ભારતમાં માત્ર 1 ટકા શ્રીમંતો પાસે જ દેશની 40 ટકા મિલ્કત
- દેવોસમાં આંચકાજનક ઘટસ્ફોટ
- 2020માં ભારતમાં 102 અબજોપતિઓ હતા, 2022માં તે સંખ્યા વધીને 166 થઈ : ઓક્ષફામ
- સર્વાઇવલ ઓફ ધ રીચેસ્ટની વ્યવસ્થામાં નબળો વર્ગ પીસાઇ રહ્યો છે
દેવોસ : ભારતમાં માત્ર ૧ ટકા જેટલા જ અતિશ્રીમંતો પાસે દેશની ૪૦ ટકા જેટલી મિલ્કત છે. જ્યારે દેશની નિમ્ન સ્તરની વિશાળ જનસંખ્યા પાસે દેશની કુલ મિલ્કતના માત્ર ૩ ટકા રહે છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમથી સ્વિત્ઝર્લેન્ડનાં દેવોસમાં ચાલી રહેલી વાર્ષિક પરિષદના પહેલા જ દિવસે આ આંચકાજનક અહેવાલ 'ઓક્ષફામ' ઈન્ટરનેશનલ દ્વારા રજૂ કરાયો હતો. તેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના અતિશ્રીમંત તેવા ૧૦ જણા પાસેથી તેમની મિલ્કતના માત્ર પાંચ ટકા જ લેવામાં આવે તો પણ દેશનાં તમામ બાળકોને શાળામાં અભ્યાસ કરવાની તક મળી શકે.
અહેવાલ વધુમાં જણાવે છે કે માત્ર એક જ અબજોપતિ ગૌતમ અદાણીએ ૨૦૧૭-૨૦૨૧ સુધીમાં પ્રાપ્ત કરેલી રકમ (મિલ્કત)માંથી ૧.૭૯ લાખ કરોડ છૂટા કરે તો પણ તે રકમમાંથી ૫૦ લાખ પ્રાથમિક શાળાઓના શિક્ષકોને એક વર્ષ માટે પગાર આપી શકાય.
'સર્વાઈવલ ઓફ ધ રીચેસ્ટ' શિર્ષક ધરાવતા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જો ભારતના અબજોપતિઓની તેમની કુલ મિલ્કત ઉપર માત્ર ૨ ટકા જ ટેક્ષ લગાડવામાં આવે તો પણ રૂપિયા ૪૦,૪૨૩ કરોડ ઊભા કરી શકાય. જેથી આગામી ત્રણ વર્ષ સુધી કૂપોષિત લોકોને પોષણક્ષમ આહાર મળી શકે.
અહેવાલ વધુમાં જણાવે છે કે ભારતની ૧૦ સૌથી શ્રીમંત વ્યક્તિઓ પાસેથી માત્ર એક જ વખત ૫ ટકા જેટલો ટેક્ષ લેવામાં આવે (રૃા. ૧.૩૭ લાખ કરોડ) તો પણ તે દેશનાં આરોગ્ય અને કુટુમ્બ કલ્યાણ મંત્રાલય માટે જરૂરી તેવા રૃા. ૮૬,૨૦૦ કરોડ અને 'આયુષ' મંત્રાલયને જરૂરી તેવા ૨૦૨૨-૨૩ના માટેના રૃા. ૩,૦૫૦ કરોડ કરતાં તે ૧.૫ ગણા થઈ રહે તેમ છે.
જાતીય અસમાનતા વિષે આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પુરૂષ કામદારના ૧ રૂપિયા સામે મહિલા કામદારને માત્ર ૬૩ પૈસા જ મળે છે.
ફોર્બસ એન્ડ ક્રેડીટ સ્યુઈઝ તથા ભારત સરકારની જ સંસ્થા એન.એસ.એસ. ભારતનાં કેન્દ્રીય અંદાજપત્રોના દસ્તાવેજો તેમજ સંસદમાં પૂછાયેલા પ્રશ્નોના આધારે આ સમગ્ર અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં ૨૦૨૦માં અબજોપતિઓની સંખ્યા ૧૦૨ હતી, જે ૨૦૨૨માં ૧૬૬ થઈ છે. દેશના ૧૦૦ જેટલા અતિશ્રીમંતોની મિલ્કત ડોલર ૬૬૦ બિલિયન સુધી પહોંચી ગઈ છે. આ રકમ સંપૂર્ણ કેન્દ્રીય બજેટ માટે ૧૮ મહીના સુધી પૂરતી થઈ રહે તેમ છે. તેમ કહેતા ઓક્ષફામ ઈંડીયાના સીઈઓ અમિતાભ બેહર જણાવે છે કે, દેશમાં એક તરફ ધક્કેલાઈ ગયેલા દલિતો, આદિવાસીઓ, મુસ્લીમો, મહીલાઓ અને અસંગઠિત ક્ષેત્રના મઝદૂરો આ 'સર્વાઈવલ ઓફ ધ રીચેસ્ટ'ની વ્યવસ્થામાં ભીંસાઈ રહ્યા છે.
Comments
Post a Comment