ચીનની વસતીમાં છ દાયકામાં પહેલી વખત 8.50 લાખનો ઘટાડો થયો


- વર્ષ 2022માં 95 લાખ બાળકોનો જન્મ, 1.04 કરોડનાં મોત

- 2022માં ચીનની વસતી 141.18 કરોડ, જે 2021માં 141.26 કરોડ હતી : જન્મદર 2021માં 7.52 ટકાથી ઘટી 6.67 ટકા રહ્યો

- વસતીમાં ઘટાડાની સમસ્યાથી ચિંતિત ચીનની દંપતિઓને ત્રીજા બાળકના જન્મ માટે 10,000 યુઆન આપવાની ઓફર

બેઈજિંગ : દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતા દેશ તરીકે પ્રખ્યાત ચીનમાં છ દાયકા કરતાં વધુ સમયમાં પહેલી વખત ઘટાડો થયો છે. ચીને જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ ચીનની વસતી ગયા વર્ષે ઓછી થઈ છે. મેઈનલેન્ડ ચીનની વસતી વર્ષ ૨૦૨૨ના અંતમાં અંદાજે ૧૪૧ કરોડને પાર થઈ હતી. જોકે, ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ મુજબ વસતીમાં ગયા વર્ષની સરખાણીએ ૮.૫૦ લાખનો ઘટાડો થયો છે.

નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (એનબીએસ)એ જણાવ્યું કે, ચીનમાં વર્ષ ૨૦૨૨માં જન્મદર કરતાં મૃત્યુદરમાં વધારો થયો છે. ગયા વર્ષે ચીનમાં અંદાજે ૯૫.૬૦ લાખ બાળકોનો જન્મ થયો હતો જ્યારે ૧.૦૪ કરોડ લોકોનાં મોત થયા હતા. આ પહેલા ૧૯૬૧માં ચીનની વસતીમાં ઘટાડો નોંધાયો હતો. તે સમયે દુષ્કાળના કારણે મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. જોકે, એક સમયે વસતી વિસ્ફોટનો સામનો કરી રહેલા ચીને વસતી પર નિયંત્રણ લાદવા ૧૯૮૦માં'એક બાળક'ની નીતિ અપનાવી હતી. આ યોજનાના કારણે ચીનની વસતીમાં ભારે ઘટાડો આવ્યો હતો.

આ નીતિ સાથે ચીન વસતી ઘટડાવામાં સફળ થયું છે. વર્ષ ૨૦૨૨માં ચીનમાં ૯૫ લાખ બાળકો પેદા થયા હતા અને જન્મદર ૬.૬૭ ટકા રહ્યો છે, જે ૨૦૨૧માં ૭.૫૨ ટકા હતો. છ દાયકામાં ચીનની વસતીમાં પહેલી વખત ઘટાડો જોવા મળ્યો છે. ૨૦૨૧માં ચીનમાં ૧.૬૩ કરોડ બાળકોનો જન્મ થયો હતો. તેની સરખામણીમાં ૨૦૨૨માં ૯૫ લાખ બાળકોનો જન્મ થયો. ચીનમાં જન્મદરનો આ આંકડો વર્ષ ૧૯૪૯ પછી સૌથી ઓછો છે.

આ સાથે ચીનની વસતીમાં પણ ઘટાડો થયો છે. ૨૦૨૧માં ચીનની વસતી ૧૪૧.૨૬ કરોડ હતી, જે ૨૦૨૨માં ઘટીને ૧૪૧.૧૮ કરોડ થઈ ગઈ છે. એટલે કે વસતીમાં એક વર્ષમાં કુલ ૮.૫૦ લાખનો ઘટાડો થયો. ચીનના મીડિયા મુજબ ચીનમાં બાળકો પેદા કરવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. વધુમાં આર્થિક મંદી અને કોરોના સમયે લગાવાયેલા પ્રતિબંધો પણ ચીનની ઘટતી વસતી પાછળના જવાબદાર પરીબળો છે. 

દુનયામાં સૌથી વધુ વસતી ધરાવતા દેશમાં વસતીનું સંકટ ઘેરું બની રહ્યું છે. આથી જ ચીને ૨૦૧૬માં તેની 'એક બાળકની નીતિ' છોડી દીધી હતી અને યુગલોને ત્રણ બાળકો પેદા કરવાની મંજૂરી આપી હતી. ચીનના અધિકારીઓએ ચેતવણી આપી છે કે જન્મદરમાં જે રીતે ઘટાડો થઈ રહ્યો છે તે જોતાં વર્ષ ૨૦૨૫ પછી ચીનની વસતી ઘટવા લાગશે. આ સંકટથી બચવા માટે પરિવારોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા મે ૨૦૨૧માં 'ત્રીજા બાળકની નીતિ' અપનાવી છે, જેના હેઠળ પહેલા બાળકના જન્મ પર દંપતિને આપમેળે ૩,૦૦૦ યુઆન મળે છે જ્યારે ત્રીજા બાળકના જન્મ પર ૧૦,૦૦૦ યુઆન અપાય છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે એક સંતાનથી ટેવાઈ ગયેલા ચીની યુગલોને વધુ બાળકોના જન્મ માટે પ્રોત્સાહિત કરવા જિનપિંગ સરકારે કોઈ અસરકારક નીતિ અમલમાં મૂકવી પડશે.

ભારત સૌથી વધુ વસતીમાં ચીનથી આગળ નીકળી જશે!

દુનિયામાં અત્યાર સુધી ચીન સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. જોકે, ભારત નજીકના સમયમાં જ સૌથી વધુ વસતીની દૃષ્ટિએ ચીનને વટાવી જાય તેવી શક્યતા છે. ભારતની વસતી હાલ ૧૪૦ કરોડથી વધુ છે અને દેશની વસતી સતત વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના આર્થિક, સામાજિક બાબતોના વિભાગ પોપ્યુલેશન ડિવિઝનના 'વર્લ્ડ પોપ્યુલેશ પ્રોસ્પેક્ટ્સ ૨૦૨૨'ના રિપોર્ટ મુજબ ભારત વર્ષ ૨૦૨૩માં સૌથી વધુ વસતી ધરાવતા દેશ તરીકે ચીનને પાછળ પાડી દેશે. આ રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ ૨૦૫૦ સુધીમાં વસતી ૧૬૬.૮ કરોડ હશે જ્યારે આ સમયે ચીનની વસતી ૧૩૧.૭ કરોડથી વધુ હશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે