પાક.માં ચોમેરથી ઘેરાયેલા શાહબાઝ બચવા કાશ્મીર રાગ આલાપ્યો
- પાક. પીએમના મગરમચ્છના આંસુ : આર્થિક કંગાલિયત વચ્ચે 'ભિખારી દેશ'ની યુદ્ધની ગર્ભિત શેખી
- પરમાણુ શસ્ત્રોથી સજ્જ પાકિસ્તાન-ભારત વચ્ચે યુદ્ધ થશે તો શું થયું હતું તે જણાવવા માટે કોણ જીવતું હશે, કાશ્મીર મુદ્દે યુએઈ મધ્યસ્થી કરે : શાહબાઝ
- આતંકવાદ અને વાટાઘાટો એકસાથે ચાલી શકે નહીં : પાકિસ્તાનને ભારતની સ્પષ્ટ વાત
ઈસ્લામાબાદ : ઘર આંગણે આર્થિક રીતે કંગાળ થઈને 'ભીખારી' બની ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દેશ ચલાવવા આર્થિક મદદ માટે સાઉદી અરબ, આઈએમએફ, યુએઈ, ચીન પાસે 'ભીખ' માગી રહ્યા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઘર આંગણે ઘેરાયેલા શરીફે બચવા માટે 'કાશ્મીર મુદ્દા'નો આશરો લીધો છે. તેમણે કાશ્મીરમાં માનવાધિકારોનો ભંગ રોકવા ભારતને અપીલ કરી છે તેમજ શાહબાઝ શરીફે વધુ એક વખત ભારતને ત્રણ-ત્રણ યુદ્ધોમાં કારમા પરાજય પછી શાંતિ અને પ્રગતિની દુહાઈઓ દેતાં પરમાણુ યુદ્ધની ગર્ભિત ધમકી આપી છે અને યુએઈને પણ મધ્યસ્થી કરવા આમંત્રણ આપ્યું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે એક ટીવી ઈન્ટર્વ્યૂમાં કબૂલ કર્યું કે તેમના દેશે ભારત સાથે ત્રણ યુદ્ધો કર્યા પછી બોધપાઠ શીખી લીધો છે. સાથે જ તેમણે ભાર પૂર્વક કહ્યું કે તેઓ શાંતિ ઈચ્છે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરી કે પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે, પરંતુ કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે રોકાવું જોઈએ. કાશ્મીરમાં માનવાધિકારનો ભંગ થઈ રહ્યો છે. એટલું જ નહીં શાહબાઝ શરીફે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર સહિતના સળગતા મુદ્દાઓના ઉકેલ માટે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ને ત્રીજા પક્ષ તરીકે મધ્યસ્થી કરવા ભલામણ પણ કરી હતી. આ સાથે શરીફે ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધના જોખમની ગર્ભિત ધમકી પણ ઉચ્ચારી હતી.
શરીફના આ નિવેદન પછી પાકિસ્તાન પીએમઓના પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન શરીફ સતત કહી રહ્યા છે કે પાકિસ્તાન અને ભારતે તેમના દ્વિપક્ષીય મુદ્દાઓ, વિશેષરૂપે જમ્મુ-કાશ્મીરના મુખ્ય મુદ્દાનો વાટાઘાટો અને શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ. જોકે, વડાપ્રધાન શરીફે વારંવાર રેકોર્ડ પર કહ્યું છે કે ભારત તરફથી ૫ ઑગસ્ટ ૨૦૧૯માં કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરવાનું પગલું પાછું ખેંચાયા પછી જ વાતચીત શક્ય છે. ભારત આ પગલું ન લે ત્યાં સુધી વાતચીત શક્ય નથી.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દુબઈ સ્થિત એક સમાચાર ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ભારતીય નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારો સંદેશ છે કે આવો, આપણે વાતચીતના ટેબલ પર બેસીએ અને કાશ્મીર જેવા સળગતા મુદ્દાઓ માટે ગંભીરતાથી વાતચીત કરીએ. પાકિસ્તાન અને ભારત પડોશી દેશ છે. બંનેએ એક સાથે જ રહેવાનું છે. આપણે શાંતિથી રહીએ, પ્રગતિ કરીએ અથવા પરસ્પર સંઘર્ષ કરીએ અને સમય તથા સંશાધનો બરબાદ કરીએ તે આપણા ઉપર છે.
તેમણે ઉમેર્યું કે, અમે ભારત સાથે ત્રણ યુદ્ધ લડયા છીએ અને તેનાથી બોધપાઠ લીધો છે કે યુદ્ધથી દુ:ખ, ગરીબી અને બેરોજગારીમાં વધારો જ થાય છે. અમે શાંતિ ઈચ્છીએ છીએ, સમૃદ્ધિ મેળવવા માગીએ છીએ. અમે બોમ્બ અને દારૂગોળા પર સંશાધનો બરબાદ કરવા માગતા નથી. આ જ સંદેશ હું વડાપ્રધાન મોદીને આપવા માગું છું. શાહબાઝ શરીફે ચેતવણી આપતા કહ્યું કે, અમે પરમાણુ શસ્ત્રોથી સજ્જ છીએ, ભગવાન ના કરે પરંતુ યુદ્ધ થશે તો શું થયું હતું તે જણાવવા માટે કોણ જીવતું હશે? પાકિસ્તાન અને ભારત વચ્ચે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) મધ્યસ્થી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. યુએઈ પાકિસ્તાનીઓ માટે બીજા ઘર સમાન છે.
દરમિયાન પાકિસ્તાન સાથે શાંતિ વાટાઘાટો મુદ્દે ભારત સતત કહેતું આવ્યું છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે થઈ શકે નહીં. શાંતિની વાટાઘાટો માટે પાકિસ્તાને ભારતમાં આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરી અનુકૂળ વાતાવરણ પેદા કરવું જોઈએ. કાશ્મીર ભારતનો જ ભાગ છે અને તેણે પીઓકે પરથી તેનો કબજો છોડી દેવો જોઈએ. ભારતે બંધારણ હેઠળ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરી છે. ભારતની શરતો પર પાકિસ્તાન તૈયાર થાય તો જ શાંતિવાટાઘાટો શક્ય છે.
શાહબાઝ થોડીક તો શરમ કરો : ઈમરાન ખાન
પાકિસ્તાનને ભીખ માગતું કરી દીધું : મોદીનો વીડિયો પાક.માં વાઈરલ
- ઇમરાનની સત્તા વખતનો વીડિયો વાઈરલ કરવા જતાં પીટીઆઈ પોતે જ શરમજનક સ્થિતિમાં મુકાઈ
પાકિસ્તાન અત્યારે અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે ત્યારે વિપક્ષ પીટીઆઈના નેતા ઈમરાન ખાન વડાપ્રધાન શાહબાઝ શરીફ પર હુમલા કરવાની એક પણ તક છોડતા નથી. અત્યારે પાકિસ્તાનની સમસ્યાઓ વચ્ચે ઈમરાન ખાનનો પક્ષ પીટીઆઈ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાઈરલ કરી રહ્યો છે, જેમાં પીએમ મોદી કહે છે, ભારતે પાકિસ્તાનને ભીખનો કટોરો લઈને ફરવા મજબૂર કરી દીધું છે.
પીટીઆઈના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરીને તેમના વડાપ્રધાન શાહબાઝ શરીફની ટીકા કરી રહ્યા છે. પીટીઆઈના સેનેટર આઝમ ખાન સ્વાતિએ પીએમ મોદીનો વીડિયો ટ્વીટ કરીને લખ્યું, 'સાંભળો, ભારતના વડાપ્રધાન પાકિસ્તાન અંગે શું કહી રહ્યા છે. તમારી થોડીક પણ આબરૂ બચી નથી તો થોડી શરમ કરી લો. પાકિસ્તાનને બચાવવા માટે બસ એક જ રીત છે, ઈમરાન ખાનને પાછો લાવો.'
પાકિસ્તાનમાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે, 'ભાઈઓ-બહેનો, અમે પાકિસ્તાનની બધી અક્કડ કાઢી નાંખી. તેને કટોરો લઈને આખી દુનિયામાં ભીખ માગવા માટે મજબૂર કરી દીધું.' મોદીનો આ વીડિયો ૨૦૧૯માં યોજાયેલી એક ચૂંટણી રેલીનો છે. જોકે, રસપ્રદ વાત એ છે કે પીટીઆઈના નેતાઓ જે વીડિયો શૅર કરીને શાહબાઝ શરીફને ઘેરવા માગે છે તે વીડિયો પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર હતી તે સમયનો છે. આ હકીકત સામે આવતા અનેક લોકો હવે પીટીઆઈને જ ઘેરી રહ્યા છે.
તાલિબાનોએ પણ શરીફની સમસ્યાઓ વધારી
શાહબાઝ શરીફ રાજકીય, આર્થિક, આતંકવાદ સહિતના મોરચે ઘેરાયેલા છે
- રાજકીય અનિશ્ચિતતા, આઈએમએફની મદદમાં વિલંબથી પાક. શેરબજારમાં 1378 પોઈન્ટનો કડાકો
સાઉદી અરબમાં આર્થિક સહાય માગવા ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દુબઈમાં ભારત સાથે શાંતિ વાટાઘાટો માટે તૈયારી બતાવી છે. શાહબાઝે શાંતિ મંત્રણા માટે એટલા માટે તૈયારી બતાવી છે, કારણ કે તે ઘરઆંગણે અનેક મોરચે ઘેરાઈ ગયા છે અને હવે પાકિસ્તાની નાગરિકોનું ધ્યાન બીજે દોરવા માગે છે. આથી તેમના માટે કાશ્મીર સિવાય બીજો કોઈ મુદ્દો રહ્યો નથી.
પાકિસ્તાન આજે ભયાનક આર્થિક કટોકટીમાં સપડાયું છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે આર્થિક સહાય માટે સાઉદી અરબ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, યુએઈ અને ચીન પાસે 'ભીખ' માગવી પડી રહી છે. બે દિવસ પહેલાં જ શરીફે કહ્યું હતું કે, પાકિસ્તાન પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશ હોવા છતાં તેણે ભીખ માગવી પડી રહી છે, જે શરમજનક છે. જોકે, પાકિસ્તાનની આ સ્થિતિ છેલ્લા ૧૫-૨૦ વર્ષથી તે જે દિશામાં ચાલી રહ્યું છે તેનું જ પરિણામ છે.
પાકિસ્તાનના શાસકોએ દેશમાં આતંકવાદને ઉછર્યો હોવાથી અમેરિકા, આઈએમએફ સહિતની આંતરરાષ્ટ્રીય મદદ મળતી બંધ થઈ છે. આમ, એક તરફ પાકિસ્તાનમાં સર્જાયેલું આર્થિક સંકટ દેશને ડૂબાડી શકે છે. પાકિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતતા અને આઈએમએફની મદદ મળવામાં વિલંબ થવાથી મંગળવારે પાકિસ્તાનના શેરબજારમાં ૧૩૭૮ પોઈન્ટનો કડાકો બોલાયો હતો. બીજીબાજુ રાજકીય સંકટ છે. શાહબાઝ શરીફ ઈમરાન ખાનને ઉથલાવીને સત્તા પર આવ્યા છે અને ઈમરાન ખાન શરીફને ઉથલાવવા સતત આંદોલનો કરી રહ્યા છે. આ બખેડા વચ્ચે તાલિબાને પાકિસ્તાનની સમસ્યા વધારી છે. ભારતમાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાન પર તાલિબાની આતંકીઓ હુમલા કરી રહ્યા છે. વધુમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનને સત્તા પર લાવી આ ક્ષેત્ર પર પ્રભુત્વ જમાવવાનું સપનું જોતા પાકિસ્તાનને હવે તાલિબાની શાસકોએ પણ આંખ બતાવવાનું શરૂ કરી દીધું છે.
આર્થિક સંકટના કારણે દેશમાં મોંઘવારી સાતમા આકાશે પહોંચી છે. સામાન્ય લોકો માટે લોટ ખરીદવો પણ મુશ્કેલ બની ગયો છે. આ બધા કારણોથી લોકોમાં શાસકો પ્રત્યે ભારે આક્રોશ ફેલાયેલો છે. અધૂરામાં પૂરું ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સ્થાનિક લોકો દેખાવો કરી ભારત સાથે જોડાવા આંદોલન કરી રહ્યા છે. શાહબાઝ શરીફની સરકાર પાસે હાલ આ સમસ્યાઓનું કોઈ સમાધાન નથી. દેશમાં સ્થિતિ બદથી બદતર થઈ રહી છે તેથી શાહબાઝ શરીફ હવે ભારત સાથે શાંતિ મંત્રણાની વાતો કરે છે, પરંતુ તે કાશ્મીર-આતંકવાદ જેવા ભારત માટે ચિંતિત મુદ્દાઓ પર સમાધાન સાધવા તૈયાર નથી.
Comments
Post a Comment