પાક.ના પીએમ શાહબાઝના કરકસરના પગલાં, વર્ષે રૂ.200 અબજની બચત કરશે !


- પ્રધાનમંડળ પગાર જતો કરશે, સ્ટાફ અને ખર્ચમાં ૧૫ ટકાનો કાપ મુકાશે

- તમામ પ્રધાનોએ ટેલિફોન,વીજળી, પાણી અને ગેસ બિલ જાતે ભરવા પડશે, સરકારી કાર્યક્રમોમાં એક જ ડિશ પીરસાશે 

- સરકારી અધિકારીઓ પર ફાઇવ સ્ટાર હોટલમાં રહેવા પર બંધી, પ્રધાનો વિમાનમાં ઇકોનોમી ક્લાસમાં જ પ્રવાસ કરશે, બે વર્ષ સુધી નવી કાર ખરીદાશે નહીં  

પીટીઆઇ ઇસ્લામાબાદ : દેશને આર્થિક કળણમાંથી બહાર કાઢવાના મરણિયા પ્રયાસરૂપે પાકિસ્તાનની સરકારે સંખ્યાબંધ કરકસરના પગલાંની બુધવારે જાહેરાત કરી હતી. તેમાં પ્રધાનો અને તેમના સલાહકારોને પગારો ન આપવાના અને વિદેશ પ્રવાસ દરમ્યાન ફાઇવ સ્ટાર હોટલોમાં ન રહેવાના પગલાંનો સમાવેશ થાય છે.આ અઠવાડિયે કોઇપણ ભોગે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ-આઇએમએફ- પાસેથી ૧.૧ અબજ ડોલરની નાણાં સહાય મેળવવા માટે મરણિયા બનેલા પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ ખાને કેબિનેટ મિટિંગમાં વિગતવાર ચર્ચા કરી ખર્ચા ઘટાડવાના પગલાંની જાહેરાત કરી હતી. વડાપ્રધાને કરકસરના પગલા તરીકે જાહેર કર્યું હતું કે કેબિનેટ પ્રધાનો હવે વૈભવી કારો વાપરવાનું બંધ કરશે અને વિમાનમાં પણ ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરશે. વિદેશ પ્રવાસ દરમ્યાન સરકારી અધિકારીઓ ફાઇવ સ્ટાર હોટલમાં રહી શકશે નહીં. કેન્દ્ર સરકારના તમામખાતાઓમાં કુલ પંદર ટકાનો ખર્ચ ઘટાડવાની અને પ્રાંતીય સરકારોને પણ ખર્ચ ઘટાડવાની અપીલ કરવામાં આવી હતી. વડા પ્રધાને  જુન ૨૦૨૪ સુધી તમામ લક્ઝરી વસ્તુઓની ખરીદી પર પ્રતિબંધ મુકી દીધો છે. જેમાં નવી કારોનો પણ સમાવેશ થાય છે. હવે સરકારી ઓફિસો સવારે સાડા સાત વાગે ખોલી નાંખવામાં આવશે અને સરકારી સમારાહોમાં એક જ ડીશ પિરસવાની નીતિ લાગુ પાડવામાં આવી છે. સરકારી અધિકારીઓને પણ હવે કારની સુવિધા નહીં મળે. ગૃહ પ્રધાનની દેખરેખ નીચે એક કમિટી રચવામાં આવશે જે જરૂર જણાશે તો જ સિક્યુરિટી કાર પુરી પાડશે. પ્રધાનોને પણ કારને બદલે ટેલિકોન્ફરન્સિંગ કરી કામ કરવાની તાકીદ કરાઇ છે. 

રસપ્રદ બાબત એ છે કે તમામ કરકસરના પગલાં છતાં ૮૫ પ્રધાનોના વિરાટ પ્રધાનમંડળમાં કોઇ કાપ મુકવાની જાહેરાત કરાઇ નથી. હાલ શેહબાઝખાનની કેબિનેટમાં ૩૪ કેન્દ્રીય, સાત રાજ્યકક્ષાના, ચાર વડા પ્રધાનના સલાહકારો અને વડાપ્રધાનના ૪૦ ખાસ સહાયકોનો સમાવેશ થાય છે. દરમ્યાન તહેરિક-એ- પાકિસ્તાન દ્વારા જેલભરો તેહરિક આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. ઇમરાનખાને દેશની આર્થિક નાદારી સામે વિરોધ કરવો તે પક્ષનો મૂળભૂત અધિકાર ગણાવી આ આંદોલન છેડવાની જાહેરાત કરી હતી. હાલ પાકિસ્તાનમાં એક લીટર દૂધનો ભાવ ૨૫૦ રૂપિયા અને ચીકનનો ભાવ કિલોના ૭૮૦ રૂપિયા થઇ ગયો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને તો દેશને દેવાળિયો પણ જાહેર કરી નાંખ્યો હતો. હાલ પાકિસ્તાનની સ્ટેટ બેન્કમાં માત્ર ત્રણ અબજ ડોલરનું જ ભંડોળ પડયું છે જે  માત્ર ત્રણ સપ્તાહની આયાત માટે પૂરતું છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો