ભારતમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં 1877 પછી સૌથી વધુ ગરમી પડી


- પાનખર શરૂ, ફૂલો મોસમ કરતાં વહેલા કરમાવા લાગ્યા

- દિલ્હીમાં સરેરાશ તાપમાન 63 વર્ષમાં સૌથી વધુ : માર્ચમાં તાપમાન બે ડિગ્રી વધશે, કાળઝાળ ગરમી, ઘાતક લૂની ચેતવણી

- ફેબ્રુઆરી 2023માં ભારતમાં સરેરાશ માસિક મહત્તમ તાપમાન 29.54 ડિગ્રી, દિલ્હીમાં 27.7 ડિગ્રી સે. નોંધાયું

નવી દિલ્હી : ભારતમાં આ વર્ષે ફેબ્રુઆરી મહિનો વર્ષ ૧૮૭૭ પછી સરેરાશ સૌથી વધુ ગરમ રહ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં સરેરાશ ગરમી ૨૯.૫૪ ડિગ્રી સે. નોંધાઈ છે તેમ હવામાન વિભાગે મંગળવારે કહ્યું હતું. દિલ્હીમાં સરેરાશ તાપમાન ૬૩ વર્ષમાં સૌથી વધુ નોંધાયું હતું. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં સરેરાશ મહત્તમ તાપમાન ૨૭.૭ ડિગ્રી સે. હતું. વધુમાં આ વખતે ઉનાળામાં ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી અને 'ઘાતક લૂ'ની ચેતવણી અપાઈ છે. ભારતના અનેક વિસ્તારોમાં માર્ચમાં તાપમાન બે ડિગ્રી સુધી વધવાની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં ઊંચું તાપમાન નોંધાયું હતું જ્યારે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભાગોમાં આકરી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના હાઈડ્રોમેટ અને એગ્રોમેટ સલાહકાર સેવાના વડા એસસી ભાવને જણાવ્યું હતું કે, માર્ચમાં હીટ વેવની સંભાવના ઓછી છે, પરંતુ દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલ અને મેમાં કાળઝાળ ગરમી અનુભવાઈ શકે છે. ફેબ્રુઆરીમાં સરેરાશ માસિક મહત્તમ તાપમાન ૧૮૭૭ પછી સૌથી વધુ નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ૧૯૦૧ પછી પાંચમા ક્રમે રહ્યું હતું. સમગ્ર વિશ્વ ગ્લોબલવોર્મિંગના યુગમાં જીવી રહ્યું છે ત્યારે દુનિયામાં ગરમી વધવી સ્વાભાવિક છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિલ્હીમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન ૨૭.૭ ડિગ્રી સે. નોંધાયું હતું, જે ૬૩ વર્ષ પછી સૌથી વધુ નોંધાયું હતું. શહેરમાં મંગળવારે મહત્તમ તાપમાન ૩૨.૧ ડિગ્રી સે. નોંધાયું હતું. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ છે તથા લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ છે. બુધવારે અહીં હળવા વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે. આ સમયે તીવ્ર પવન ફૂંકાી શકે છે. જોકે, ત્યાર પછી તાપમાન ફરી વધવા લાગશે. આકાશ સ્વચ્છ રહેતા અને નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિવસના સમયમાં ગરમી વધશે.

સ્કાયમેટ વેટરના જીપી શર્માએ જણાવ્યું કે, મેદાની વિસ્તારોમાં વરસાદ ઓછો થયો છે. તેની અસર દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં પણ પડશે. ભારતીય હવામાન વિભાગ મુજબ વર્ષ ૨૦૨૨ દેશનું પાંચમું સૌથી ગરમ વર્ષ હતું. આ વર્ષમાં ૬૬ દિવસ લૂમાં પસાર થયા હતા. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી મુજબ વર્ષ ૨૦૧૫થી લઈને ૨૦૨૦ વચ્ચે લૂથી અસરગ્રસ્ત રાજ્યોની સંખ્યા બમણાથી વધુ થઈ છે.

હવામાન વિભાગે ૨૧મી ફેબ્રુઆરીએ ચેતવણી આપી હતી કે ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન સામાન્યથી ૩-૫ ડિગ્રી વધુ રહેશે. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં પણ ગરમીએ પાંચ દાયકાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. લૂની ચેતવણી આ વર્ષે સપ્તાહો પહેલાં જ આપી દેવાઈ છે. ભારત સતત ત્રીજા વર્ષે લા નીનાની સ્થિતિઓનો સામનો કરી રહ્યું છે. તેના પગલે સામાન્યથી ઓછો વરસાદ થાય છે. 

દરમિયાન દેશમાં બદલાતા વાતાવરણના કારણે જરૂરિયાત પૂરતો વરસાદ પણ નથી થઈ રહ્યો. એક રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૩ના પ્રારંભિક બે મહિનામાં દેશમાં અંદાજે ૮૫ ટકા ભાગ પર વરસાદનું એક ટીપું પણ નથી પડયું. દેશમાં કુલ ૨૬૪ જિલ્લામાં બે મહિનામાં વરસાદ નથી પડયો, જેમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ૧લી જાન્યુઆરીથી ૨૭મી ફેબ્રુઆરી વચ્ચે દેશના કુલ ૭૧૭ જિલ્લામાંથી ૨૬૪માં વરસાદ નથી પડયો જ્યારે ૨૪૩માં ખૂબ જ ઓછો અને ૧૦૦ જિલ્લામાં ઓછો વરસાદ પડયો છે. માત્ર ૫૪ જિલ્લા એવા છે જ્યાં સામાન્ય વરસાદ થયો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો