દિલ્હીમાં આવેલું હાઉસ ઑફ વેક્સ હંમેશા માટે બંધ થાય છે, બ્રિટિશ કંપનીએ કર્યો નિર્ણય
- મેડમ ટુસો્ડ્સ ગ્રુપનું છે આ હાઉસ ઑફ વેક્સ
નવી દિલ્હી તા.30 ડિસેંબર 2020 બુધવાર
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક આંતરરાષ્ટ્રીય સેલેબ્રિટિઝની મીણની પ્રતિમા ધરાવતું દિલ્હી ખાતેનું હાઉસ ઑફ વેક્સ સદાને માટે બંધ થઇ રહ્યું હોવાનો અહેવાલ પ્રગટ થયો હતો.
લંડનના જગવિખ્યાત મેડમ ટુસોડ્સ હાઉસ ઑફ વેક્સની પ્રતિકૃતિ સમાન આ હાઉસ ઑફ વેક્સનું સંચાલન લંડનની જ એક મર્લિન એન્ટરટેઇનમેન્ટ કંપની કરે છે. એક માતબર અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલું હાઉસ ઑફ વેક્સ હંમેશ માટે બંધ કરવાનો નિર્ણય આ કંપનીએ લીધો હતો. જો કે મર્લિન એન્ટરટેઇનમેન્ટ તરફથી હજુ સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
મર્લિન એન્ટરટેઇનમેન્ટની ભારતની શાખાના જનરલ મેનેજર અંશુલ જૈને આ માહિતીને સમર્થન આપ્યું હતું પરંતુ સાથોસાથ કહ્યું હતું કે આ બાબતની સત્તાવાર જાહેરાત લંડન ખાતે આવેલું કંપનીનું વડું મથક કરી શકે. હું ન કરી શકું. હું માત્ર આ સમાચારને સમર્થન આપી શકું.
જૈને વધુમાં કહ્યું કે કોરોના મહામારીના પગલે આ વર્ષના માર્ચમાં હાઉસ ઑફ વેક્સ કામચલાઉ ધોરણે બંધ કરાયું હતું. જો કે ભારતમાં મેડમ ટુસોડ્સના હાઉસ ઑફ વેક્સની લોકપ્રિયતા હજુ પણ અપાર છે. પરંતુ અત્યારે જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે એ જોતાં મર્લિન કંપનીએ અન્ય વિકલ્પની શોધ શરૂ કરી હતી.
દરમિયાન, કનોટ પ્લેસમાં જે મકાનમાં હાઉસ ઑફ વેક્સ છે એ મકાનના માલિકે કહ્યું કે દિલ્હીમાં પર્યટકોને આકર્ષવાનું એક બળકટ માધ્યમ આ હાઉસ ઑફ વેક્સ હતું. એ દિલ્હીની બહાર જવાથી દિલ્હીના પર્યટન ઉદ્યોગને બહુ મોટું નુકસાન થશે. દિલ્હી નગરપાલિકાએ આ હાઉસ ઑફ વેક્સને જરૂરી તમામ સગવડ સુવિધા પૂરી પાડી હતી. મર્લિન કંપનીએ પણ અહીં હાઉસ ઑફ વેક્સ સ્થાપવા માટે સારું એવું મૂડીરોકાણ કર્યું હતું. હવે આ હાઉસ ઑફ વેક્સ બંધ થતાં એ મૂડી પણ દિલ્હીની બહાર કે પછી ભારતની બહાર ચાલી જશે.
વાસ્તવમાં મીણની પ્રતિમાઓને સાચવવા પાછળ માતબર ખર્ચ થતો રહ્યો છે. દિલ્હી ઉપરાંત દુનિયાના ઘણા દેશોમાં મેડમ ટુસોડ્સના આવાં હાઉસ ઑફ વેક્સની શાખાઓ છે. દિલ્હીના તાપમાનને ધ્યાનમાં રાખીને આ મીણ પ્રતિમાઓ જળવાઇ રહે એ રીતે એર કંડિશનર્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
Comments
Post a Comment