ઉદ્ધવ સાથે કેજરીવાલની મુલાકાત : શિવસેનાનાં નામ અને MCDને લઈ ભાજપ પર કર્યા પ્રહાર
Image - Facebook |
મુંબઈ, તા.24 ફેબ્રુઆરી-2023, શુક્રવાર
દિલ્હીના મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એક દિવસની મુંબઈની મુલાકાતે છે. માતોશ્રી બંગલામાં ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત ચાલી રહી છે. મુલાકાત દરમિયાન ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરે અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઠ્ઠા પણ ઉપસ્થિત છે. ઉદ્ધવ-કેજરીવાલ-માનની મુલાકાત રાજકીય હેતુને લઈ થઈ છે. આ મુલાકાત 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની રણનીતિ પર વિચાર કરવાની વાત કહેવામાં આવી રહી છે.
કેજરીવાલના ભાજપ પર આકરા પ્રહાર
અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને ઉદ્ધવ ઠાકરેને ‘સિંહણના પુત્ર’ કહ્યું. કેજરીવાલે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેજી સિંહણના પુત્ર છે અને તેમને ન્યાય મળશે. અમે આ સંબંધોને આગળ વધારીશું. ભાજપે શિવસેનાનું નામ અને ચિન્હ ચોરી કર્યું..
MCD બબાલ પર કેજરીવાલનું મોટું નિવેદન
MCDમાં થઈ રહેલી બબાલને લઈને અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, ભાજપ માત્ર ગુંડાગીરી કરે છે અને ED અને CBIનો ઉપયોગ કાયર લોકો કરે છે. અમને દિલ્હીની જનતાએ બહુમત આપ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીમાં અમારી બહુમતી છે, ભાજપ માત્ર ચૂંટણી વિશે વિચારે છે.
માર્ચના અંતે વિપક્ષોની મોટી જનસભાનું કરવાનું ઉદ્ધવનું આયોજન
અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક મહિનામાં બિન-કોંગ્રેસી નેતાઓને મળ્યા છે અને હવે તેમાં ઉદ્ધવ ઠાકરે પણ જોડાયા છે. માર્ચના અંતમાં ઉદ્ધવ ઠાકરે વિરોધ પક્ષોના નેતાઓ સાથે મુંબઈમાં એક મોટી જાહેર સભાનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ થોડા અઠવાડિયા પહેલા તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને પણ મળ્યા હતા.
વિપક્ષ ચૂંટણીમાં તક ગુમાવશે તો ફરી ક્યારેય ચૂંટણી નહીં થાય : ઉદ્ધવ ઠાકરે
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા શિવસેનાનું નામ અને ચિન્હ એકનાથ શિંદેના હાથમાં અપાયા બાદ ઉદ્ધ ઠાકરે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપ સરકારના વિરુદ્ધમાં ખુબ જ આક્રમક જોવા મળી રહ્યા છે. આ ઘટના બાદ ઉદ્ધવએ શિવસૈનિકોને સંબોધીત કરતા કહ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીઓ કેન્દ્ર સરકારની ગુલામની જેમ વ્યવહાર કરે છે. 2024ની ચૂંટણી છેલ્લી ચૂંટણી બનવા જઈ રહી છે. જો આ ચૂંટણીમાં વિપક્ષ તક ગુમાવશે તો ફરી ક્યારેય ચૂંટણી નહીં થાય. દેશમાં સરમુખત્યારશાહી આવશે.
Comments
Post a Comment