ભાડું ચૂકવવામાં ફાંફા પડતા મસ્કે ટ્વિટર બર્ડ, કોફી મશીનની હરાજી શરૂ કરી
- ટ્વિટરને બચાવવા માટે મસ્કનો મરણિયો પ્રયાસ !
- મસ્કે ટ્વિટર સંભાળ્યા પછી કંપનીની જાહેરાતની આવકમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો: એડર્વટાઇઝરો ભાગવા લાગ્યા
- જીએમ -ફોક્સવેગન જેવી કંપનીઓએ જાહેરાત આપવાનું બંધ કર્યુ: મસ્કે એડમાં ઘટાડા માટે એક્ટિવિઝમને જવાબદાર ઠેરવ્યું
વોશિંગ્ટન : અબજપતિ ઇલોન મસ્કને ટ્વિટરને નફાકારક કરવુ મોંઘુ પડી રહ્યુ છે. કંપનીને તેની ઓફિસોનું ભાડુ ચૂકવવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે અને તેના પર દેવાનો બોજો ખડકાઈ રહ્યો છે. મસ્કે ગયા વર્ષે૪૪ અબજ ડોલરમાં કંપની ખરીદ્યા ર્ પછી તેઓ સાનફ્રાન્સિસ્કોમાં તેના હેડક્વાર્ટરની લીઝ પૂરી કરવા માટે પણ સક્ષમ નથી અને ઓફિસનું ભાડુ ચૂકવવાના પણ ફાંફા છે. કંપની માલિક સાથે નવા લીઝને લઈને વાટાઘાટો કરવામાં નિષ્ફળ રહી છે. હવે આ રકમ કરોડો ડોલરમાં થાય છે.
તેના પગલે મસ્કે ટ્વિટર બર્ડ, કોફી મશીન વગેરેની હરાજી શરૂ કરી છે. આટલું ઓછું હોય તેમ મસ્કે ટ્વિટરને સંભાળ્યા પછી તેની જાહેરાતની આવકમાં ૪૦ ટકા ઘટાડો થયો છે. એડર્વટાઇઝરો ટ્વિટર છોડીને ભાગવા માંડયા છે.
ટ્વિટરે આના પગલે હેરિટેજ ગ્લોબલ પાર્ટનર્સને હાયર કર્યા છે, જે ટ્વિટરના હેડક્વાર્ટરની વસ્તુઓની હરાજી કરશે. તેના ઓક્શન પેજ કે હરાજીના પેજનું ટાઇટલ છે ઓનલાઇન ઓકશન સેલ ફીચરિંગ સરપ્લસ કોર્પોરેટ ઓફિસ એસેટ્સ ઓફ ટ્વિટર.
તેને સૌથી વધુ વેચાણ ટ્વિટરના બર્ડના પ્રતીકમાંથી થવાની આશા છે. આ સિવાય ઓફિસ સપ્લાયની માલસામગ્રી જેવી કે કોફી મશીન, કિચન ઇક્વિપમેન્ટ, ફર્નિચર વગેરેમાંથી વેચાણ થવાની આશા છે.
ચાર ફૂટના ટ્વિટર બર્ડનો બિડિંગ પ્રાઇસ હાલમાં ૨૦,૫૦૦ ડોલર કે ૧૬,૭૦,૦૦૦ રુપિયા થાય. આ દર્શાવે છે કે મસ્કની આગેવાની હેઠળ કંપનીની સ્થિતિ કેવી છે. મસ્કે ટ્વિટરને સંભાળ્યા પછી જનરલ મોટર્સ અને ફોક્સવેગન જેવી કંપનીઓએ ટ્વિટરને જાહેરાત આપવાનું બંધ કરી દીધું છે. મસ્કે આવકમાં ઘટાડા માટે એક્ટિવિઝમને જવાબદાર ઠેરવ્યું છે. આ ઉપરાંત મસ્કે નવા આવકપ્રવાહ શોધવાનો પ્રયત્ન કરવા માંડયો છે. તેમા મર્ચેન્ડાઇઝ મૂકવાનો અને એકસ્લુઝિવ કન્ટેન્ટ માટે ચાર્જિંગનો સમાવેશ થાય છે.
મસ્કે ટ્વિટર સંભાળવાની સાથે હજારો કર્મચારીઓની હકાલપટ્ટી કરતા કોર્પોરેટ એડર્વટાઇઝરો કંપની ટ્વિટર છોડવા લાગ્યા છે. મસ્કે આના પગલે સીઇઓ પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી તો પણ મસ્કનો તેના પર અંકુશ રહેશે જ તેમ લોકો માને છે. તેથી ટ્વિટરના મસ્ક્યુલિયન એફોર્ટમાં કોઈ ફેર નહી પડે.
Comments
Post a Comment