સુપ્રીમ કોર્ટનો જેટ એરવેઝને ફટકો, NCLATનો આદેશ માન્ય રાખ્યો, ચૂકવવી પડશે 200 કરોડથી વધુની રકમ
Image - wikipedia |
નવી દિલ્હી, તા.30 જાન્યુઆરી-2023, સોમવાર
સુપ્રીમ કોર્ટે નાણાંકીય સંકટ સામે લડી રહેલી જેટ એરવેઝના નવા માલિક જાલાન-ફ્રિટ્સ કર્સોડિયમને ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના આદેશને માન્ય રાખ્યો છે. NCLATએ એરલાઈન્સને પૂર્વ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુઈટીની બાકી રકમન ચૂકવણી કરવાનો આદેશ કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે. ચીફ જસ્ટિસ (CJI) ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચે કહ્યું કે, એરલાઈન્સ સામે જે પણ પગલાં ભરવામાં આવશે, તેને ખબર પડશે કે મજૂરી ચુકવવાની બાકી છે. વેતન વગર શ્રમની બાકી રકમને હંમેશા પ્રાથમિકતા અપાય છે. ક્યારેક તો તેને અંતિમ સ્વરૂપ આપવું જોઈએ. માફ કરજો, અમે દખલ નહીં કરીએ.
એરલાઈન્સે રૂ.200 કરોડથી વધુ રકમ ચૂકવવી પડશે
સુનાવણી શરૂ થતાં જ કન્સોર્ટિયમ તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ સૌરભ કિરપાલે કહ્યું કે, તેમને હવે 200 કરોડ રૂપિયાથી વધુ વધારાની રકમ ચૂકવવી પડશે અને એરલાઈનને ફરી બેઠી કરવી મુશ્કેલ બનશે. તેમણે જણાવ્યું કે, એકવાર મંજૂર થઈ ગયા પછી સમાધાન યોજનામાં સુધારો કરી શકાતો નથી કે તેને પાછો ખેંચી શકાશે નહીં. જેટ એરવેઝના અસંતુષ્ટ કર્મચારીઓના યુનિયન તરફથી વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ ભટનાગર અને એડવોકેટ સ્વર્ણેન્દુ ચેટર્જી અદાલતમાં હાજર થયા હતા. આ પૂર્વ કર્મચારીઓએ એરલાઈન્સની નાદારી પ્રક્રિયા શરૂ થવાની તારીખ અથવા ત્યારબાદ રાજીનામું આપી દીધું હતું. આ યુનિયનમાં એરલાઈન્સના 270 પૂર્વ કર્મચારીઓ સામેલ છે. પૂર્વ કર્મચારીઓએ કન્સોર્ટિયમના પગલાં પર શંકા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટમાં કાઉન્ટર પિટિશન દાખલ કરી હતી.
NCLATના આદેશ સામે જેટ એરવેઝે સુપ્રીમમાં અપીલ દાખલ કરી હતી
ચેટર્જીએ કેસની સુનાવણી બાદ પત્રકારોને કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આ આદેશ માત્ર માર્ગદર્શિકા નથી, પરંતુ જે કામદારો અને કર્મચારીઓ આવા દાવાઓમાં ફસાયેલા છે, તેમના માટે આશાનું કિરણ પણ છે. NCLATના આદેશ વિરૂદ્ધ જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડના મુરારી લાલ જાલાન અને ફ્લોરિયન ફ્રિટ્સ વતી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરાઈ હતી. કોન્સોર્ટિયમે દાવો કરતા જણાવ્યું કે, તેને અપાયેલી સૂચનાની યાદીમાં પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટીની ચૂકવણી પ્રત્યે કોર્પોરેટ દેવાદાર (જેટ એરવેઝ)ની કોઈપણ જવાબદારીઓનો ખુલાસો કરાયો નથી. ગયા વર્ષે 21 ઓક્ટોબરે NCLATએ કન્સોર્ટિયમને એરલાઈનના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટી બાકી રકમ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
Comments
Post a Comment