VIDEO: ‘CM બનવા શરદ પવારના પગે પડી કર્યું સરેન્ડર’, ઉદ્ધવ ઠાકરે પર અમિત શાહનું હલ્લાબોલ
કોલ્હાપુર, તા.19 ફેબ્રુઆરી-2023, રવિવાર
ચૂંટણી પંચના શિવસેનાના નામ અને ચિન્હ અંગે કરેલા નિર્ણય બાદ ઉદ્ધ ઠાકરે અને તેમની પાર્ટી પર રાજકીય નેતાઓ સતત હલ્લાબોલ કરી રહ્યા છે. શુક્રવારે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય કરી શિંદે જૂથને અસલી શિવસેના તરીકે સ્વિકાર કર્યા હતા. પંચના આ નિર્ણય સાથે જ શિવસેનાનું ચિન્હ ‘ધનુષ અને તીર’ પણ શિંદે જૂથનું હોવાનો આદેશ અપાયો હતો. અસલી શિવસેનાને લઈ ઘણા સમયથી ચાલતા વિવાદનો પંચના નિર્ણય બાદ ભાજપના નેતાઓ સતત ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કરી રહ્યા છે. તો મહારાષ્ટ્રના કોલ્હાપુરની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહે પણ ઉદ્ધવ ઠાકરે પર જોરદાર હલ્લાબોલ કરી આકરી પ્રતિક્રિયા આપી છે.
ચૂંટણી ટાણે અમારી સાથે પ્રચાર કર્યોઃ શાહ
અમિત શાહે કહ્યું કે મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણી ટાણે ઉદ્ધવ ઠાકરેએ અમારી સાથે પ્રચાર કર્યો હતો, પરંતુ જ્યારે ચૂંટણી પરિણામો આવ્યા ત્યારે તેઓ બધી વિચારધારાઓ ભૂલી ગયા અને શરદ પવારના પગે પડી ગયા... શાહે કહ્યું કે તેમણે શરદ પવારના પગમાં પડી તેમને મુખ્યમંત્રી બનાવવાની વિનંતી કરી. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભાજપ સત્તા માટે લાલચુ નથી અને અમે અમારી વિચારધારાઓને ક્યારેય ભૂલીશું નહીં.
અમિત શાહે કોંગ્રેસ સરકારને પણ લીધી આડે હાથ
કોલ્હાપુરમાં અમિત શાહે કોંગ્રેસને પણ આડે હાથ લઈ જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, 2014 પહેલા સત્તામાં રહેલા દરેક મંત્રી પોતાને વડાપ્રધાન માનતા હતા. મોટાપાયે ભ્રષ્ટાચાર હતો. પાકિસ્તાની આતંકવાદીઓ આપણા સૈન્ય અધિકારીઓની હત્યા કરતા હતા. આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની કોઈની હિંમત ન હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હતી.
ભારતની સરહદ અને સેના સાથે કોઈ ચેડાં નહીં
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ આઝાદી પછી પહેલીવાર દેશની સુરક્ષા નીતિ સુનિશ્ચિત કરી. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે, અમે વિશ્વના દરેક દેશ સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. પરંતુ જો કોઈ આપણા સૈનિકો સાથે આંખ ઉઠાવશે તો તેને તેનો સામનો કરવો પડશે. પાકિસ્તાને ઉરી, પુલવામામાં હુમલો કર્યો. 10 દિવસમાં સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આપણા જવાનો બદલો લઈને પાછા ફર્યા. એક પગલાં સાથે વિશ્વભરમાં સંદેશ ગયો કે ભારતની સેના અને સરહદ પર નજર ન બગાડો.... નહીં તો પરિણામ ભોગવવા પડે છે...
આગામી લોકસભા ચૂંટણીને લઈને શાહનો સંદેશ
આગામી લોકસભા ચૂંટણી અંગે અમિત શાહે જણાવ્યું કે, દેશમાં ફરી એકવાર 2024માં ચૂંટણી યોજાવાની છે. અમે અને અમારો સાથી પક્ષ શિવસેના મહારાષ્ટ્રમાં ચૂંટણી લડીશું અને બધા એક થઈને લડવાના છીએ. આ ચૂંટણી માત્ર ભાજપની સરકાર બનાવવાની નહીં પણ, આ મોદીજીને ફરી એકવાર વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે. હું તમને ખાતરી આપું છું કે આવનારી ચૂંટણીમાં ભાજપની જીત એક મહાન ભારતની રચના કરવાની ચૂંટણી છે...
2
Comments
Post a Comment