પાકિસ્તાનની મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 61નાં મોત
- નમાઝ વખતે થયેલા હુમલાની જવાબદારી તાલિબાને લીધી
- હુમલામાં 150થી વધુને ઈજા, પેશાવરની હોસ્પિટલોમાં લોહીની અછત સર્જાઈ : શહેરમાં મેડિકલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી
- પાકિસ્તાનની સરકારોએ ઝેર પાઈને ઉછરેલા આતંકીઓએ નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હોવાથી લોકોએ સોશિયલ મીડિયામાં રોષ વ્યક્ત કર્યો
પેશાવર : પાકિસ્તાનના પેશાવરની મસ્જિદમાં નમાઝ દરમિયાન આતંકવાદી હુમલો થયો હતો. આ આત્મઘાતી હુમલામાં ૬૧નાં મોત થયા હતા અને ૧૫૦ કરતાં વધુ ઈજાગ્રસ્ત બન્યા હતા. એમાંથી ઘણાંની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. પેશાવરમાં મેડિકલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. શહેરની હોસ્પિટલોમાં લોહીની અછત સર્જાઈ ગઈ હતી, તેથી યુવાનોને રક્તદાનની અપીલ કરવામાં આવી હતી. આ આતંકવાદી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન તાલિબાને લીધી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ આતંકવાદી ઘટનાની ટીકા કરી હતી.
પાકિસ્તાનના પેશાવરમાં સૌથી સુરક્ષિત ગણાતા વિસ્તારમાં પાકિસ્તાન તાલિબાની સંગઠને આત્મઘાતી હુમલો કર્યો હતો. ભરચક વિસ્તારમાં આવેલી મસ્જિદમાં નમાઝ વખતે જ આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં મસ્જિદની એક દીવાલ તૂટી ગઈ હતી. પહેલી હરોળમાં હાજર રહેલા આતંકવાદીએ અન્ય લોકો બપોરે દોઢેક વાગ્યે નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે જ વિસ્ફોટ કર્યો હતો. નમાઝ અદા કરતા હતા એ લોકોમાં મોટાભાગના સૈન્ય-પોલીસ કર્મચારીઓ અને બોમ્બ સ્કવોડના કર્મચારીઓ હતા. પેશાવરનો આ વિસ્તાર ખૂબ જ સુરક્ષિત ગણાય છે અને ત્યાં સુરક્ષાદળોનો કાફલો તૈનાત રહે છે. ઘાયલ થયેલા ૧૫૦ કરતાં વધુ લોકોમાં પણ પોલીસ-સૈન્યના જવાનોની સંખ્યા વધારે હતી.
આ હુમલાની જવાબદારી તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન નામના આતંકી સંગઠને લીધી હતી. પાકિસ્તાન તાલિબાનના કમાન્ડર ઉમર ખાલિદ ખુર્સાનીના ભાઈએ આ આત્મઘાતી હુમલાની જવાબદારી લેતા કહ્યું હતું કે આ હુમલો બદલો લેવા માટે કર્યો છે. તેના ભાઈને એટલે કે ઉમર ખાલિદને અફઘાનિસ્તાનમાં ગત વર્ષે ઓગસ્ટમાં ઠાર કરવામાં આવ્યો હતો, એનો બદલો લેવા માટે આ હુમલો થયો હતો. હુમલામાં માત્ર સૈનિકો-પોલીસ કર્મચારીઓ જ નહીં, સામાન્ય નાગરિકોનો પણ ભોગ લેવાયો હતો. પાકિસ્તાની સરકારોએ ઝેર પાઈને ઉછરેલા આ તાલિબાની આતંકવાદીઓ હવે નાગરિકોને નિશાન બનાવવા લાગ્યા હોવાથી પાકિસ્તાની યુઝર્સે સોશિયલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાની ટીકા કરતા કહ્યું હતું કે ઈસ્લામ આવા કૃત્યોની કોઈ જ પરવાનગી નથી આપવામાં આવતી. આ હુમલાનો જવાબ આપવામાં આવશે અને આખો દેશ આતંકવાદ સામે લડશે.
જોકે, હકીકત એ છે કે પાકિસ્તાન અને ચીન વૈશ્વિક મંચ પર આતંકવાદીઓને બચાવતા આવે છે. પાકિસ્તાન તો મસૂદ અઝહરથી થઈને હાફિઝ સઈદ સહિતના અસંખ્ય આતંકવાદીઓને છાવરે છે. યુએન આવા આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂકે છે છતાં આ આતંકવાદીઓ પાકિસ્તાનમાં રહીને ભારત સહિતના દેશોમાં આતંકવાદી હુમલા કરે છે. પાકિસ્તાને અમેરિકા પાસેથી આટલા વર્ષોમાં આતંકવાદના ખાતમા માટે અબજો ડોલરનું ફંડ મેળવ્યું છે, છતાં એ જ ફંડનો ભારતમાં આતંકવાદી હુમલા કરાવવા માટે પાકિસ્તાન ઉપયોગ કરે છે. પાકિસ્તાનની સરકારોની આ અનીતિના કારણે હવે સામાન્ય નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે.
Comments
Post a Comment