જૂનિયર કલાર્ક પરીક્ષાઃ રાજ્ય બહારથી પેપર ફૂટ્યાનો દાવો, ATS એક્ટિવ, 4 રાજ્યોમાં તપાસ શરૂ
image : GPSSB |
અમદાવાદ, તા. 29 જાન્યુઆરી, 2023
પંચાયત સેવા પસંદગી મંડળની ક્લાસ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ હોબાળો મચી ગયો છે. હવે આ મામલે ગુજરાત એટીએસએ પણ ઝંપલાવીને તપાસ હાથ ધરી હતી. આ મામલે અત્યાર સુધીમાં કુલ 10થી વધુ આરોપી હોવાના અહેવાલ મળ્યા છે. જેમાંથી કેટલાકની અટકાયત પણ કરી લેવામાં આવી છે. આ મામલે કેતન બારોટ અને શેખર નામના યુવકની સંડોવણી હોવાની પણ માહિતી મળી છે.
એટીએસની ટીમ અન્ય રાજ્યો જેવા કે તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને દિલ્હી તરફ રવાના કરાઈ
માહિતી અનુસાર આ પેપર રાજ્યની બહારથી ફોડવામાં આવ્યું હોઈ શકે છે. આ મામલે એટીએસએ તપાસ પણ શરૂ કરી દીધી છે. તેની સાથે જ એટીએસની ટીમ ગુજરાત સહિત અન્ય રાજ્યો જેવા કે તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને દિલ્હી તરફ રવાના કરાઈ હતી. તેલંગાણાની પ્રિન્ટિંગ પ્રેસમાંથી આ પેપર ફૂટ્યુ હોઈ શકે છે. તેની જ તપાસ કરવા માટે કુલ 5 ટીમો ગુજરાત બહાર જવા રવાના કરવામાં આવી હતી. એવા પણ અહેવાલ મળ્યા છે કે પેપરની ડુપ્લીકેટ નકલ વડોદરાથી ફરતી કરવામાં આવી હતી. આ મામલે વડોદરા અને સુરત બંનેની પોલીસ એક્ટિવ થઈ છે.
9.53 લાખ પરીક્ષાર્થી ફરી મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયા
ઉલ્લેખનીય છે કે ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા 9.53 લાખ પરીક્ષાર્થી ફરી મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. તેમાં એવાય અનેક ઉમેદવારો હશે જેમની કદાચ વયમર્યાદા પૂરી થતી હશે અને તેમની પાસે આ પરીક્ષા આપવા માટે છેલ્લી તક હશે. હવે આવા લોકો માટે પણ સરકારે વિચારીને પગલાં ભરવા પડશે. મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના શહેરો અને ઘરથી દૂર દૂર પરીક્ષા આપવા ગયા હતા જેમના માટે એસટી બસમાં ફ્રી મુસાફરીની જાહેરાત કરવી પડી હતી.
રાજ્ય બહાર પેપર ફૂટ્યું હોવાની આશંકા
આ મામલે પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાજીકા કચેરીયાએ દાવો કર્યો છે કે બની શકે કે રાજ્ય બહારના તત્વો દ્વારા પેપર લીક કરવામાં આવ્યું છે. અમારી પાસે પેપરના અમુક ભાગો આવતા જ અમને પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. એવી ચોક્કસ માહિતી મળી છે કે રાજ્ય બહારની ગેંગની આ મામલે મોટી ભૂમિકા હોઈ શકે છે.
Comments
Post a Comment