવો સવાલ તેમણે કર્યો હતો.
જો કે અમર્ત્ય સેનના વિરોધીઓ કહે છે કે સેન પૂર્વગ્રહ યુક્ત વાત કરે છે. વિરોધની ગુંજાયેશ ન રહી હોત તો સેન પોતે આ રીતે જાહેરમાં બોલી ન શક્યા હોત.
Comments
Post a Comment