રશિયાની સસ્તા ક્રૂડની ઓફર અંગે ભારતની વિચારણા



રશિયા ભારતને ડિસ્કાઉન્ટ કિંમતમાં ઓઈલ અને કોમોડિટી આપવા તૈયાર છે. એક્સક્લૂઝિવ ઓફર બાબતે ભારતે વિચારણા શરૃ કરી છે. અત્યારે ભારત કુલ ૮૦ ટકા આયાતમાંથી માત્ર ૨થી ૩ ટકા ઓઈલ રશિયાથી આયાત કરે છે. વીમાકવચ અને ઓઈલ ટેન્કર જેવા મુદ્દે વિચારણા કર્યા બાદ ભારત સરકાર નિર્ણય ઉપર આવશે એવું અધિકારીઓએ કહ્યું હતું.
ભારત સરકારના ટોચના અધિકારીઓને ટાંકીને કહેવાયું હતું એ પ્રમાણે રશિયન સરકારે ભારત સમક્ષ ઓઈલ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. યુક્રેન ઉપર ચડાઈ કર્યા બાદ રશિયા ઉપર અમેરિકા, યુરોપના દેશોએ આર્થિક પ્રતિબંધો મૂકી દીધા છે. તેના કારણે રશિયાની ઓઈલ નિકાસ અટકી ગઈ છે. રશિયાએ તેનો ઓઈલ, કોમોડિટી અને ગેસનો જથ્થો ભારતને આપવાની તૈયારી બતાવી છે અને એ માટે મોટું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત પણ કરી છે.
સરકારી અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલો પ્રમાણે ઓઈલ ઉપરાંત કોમોડિટી, યૂરિયા ખાતર વગેરેનો જથ્થો ભારતને સસ્તાભાવે મળે તેમ છે. ભારતે આ ડિસ્કાઉન્ટ બાબતે ગંભીરતાથી વિચારણા શરૃ કરી છે. જે મુશ્કેલીઓ છે તેના સંદર્ભમાં પણ વિચારાઈ રહ્યું છે. ખાસ તો ઓઈલનો જથ્થો હેમખેમ ભારત લાવવા ઓઈલ ટેન્કર, ઓઈલના જથ્થાનું વીમા કવચ વગેરેની વ્યવસ્થા થાય એ પછી ઓઈલ ખરીદવા અંગે વિચારાશે.
રશિયાએ વૈશ્વિક પ્રતિબંધો પછી નવા બજારની તલાશ શરૃ કરી છે. એમાં ભારત રશિયાનું સંભવિત ગ્રાહક બને તેમ છે. કુલ જરૃરિયાતના ૮૦ ટકા ઓઈલની ભારત આયાત કરે છે. એમાંથી રશિયા પાસેથી તો માત્ર ૨થી ૩ ટકા ઓઈલ જ ખરીદવામાં આવે છે. જો રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ કિંમતમાં ઓઈલનો મોટો જથ્થો ખરીદવામાં આવે તો ભારતમાં ૪૦ ટકા સુધી વધેલી કિંમતમાં ઘટાડો થઈ શકે તેમ છે. રશિયાએ ઓઈલમાં કેટલું ડિસ્કાઉન્ટ આપવાની તૈયારી બતાવી છે અને કેટલો જથ્થો આપવાની તૈયારી બતાવી છે - તે બાબતે સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.
રશિયા ઉપર પ્રતિબંધ હોવાથી અમેરિકા આ ખરીદીનો વિરોધ કરી શકે છે. જોકે, રશિયા ઉપરના પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય ટ્રેડ કાયદા પ્રમાણે ભારતને ઓઈલની ખરીદી કરતા રોકી શકે નહીં. રૃપિયાથી રશિયન કરન્સી રૃબલમાં દેવડ-દેવડ કરવાની રશિયાની તૈયારી હોવાથી બંને દેશો વચ્ચેનો વેપાર વધુ સરળ બની શકે તેમ છે. આવી સ્થિતિમાં ભારતે આ પ્રસ્તાવને ગંભીરતાથી લઈને વિચારણા શરૃ કરી છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો