દેશના વરિષ્ઠ વકીલ અને પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણનું નિધન
Image - newsonair |
નવી દિલ્હી, તા.31 જાન્યુઆરી-2023, મંગળવાર
પ્રશાંત ભૂષણના પિતા પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણનું 97 વર્ષની વયે નિધન થયું છે. શાંતિ ભૂષણ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા, તેમનું સ્વાસ્થ્સ સારુ રહેતું ન હતું. તેમણે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. શાંતિ ભૂષણ દેશના પૂર્વ કાયદા મંત્રી જ નહીં, પરંતુ તેઓ કાયદાકીય ન્યાયશાસ્ત્ર અને બંધારણના નિષ્ણાત પણ મનાતા હતા. કાયદાકીય મુદ્દાઓ પર તેમની પકડ ખૂબ જ મજબૂત મનાતી હતી.
શાંતિ ભૂષણ વર્ષ 1977થી 1979 સુધી દેશના કાયદા મંત્રી હતા
મળતી માહિતી મુજબ શાંતિ ભૂષણ વર્ષ 1977થી 1979 સુધી દેશના કાયદા મંત્રી રહ્યા હતા. તેમને મોરારજી દેસાઈની સરકાર વખતે મંત્રી બનાવાયા હતા. ત્યારબાદ 1980માં શાંતિ ભૂષણના જીવનમાં મોટો બદલાવ આવ્યો હતો. શાંતિ ભૂષણ દ્વારા એનજીઓ Centre for Public Interest Litigationની શરૂઆત કરવામાં આવી હતી. આ એક એનજીઓ દ્વારા દેશહિત સાથે જોડાયેલી ઘણી પિટિશન સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. ઉપરાંત 2018માં જ્યારે શાંતિ ભૂષણે માસ્ટર ઓફ રોસ્ટરમાં ફેરફાર કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, ત્યારે તેઓ ખુબ ચર્ચામાં આવ્યા હતા.
શાંતિ ભૂષણ કડક રાજકીય ટિપ્પણીઓ માટે પણ જાણીતા હતા
આમ તો શાંતિ ભૂષણ તેમની કડક રાજકીય ટિપ્પણીઓ માટે પણ જાણીતા હતા. જ્યારથી પ્રશાંત ભૂષણે આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો હતો, ત્યારથી શાંતિ ભૂષણ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘણી વખત નિશાન બનાવાયા છે. થોડા વર્ષો પહેલા એક નિવેદનમાં શાંતિ ભૂષણે કહ્યું હતું કે, કેજરીવાલને સમર્થન આપવું એ અમારી ભૂલ હતી. આમ આદમી પાર્ટી લોકતાંત્રિક રાજનીતિ કરી રહી નથી. પ્રશાંતને જે રીતે પક્ષમાંથી નિકાળાયો તે યોગ્ય ન હતું. પક્ષ અલગ છે અને તેની વિચારસરણી પણ અલગ છે, પરંતુ આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓમાં કોઈ ફરક નથી.
Comments
Post a Comment