ભારતીય અર્થતંત્ર 6 થી 6.8 ટકાના દરે વિકાસ કરશે : આર્થિક સરવે


- વૈશ્વિક પડકારો છતાં વૃદ્ધિદરમાં ભારત સૌથી આગળ રહ્યું : નાણામંત્રી

- ભારતીય અર્થતંત્ર વધુ સારા દેખાવ માટે તૈયાર, મોંઘવારી દર કાબૂમાં રહેશે : મુખ્ય આર્થિક સલાહકાર

નવી દિલ્હી : ભારતીય અર્થતંત્ર ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં ૬થી ૬.૮ ટકાના દરે વિકાસ કરશે, જે છેલ્લા ત્રણેક વર્ષમાં સૌથી નીચો છે. આમ છતાં ભારત દુનિયાનું સૌથી ઝડપથી આગળ વધતું અગ્રણી અર્થતંત્ર બની રહેશે તેમ નાણામંત્રી નિર્મલા સીતારામને મંગળવારે બજેટ પૂર્વે આર્થિક સર્વેક્ષણ રજૂ કરતાં કહ્યું હતું. વર્ષ ૨૦૨૦ પછી દુનિયાએ આર્થિક સ્તરે કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ અને મોંઘા વ્યાજદર જેવા ત્રણ મોટા આંચકાનો સામનો કરવો પડયો. આવા મુશ્કેલ સમયમાં પણ દેશના અર્થતંત્રે તેની મજબૂતી જાળવી રાખી અને નાણાકીય વર્ષ ૨૩માં ફરી એક વખત ભારતીય અર્થતંત્ર કોરોના પહેલાંની સ્થિતિના માર્ગે ચાલવા લાગ્યું છે.

આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું કે ભારત પર્ચેઝિંગ પાવર પેરિટી (પીપીપી)ની બાબતમાં દુનિયામાં ત્રીજું સૌથી મોટું અને વિનિમય દરની બાબતમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે વર્તમાન કિંમતો પર વિકાસ દર ૧૧ ટકા રહેવાનો અંદાજ છે. સર્વેક્ષણમાં જણાવાયું કે વૈશ્વિક કોમોડિટીના ભાવમાં ઘટાડા અને આરબીઆઈની નીતિઓના કારણે મોંઘવારીને સંતોષજનક દાયરામાં લાવવામાં આવી છે. ગયા વર્ષે આર્થિક સર્વેક્ષણમાં ૨૦૨૨-૨૩ દરમિયાન દેશનો જીડીપી વૃદ્ધિદર ૮-૮.૫ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો.

આર્થિક સર્વેમાં જણાવાયું હતું કે, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે તેનું વિશેષ સ્થાન બનાવી ચૂક્યો છે. ફાર્મા ઉત્પાદનોમાં ભારત દુનિયામાં ત્રીજા નંબર છે અને મૂલ્યના આધારે ૧૪મા સ્થાને છે. ભારતની હિસ્સેદારી વધીને ૬૦ ટકા થઈ છે અને તે વૈશ્વિક સ્તરે અગ્રણી રસી ઉત્પાદક બન્યું છે.

ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અત્યાર સુધીમાં સામાજિક કાર્યો પર સંયુક્ત રૂપે ૨૧.૩ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. આ ખર્ચમાં સતત વધારો જોવા મળ્યો છે. તે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ સરકારી ખર્ચના ૨૬.૬ ટકા રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષે ૨૬.૧ ટકા હતો. ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં અનેક પડકારો છતાં સારી રણનીતિ અને મેનેજમેન્ટના બળે નિકાસના મોરચે મોટી સફળતા હાંસલ કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ કહ્યું કે ભારત હવે ખરીદનાર નહીં વેચનાર દેશ બની રહ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨ની સરખામણીમાં દેશની નિકાસ અંદાજે ૧૬ ટકા વધી છે.

આર્થિક સરવેમાં સીતારામને કહ્યું કે, નામાકીય વર્ષ ૨૦૨૩માં આરબીઆઈના બદલાયેલા વલણના પગલે સરકારની સરપ્લસ રોકડની સ્થિતિમાં સુધારો થયો છે. નીતિગત દરોમાં વૃદ્ધિ પછી ઉધાર અને જમા દરોમાં વધારો થયો છે. આ સિવાય ગયા વર્ષે બધા જ મહિનામાં જીએસટી કલેક્શન વધ્યું છે. રૂ. ૧.૫ કરોડના સરેરાશ માસિક સંગ્રહ સાથે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન બધા જ મહિનામાં જીએસટી સંગ્રહમાં સતત વધારો થયો છે. જીએસટી કરદાતાઓની સંખ્યા વર્ષ ૨૦૧૭માં ૭૦ લાખ હતી, જે વર્ષ ૨૦૨૨માં વધીને ૧.૪ કરોડથી વધુ થઈ ગઈ છે.

આર્થિક મુખ્ય સલાહકાર અનંત નાગેશ્વરને આર્થિક સમીક્ષા તૈયાર કરી છે. તેમણે કહ્યું કે, રિઝર્વ બેન્કનો ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવો ૬.૮ ટકા રહેવાનો અંદાજ એટલો વધુ નથી કે ખાનગી ખર્ચને રોકે અને એટલો ઓછો પણ નથી કે રોકાણ માટે પ્રોત્સાહનને નબળું કરે. તેમણે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરથી નીચે રહેશે તો અંદાજિત વૃદ્ધિદર પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે.જાહેર ખર્ચની ગુણવત્તા વધુ સારી થઈ છે અને સરકાર બજેટ ખાથના આંકડા અંગે વધુ પારદર્શી થઈ છે. સરકારી ખરીદીની બાબતમાં પણ પારદર્શીતા આવી છે.

આર્થિક સર્વેક્ષણની હાઈલાઈટ્સ

મોંઘવારી-મહામારીમાંથી બહાર આવતા ભારતમાં મંદી કોસો દૂર

નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ સત્રના પહેલા દિવસે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. ભારતીય અર્થતંત્ર કોરોના મહામારીમાંથી બહાર આવીને ફરી એક વખત તિવ્ર ગતિએ વિકાસની હરણફાળો ભરી રહ્યું છે. આવા સમયે નાણામંત્રીએ રજૂ કરેલા આર્થિક સર્વેક્ષણની કેટલીક મહત્વની હાઈલાઈટ્સ.

- ભારતીય અર્થતંત્ર બધા જ ક્ષેત્રોમાં વ્યાપક આધારે સુધાર કરી રહ્યું છે. અર્થતંત્ર કોરોના મહામારીમાંથી બેઠું થઈ રહ્યું છે અને તે મંદીથી કોસો દૂર છે.

- આગામી નાણાકીય વર્ષમાં મોંઘવારી કાબૂમાં આવી જશે. તે સાથે જ વિકાસ દરને વધુ આગળ વધારવામાં મદદ મળશે. સ્વાસ્થ્ય ક્ષેત્ર પર સરકારનો ખર્ચ જીડીપના ૨.૩ ટકા થઈ ગયો છે.

- એફડીઆઈ નીતિઓમાં પરિવર્તન પછી ફાર્મા સેક્ટરને અત્યાર સુધીમાં અંદાજે ૨૦ અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મળ્યું છે. ૨૦૨૨ સુધીના છેલ્લા પાંચ વર્ષમાં ફાર્મા સેક્ટરમાં એફડીઆઈ ચાર ગણુ વધ્યું.

- આ વર્ષે અમે બજેટમાં લગાવેલા અંદાજ કરતાં ઘણો વધુ ટેક્સ મળ્યો છે. એનએચએઆઈ ઈન્વઆઈટીએ વિદેશી અને ભારતીય રોકાણકારો પાસેથી રૂ. ૧૦,૨૦૦ કરોડ એકત્ર કર્યા.

- નવેમ્બર ૨૦૨૨માં રીટેલ ફુગાવો આરબીઆઈની ટાર્ગેટ લિમિટની અંદર આવી ગયો છે.

- સ્વચ્છ બેલેન્સ શીટના કારણે નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન આપવામાં વધારો થયો છે.

- શહેરી બેરોજગારીનો દર ઘટયો અને ઈપીએફઓમાં વૃદ્ધિ શુદ્ધ નોંધણીમાં રોજગારી સર્જનમાં વૃદ્ધિ જોવા મળી.

- ગરીબી સૂચકાંક પર યુએનડીપીના ૨૦૨૨ના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૦૫-૦૬ અને ૨૦૧૯-૨૦ વચ્ચે ભારતમાં ૪૧.૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર નિકળ્યા.

- વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ઊર્જાના ક્ષેત્રોમાં સ્વાવલંબી બનાવવા માટે રાષ્ટ્રીય હરિત હાઈડ્રોજન મિશન.

- રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લગભગ ૮૧.૪ કરોડ લાભાર્થીઓને એક વર્ષ માટે મફત ખાદ્યાન્ન અપાયું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો