એર ઇન્ડિયાની ઐતિહાસિક ઉડાન, એરબસ-બોઇંગ પાસેથી 470 વિમાન ખરીદશે
- મૈક્રોં-મોદીની હાજરીમાં એર ઇન્ડિયાનો સૌથી મોટો સોદો
- આ સોદાથી માત્ર એર ઇન્ડિયા જ નહીં ભારતને પણ ઉડ્ડયન ક્ષેત્રે મોટી સફળતા મળવા જઇ રહી છે : મોદી
- બોઇંગ સાથેના સોદાથી અમેરિકામાં 44 રાજ્યોમાં 10 લાખથી વધુ લોકોને રોજગારી મળશે : બાઇડેન
- એર ટ્રાફિકનું પ્રમાણ વધતા આગામી બે દસકામાં ભારતને વધુ 2210 વિમાનોની જરૂર પડશે : બોઇંગનો દાવો
નવી દિલ્હી : ટાટા ગ્રુપ દ્વારા એર ઇન્ડિયાની ખરીદી કરવામાં આવ્યા બાદ એર ઇન્ડિયાએ વિમાનની ખરીદી માટે સૌથી મોટો સોદો કર્યો છે. એર ઇન્ડિયા એરબસ અને બોઇંગ પાસેથી ૪૭૦ વિમાનોની ખરીદી કરશે. છેલ્લા ૧૭ વર્ષમાં પ્રથમ વખત એર ઇન્ડિયાએ નવા વિમાનની ખરીદીનો ઓર્ડર આપ્યો છે. જ્યારે ટાટા ગ્રુપની માલિકી હેઠળ પણ આ પહેલો ઓર્ડર છે. એરબસ પાસેથી ૨૫૦ વિમાનની ખરીદી કરવામાં આવશે તેમાં ૪૦ વાઇડ બોડી અને ૨૧૦ નેરો બોડી વિમાનનો સમાવેશ કરાયો છે. જ્યારે બોઇંગ પાસેથી પણ ૨૨૦ વિમાનોની ખરીદી કરવામાં આવશે.
આ સોદા માટે જે વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોં પણ સામેલ થયા હતા. મોદીએ આ સોદાને ઐતિહાસીક ગણાવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે આ સોદાથી ભારત અને ફ્રાંસના સંબંધો વધુ મજબુત તો થશે જ સાથે સાથે ભારતની વિમાન ક્ષેત્રે સફળતાને પણ આ સોદો દર્શાવે છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રોંએ પણ કોરોના મહામારીના અંત સાથે ભારત અને ફ્રાંસના સંબંધો વધુ મજબુત થઇ રહ્યા છે. અમે દરેક ભારતીયનું ફ્રાંસમાં સ્વાગત કરીએ છીએ અને ફ્રાંસ-ભારત મિત્રતાનો હિસ્સો બનવા માટે આમંત્રણ પાઠવીએ છીએ.
એર ઇન્ડિયા પોતાના ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય નેટવર્કને મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહી છે. કંપનીનો ટાર્ગેટ છે કે આગામી પાંચ વર્ષમાં તે વિશ્વની સૌથી શ્રેષ્ઠ એરલાઇન્સ કંપની બનીને રહેશે. આ વર્ષે ૨૭મી જાન્યુઆરીએ જ એર ઇન્ડિયાએ આ જાહેરાત કરી હતી. આ સોદાની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળી રહી છે. બ્રિટનના વડાપ્રધાન રિશિ સુનાકે પણ એર ઇન્ડિયાના આ સોદા બાદ ભારતના વખાણ કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે એરબસ અને રોલ્સ-રોય સાથે થયેલા આ સોદાથી અનેક લોકોને રોજગારી મળશે અને ભારત સાથેના બ્રિટનના સંબંધો પણ મજબૂત થશે. એવા અહેવાલો છે કે એર ઇન્ડિયા જે વિમાનોની ખરીદી કરવા જઇ રહી છે તે વિમાનોનો કેટલોક હિસ્સો બ્રિટનમાં બનશે. ખાસ કરીને વિમાનની પાંખોની ડિઝાઇન અને બનાવવાની કામગીરી બ્રિટનમાં થઇ શકે છે. તેથી આ ઐતિહાસિક સોદાથી ભારત, બ્રિટન અને ફ્રાંસ એમ ત્રણ દેશોને ફાયદો થશે. વિમાનમાં બ્રિટનની રોલ્સ રોય કંપની દ્વારા તૈયાર થતા એન્જિન ફીટ કરવામાં આવશે. દરમિયાન બોઇંગ કંપનીએ દાવો કર્યો છે કે આગામી બે દસકામાં ભારતને વધુ ૨૨૧૦ વિમાનોની જરૂર પડશે.
અમેરિકન કંપની બોઇંગ સાથે પણ એર ઇન્ડિયાએ સોદો કર્યો છે. બોઇંગ પાસેથી ૨૨૦ વિમાન ખરીદવામાં આવશે જે બોઇંગ કંપનીનો અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો સોદો છે. અમેરિકાના પ્રમુખ જો બાઇડેને પણ આ સોદાના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આ સોદાથી અમેરિકામાં ૧૦ લાખથી વધુ લોકોને અમેરિકામાં રોજગારી મળશે અને અમેરિકાના ૪૪ રાજ્યોમાં તેનો ફાયદો થશે. તેમણે જણાવ્યું હતું કે આ સોદાથી ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબુત બનશે.
Comments
Post a Comment