જાતિય સતામણીનો મામલો : અનુરાગ ઠાકુરે કુસ્તીબાજો સાથે કરી ચર્ચા : WFI પ્રમુખે આપ્યું નિવેદન

નવી દિલ્હી, તા.19 જાન્યુઆરી-2023, ગુરુવાર

રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે પગલાં લેવાની માગ સાથે ગુરુવારે જંતર-મંતર ખાતે તમામ દિગ્ગજ કુસ્તીબાજોની હડતાળ બીજા દિવસે પણ યથાવત્ રહી હતી. આ ઘટનાને પગલે સરકારે પણ એક્શનમાં આવી હતી અને ખેલ મંત્રાલયે ખેલાડીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. તો બીજી તરફ કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને કુસ્તીબાજો સાથે ચર્ચા કરી હતી. અનુરાગ ઠાકુર સાથે બબીતા ફોગટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને અન્ય કુસ્તીબાજોએ મુલાકાત કરી WFIના પ્રમુખ સામેના તેમના વિરોધ અને આરોપોના સંદર્ભમાં ચર્ચા કરી હતી. તો આ દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડીજી સંદીપ પ્રધાને પણ અનુરાગ ઠાકુરના નિવાસ સ્થાને જઈ કેન્દ્રીય મંત્રી અને કુસ્તીબાજો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. મળતી માહિતી મુજબ, અહીં ડિનર કરવાની સાથે ખેલાડીઓ રમત-ગમત મંત્રી સાથે પોતાની ફરિયાદો પર ચર્ચા કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રમત-ગમત મંત્રાલય તરફથી બ્રિજ ભૂષણ સિંહને 1 દિવસમાં ફેડરેશનના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા માટે કહેવાયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને મંત્રાલય તરફથી ફોન કરીને સૂચના અપાઈ છે. એવું પણ કહેવાયું છે કે જો તેઓ આમ નહીં કરે તો તેને પદ પરથી હટાવી દેવામાં આવશે. સૂત્રોનું માનીએ તો બ્રિજભૂષણ સિંહે અત્યારે રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો છે.

WFIના પ્રમુખે દીપેન્દ્ર હુડ્ડા અને કોંગ્રેસ પર લગાવ્યા આરોપ

તો બીજી તરફ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહે જણાવ્યું કે, મારા પર જે પણ આરોપો લગાવાયા છે તે દીપેન્દ્ર હુડ્ડા અને કોંગ્રેસ દ્વારા ઉભાયા કરાયા છે. કેટલાક એવા ખેલાડીઓ છે જેમની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. તેઓ મારા પર આરોપ લગાવી રહ્યો છે. હું કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છું. જ્યારે કશું કર્યું જ નથી, તો કોઈ વાતનો ડર નથી.

અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, તેઓ કુસ્તીબાજોને આજે મળશે

દરમિયાન કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ વિવાદ પર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, તેઓ દિલ્હીમાં કુસ્તીબાજો સાથે મુલાકાત કરશે. વિનેશ ફોગાટ સહિત અનેક કુસ્તીબાજોએ WFI પ્રમુખ અને બીજેપી સાંસદ પર જાતીય સતામણીના આરોપો લગાવ્યા છે. જો કે બ્રિજભૂષણ શરણ સિંહે આ આરોપોને નકારી કાઢ્યા છે.

મંત્રાલયે WFIને નોટિસ પાઠવી

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કુસ્તીબાજોએ કરેલા આરોપોને ધ્યાનમાં લઈને મંત્રાલયે WFIને નોટિસ મોકલીને 72 કલાકમાં જવાબ આપવા જણાવ્યું છે. આગામી શિબિર પણ તાત્કાલિક અસરથી મોકૂફ રખાઈ છે. હું દિલ્હી જઈ રહ્યો છું અને કુસ્તીબાજોને મળીશ.

કુસ્તીબાજોએ વિરોધને વધુ કડક બનાવવાની ચીમકી ઉચ્ચારી

અગાઉ દેશના ટોચના કુસ્તીબાજોએ ગુરુવારે વિરોધ-પ્રદર્શનને વધુ કડક કરવાની વાત કરી હતી અને કહ્યું હતું કે સરકારે તેમને માત્ર ખાતરીઓ આપી છે, કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી અને જો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ને તાત્કાલિક અસરથી ભંગ કરાશે નહીં તો તેઓ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ અનેક FIR નોંધાવશે. કુસ્તીબાજોએ સતત બીજા દિવસે જંતર-મંતર પર તેમની બેઠક યથાવત્ રાખી અને આ વિરોધ-પ્રદર્શનમાં વધુ કુસ્તીબાજો જોડાઈ રહ્યા છે. આ તમામ કુસ્તીબાજો WFI પ્રમુખ સામે વિરોધ કરી રહ્યા છે જેના પર જાતીય સતામણી અને ગુંડાગીરીનો આરોપ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો