સિસોદિયા રીમાન્ડ પર : આપ- ભાજપ વચ્ચે હલ્લાબોલ


- સિસોદિયા જ કૌભાંડના કર્તાધર્તા, અમારા સવાલોથી દૂર ભાગી રહ્યા છે : સીબીઆઇ

- અદાણીના કૌભાંડથી દેશનું ધ્યાન ભટકાવવા ધરપકડ કરાઇ : આપ આપ બંધારણ કે કોર્ટનું પણ સન્માન નથી જાળવી રહી : ભાજપ

- સિસોદિયાને પાંચ દિવસ સુધી રિમાન્ડ પર મોકલવાનો કોર્ટનો આદેશ, ધરપકડના વિરોધમાં આપના ઠેરઠેર ધરણા

નવી દિલ્હી : દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ મામલે ધરપકડ કરાયેલા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સોમવારે સીબીઆઇ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કોર્ટે આ માગણીને સ્વીકારી લીધી હતી, જેને પગલે મનીષ સિસોદિયાને પાંચ દિવસ માટે સીબીઆઇ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. જે દરમિયાન સિસોદિયાની સીબીઆઇ દ્વારા આ સમગ્ર મામલે કસ્ટડીમાં વધુ પૂછપરછ કરવામાં આવશે. સીબીઆઇએ દાવો કર્યો હતો કે સિસોદિયાએ અત્યાર સુધી કરાયેલી પૂછપરછમાં યોગ્ય જવાબ ન આપ્યા હોવાથી તેની કસ્ટડી જરૂરી છે. આ દલિલોને દિલ્હીની વિશેષ કોર્ટના જજ એમ. કે. નાગપાલે સ્વીકારીને રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

બીજી તરફ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હી અને અન્ય રાજ્યોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા, જેમાં અનેકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. હાલ આ ધરપકડને લઇને આપ અને ભાજપ આમને સામને આવી ગયા છે. બન્ને પક્ષો પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપો લગાવી રહ્યા છે.  આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે મનીષ સિસોદિયાની ધરપકડ અદાણીના મામલાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવી છે. 

આપના નેતા સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ પર પ્રહારો કરતા કહ્યું હતું કે સિસોદિયાની ધરપકડ એ ભાજપની તાનાશાહીના સંકેતો છે, ભાજપની કેન્દ્ર સરકારે અદાણીના મામલાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે સિસોદિયાની ધરપકડ કરાવી છે. અદાણી મામલે સંયુક્ત સંસદીય સમિતી દ્વારા તપાસની માગણી કરનારા નેતાઓને ભાજપ પરેશાન કરવા લાગ્યું છે. એક તરફ અદાણી  કરોડોનું કૌભાંડ કરીને ખુલ્લેઆમ ફરી રહ્યા છે જ્યારે બીજી તરફ ઇમાનદાર નેતાઓની પાછળ ઇડી, સીબીઆઇ લગાવી દેવામાં આવી છે. અને ધરપકડો કરાવવામાં આવી રહી છે. આપે આરોપ લગાવ્યો હતો કે દેશભરમાં અમારા અનેક નેતાઓની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ છે, દિલ્હીમાં જ ૮૦ ટકા નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.   જોકે આ આરોપોને ભાજપે નકાર્યા હતા, ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા કહ્યું હતું કે સીબીઆઇ ભ્રષ્ટાચારીઓની સામે કાયદાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરી રહી છે. જ્યારે કટ્ટર ભ્રષ્ટ અને અરાજક પાર્ટી (આપ) બંધારણ કે ન્યાયાલયનું પણ સન્માન નથી કરતી. કે ના તો જનતાનું સન્માન કરે છે. આ સમગ્ર કૌભાંડમાં મનીષ સિસોદિયા આરોપી નંબર વન છે. અરવિંદ કેજરીવાલને પણ ખ્યાલ છે કે આરોપી નંબર વન ( મનીષ સિસોદિયા ) ભ્રષ્ટાચારી છે. અને તે વાત તેમને રિમાન્ડ પર મોકલવાના કોર્ટના નિર્ણય પરથી સાબિત થઇ ગઇ છે.

સિસોદિયાના વકીલની કોર્ટમાં દલિલો

જે એક્સાઇઝ પોલિસીમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા તે જુઠા છે, આ પોલિસી ઉપરાજ્યપાલ દ્વારા મંજૂર કરાઇ હતી, આ પોલિસી સાથે સિસોદિયાને કઇ લેવાદેવા નથી. સાથે જ સીબીઆઇના આરોપોના કોઇ જ પુરાવા પણ નથી. નાણા મંત્રી તરીકે સિસોદિયાએ બજેટ રજુ કરવાનું હતું, જોકે તે પહેલા જ ધરપકડ કેમ કરવામાં આવી? રહી વાત મોબાઇલ બદલવાની તો તે સિસોદિયાનો વ્યક્તિગત મામલો છે. સિસોદિયા ઇચ્છે ત્યારે ફોન બદલી શકે છે.

હવે કેસીઆરના પુત્રીની પણ ધરપકડ થશે : ભાજપ

એક્સાઇઝ પોલિસીમાં કૌભાંડ મામલે દિલ્હીના ઉપમુખ્યમંત્રી સિસોદિયા બાદ હવે આ કેસમાં તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરના પુત્રી અને એલએસી કે કવિતાની પણ સીબીઆઇ દ્વારા ટૂંક સમયમાં ધરપકડ થઇ શકે છે. આ દાવો તેલંગાણાના ભાજપના નેતા વિવેક દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કવિતાએ પંજાબ અને ગુજરાતની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીને ૧૫૦ કરોડ રૂપિયા આપ્યા હતા. થોડા દિવસ પહેલા જ ઇડીએ કવિતાનું નામ ચાર્જશીટમાં જોડયું હતું. જેમાં દારુની કંપનીમાં ૬૫ ટકા ભાગીદારી રાખવાનો આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે. 

 સીબીઆઇ દ્વારા રિમાન્ડ માટે દલિલો 

મનિષ સિસોદિયાની પૂછપરછ કસ્ટડી જરૂરી છે. તેઓ કેસના કર્તાહર્તા છે પણ અમારા સવાલોથી દૂર ભાગી રહ્યા છે. સિસોદિયા કહે છે કે તેને આ પોલિસી સાથે કઇ લેવાદેવા નથી, જોકે પુરાવા મુજબ તેમણે જ બધા નિર્ણયો લીધા હતા. દારુ વેચવા માટેની નવી નીતિમાં ગડબડ સામે આવી છે. પ્રોફિટ શેર પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કરી દેવાયા, અમે બે પબ્લિક સર્વંટને ગ્રાહક બનાવીને મોકલ્યા હતા, ઇંડો સ્પિરિટને પણ ફાયદો પહોંચાડાયો, આમને સામને બેસાડીને પૂછપરછ માટે તેમજ એ મોબાઇલ ફોન અંગે પૂછપરછ કરવી છે કે જેનો ઉપયોગ સિસોદિયા વર્ષ ૨૦૨૦ દરમિયાન કરતા હતા માટે કસ્ટડી જરૂરી છે. સિસોદિયાએ ફોન કેમ બદલી નાખ્યો તેને લઇને પણ સવાલો ઉઠાવ્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો