ત્રણ મહિના સુધી ઘટયા પછી ફુગાવો ફરીથી ઉચકાઈને 6.52 ટકા થયો
- અનાજના ભાવમાં વધારો વૃદ્ધિનું મુખ્ય કારણ
- ડિસેમ્બર 2022માં ફુગાવો 5.72 ટકા હતો, જાન્યુઆરી 2022માં ફુગાવો 6.01 ટકા હતો
નવી દિલ્હી : ભારતનો છૂટક ફુગાવો ત્રણ મહિના સુધી ઘટયા પછી જાન્યુઆરીમાં ઉચકાઈને ૬.૫૨ ટકા થયો છે. આ સાથે ફુગાવાના મોરચે હજી સ્થિતિ અંકુશમાં નથી તેની ચેતવણી પણ આપી છે.
જાન્યુઆરીમાં છૂટક ફુગાવામાં વધારો થવાનું કારણ અનાજના ભાવમાં થયેલો વધારો છે, એમ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જણાવ્યું હતું. અગાઉના મહિનાઓમાં ડિસેમ્બર ૨૦૨૨માં ફુગાવો ૫.૭૨ ટકા અને જાન્યુઆરી ૨૦૨૨માં ૬.૦૧ ટકા હતો. આમ રિઝર્વ બેન્ક ફુગાવાને અંકુશમાં રાખવાને અગ્રતા આપી રહી છે. નવા આંકડા મુજબ ફૂડ બાસ્કેટનો ફુગાવો ડિસેમ્બરના ૪.૧૯ ટકાથી વધીને જાન્યુઆરી ૨૦૨૩માં ૫.૯૪ ટકા થયો હતો. અગાઉ તે ઓક્ટોબરમાં ૬.૭૭ ટકા જેટલો ઊંચો હતો. રિઝર્વ બેન્કે ફુગાવાનો અંકુશમાં રાખવાની મર્યાદા કેન્દ્ર સરકાર માટે ચાર ટકાની રાખી છે. ગયા સપ્તાહે મળેલી રિઝર્વ બેન્કની નીતિગત બેઠકમાં રેપો રેટ ૨૫ બેસિસ પોઇન્ટ વધારવામાં આવતા ચાવીરૂપ વ્યાજદર વધીને ૬.૫૦ ટકા થયો હતો. આ અપેક્ષિત હતું.
આમ છતાં એક મહત્વના પગલામાં એમપીસીએ નિર્ણાયક રીતે અટકવાના બદલે વર્તમાન સાઇકલમાં જારી રાખવાનો માર્ગ ખુલ્લો રાખ્યો છે.
રિઝર્વ બેન્ક વ્યાજદરમાં વધારો કર્યા પછી શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સના એમડી અને સીઇઓ રવિ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ મુજબ અર્થતંત્ર મજબૂત છે અને ફુગાવો અકુશમાં છે. આપણે વ્યાજદરવૃદ્ધિની સાઇકલ પૂરી કરવાના આરે છીએ. આમ છતાં વૈશ્વિક જોખમ અને ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક આગામી પગલું લેતા પહેલા ડેટા પર ચાંપતી નજર રાખશે.
નાઇટ ફ્રાન્ક ઇન્ડિયાના રિસર્ચ ડિરેક્ટર વિવેક રાઠીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૩માં ફુગાવો વધવાનું કારણ અનાજના ભાવમાં અને તેમા પણ ખાસ કરીને ધાનના ભાવમાં વધારો છે. નોન-ફૂડ કેટેગરીમાં પણ ફુગાવાનું દબાણ વર્તાયું હતું. જો કે આગામી મહિનાઓમાં નવસંચાર જોવા મળતા માંગને વેગ મળશે. તેના લીધે કોર કેટેગરીમાં ફુગાવાલક્ષી દબાણ સર્જાશે.
Comments
Post a Comment