વિનોદ 'અદાણી જૂથ'ની કંપનીઓના પ્રમોટર, માલિક હોવાના પુરાવા
- સાયપ્રસનો પાસપોર્ટ અને દુબઈમાં રહેતા
- રોડ શો વખતે FIIનો પ્રશ્ન ACC અને Ambuja વિનોદ અદાણી દ્વારા હસ્તગત કરાઈ તો કઈ રીતે એ અદાણી જૂથની કંપની કહેવાય
- 'વિનોદ અદાણી સાથે અમારે કંઈ લાગેવળગે નહી' : અદાણી જૂથનો બચાવ
અમદાવાદ : વિનોદ અદાણી એક તરફ વિદેશમાં કંપનીઓ ધરાવે છે અને વિદેશી કંપનીઓના માધ્યમથી ભારતમાં અદાણી જૂથની કંપનીઓ સાથે સીધી નાણાકીય લેવડદેવડ પણ થઈ રહી છે. વિનોદ અદાણી જૂથની કંપનીઓમાં નાણા ઠાલવી રહ્યા છે તે છતાં ગૌતમ અદાણી તેની સાથે કોઈ સંબંધ નથી એવો બચાવ કરે છે તે બાબતે ચર્ચા જાગી છે. સેબીના દસ્તાવેજો પ્રમાણે ગૌતમ અદાણી, વિનોદ અદાણી અને રાજેશ અદાણી 'અદાણી એન્ટરપ્રાઈઝ'ના માલિક અને પ્રમોટર છે. સાયપ્રસનો પાસપોર્ટ ધરાવતા વિનોદ અદાણી દુબઈમાં રહીને ભારત સ્થિત અદાણી જૂથને ફાયદો કરાવી રહ્યા છે અને હિન્ડનબર્ગે રજૂ કરેલા અહેવાલમાં એની ભૂમિકા સૌથી શંકાસ્પદ ગણાવાઈ છે.
હિન્ડેનબર્ગમાં વિનોદ અદાણીના નામનો ઉલ્લેખ ૧૫૪ વખત કરાયો છે, જ્યારે ગૌતમ અદાણીનો ઉલ્લેખ ૫૦ વખત થયો છે. તે પરથી હિન્ડેનબર્ગ સાબિત કરવા માગે છે કે આખા આર્થિક વહીવટમાં વિનોદ અદાણી માસ્ટરમાઈન્ડ છે.
ગૌતમ અદાણી જૂથ દ્વારા તેના બચાવમાં એવો કક્કો ઘૂંટવામાં આવી રહ્યો છે કે જૂથની ભારતની કંપનીઓને વિનોદ અદાણી સાથે કોઈ સંબંધ નથી. જોકે દસ્તાવેજી પુરાવાના આધારે ચોક્કસ પુરવાર થાય છે કે સાયપ્રસનો પાસપોર્ટ અને દુબઈમાં નિવાસ ધરાવતા અદાણી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ નામની કંપની થકી નાણાકીય વ્યવહારો કરતા વિનોદ અદાણી હકીકતે ભારતની કંપનીઓના પ્રમોટર છે. ભારતની લીસ્ટેડ કંપનીઓના શેરમાં પણ તેમનો પ્રમોટર તરીકે એક મોટો હિસ્સો છે.
હિન્ડેનબર્ગના અને એ પછી ફોર્બ્સના બન્ને અહેવાલ વિનોદ અદાણી ગુ્રપ વતી વિદેશમાં સેકડો કંપનીઓ ચલાવે છે. ટેક્સ હેવનમાં કંપનીઓ ચલાવે છે અને વિનોદ અદાણીની કંપનીઓ વતી મોટાભાગના નાણાકીય વ્યવહારો કરવામાં આવે છે. જોકે, વિનોદ અદાણીની ભૂમિકા અંગે ભારતમાં કંપની સંપૂર્ણ મૌન છે. એ સ્વીકારવા જ તૈયાર નથી કે વિનોદ અદાણી પ્રમોટર જૂથના સભ્ય છે. વિનોદ અદાણી અંગે મૌન ધારણ કરી અદાણી જૂથ શું છુપાવવા માંગે છે તે રહસ્યમય ઘેરું બન્યું છે.
હિન્ડેનબર્ગના તા.૨૪ જાન્યુઆરીના રિપોર્ટમાં નાણાકીય વ્યવહારો, રાઉન્ડ ટ્ર્રીપીંગ, શેર પ્રાઈસ મેનીપ્યુલેશન, શેર પાર્કિંગ માટે વિનોદ અદાણીની માલિકીની કે સહયોગી કંપનીઓ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
જોકે, ગૌતમ અદાણી જૂથ દ્વારા ૪૧૫ પાનાના હિન્ડેનબર્ગને આપેલા રદિયામાં વિનોદ અદાણી અંગે 'અમારે કોઈ લેવાદેવા નહી' એમ જણાવી હાથ ધોઈ નાખવામાં આવ્યા છે. આ પછી કંપનીએ પોતાનું દેવું ઘટાડશે, કંપની પાસે પુરતી નાણકીય ક્ષમતા છે, કંપની દેવું ભરવામાં સક્ષમ છે એવા અનેક નિવેદન આવ્યા છે પણ વિનોદ અદાણી અંગે એક શબ્દ ઉચ્ચારવામાં આવ્યો નથી.
વિનોદ અદાણી પ્રમોટર, માલિક
હકીકત અને દસ્તાવેજી પુરાવા જોકે સ્પષ્ટ કરે છે કે વિનોદ અદાણી, અદાણી જૂથની સ્થાપના કરનાર વ્યક્તિઓ (પ્રમોટર)માંથી એક છે અને સૌથી મહત્વનું કે અદાણી એન્ટરપ્રાઈસ અને અદાણી ટોટલ ગેસની શેરહોલ્ડીંગ પેટર્નમાં નોંધ છે કે વિનોદ અદાણી જૂથથી મહત્વનો લાભ મેળવનાર (સીગ્નીફિકન્ટ બેનીફીસીયરી) વ્યક્તિઓમાંથી એક છે.
અદાણી એન્ટરપ્રાઈસની શેરહોલ્ડીંગ પેટર્નમાં નોંધ છે, 'ગૌતમ અદાણી, રાજેશ અદાણી અને વિનોદ અદાણી ભેગામળી કંપનીમાં ૬૩.૯૯ ટકા હિસ્સો ધરાવે છે.' આવી જ રીતે અદાણી ટોટલ ગેસમાં ગૌતમ અદાણી, રાજેશ અદાણી અને વિનોદ અદાણી ભેગા મળી ૩૭.૩૮ ટકા હિસ્સો ધરાવે છે. સીગ્નીફિકન્ટ બેનીફીસીયરી તરીકે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝને લખેલા પત્રમાં વિનોદ અદાણી ખુદ પોતાના કંપનીના પ્રમોટર તરીકે જ ઉલ્લેખ કરે છે. આ શેરહોલ્ડીંગ પેટર્ન અદાણી જૂથ દ્વારા બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને રજીસ્ટ્રાર ઓફ ક્મ્પનીઝને ફાઈલ કરવામાં આવી છે.
આવી જ રીતે દુબઈમાં નોંધાયેલી ઈમર્જીંગ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ડીએમસીસી નામની કંપનીના માલિક વિનોદ અદાણી છે. આ કંપની અદાણી પાવર લીમીટેડમાં ૪.૯૯ ટકાનો હિસ્સો ધરાવે છે અને તેનું હોલ્ડીંગ પ્રમોટર જૂથ તરીકે કંપની દ્વારા દર્શાવવામાં આવ્યું છે.
મે ૨૦૨૨માં અદાણી જુથે ફ્રાંસની હોલ્સીમ પાસેથી તેની ભારતમાં રહેલી સિમેન્ટ કંપનીઓ અંબુજા સિમેન્ટ અને એસીસી સિમેન્ટનો હિસ્સો રૂ.૫૦,૧૮૧ કરોડમાં ખરીદવા માટે કરાર કર્યો હતો. આ કરારમાં ખરીદનાર તરીકે એન્ડેવોર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મોરેશિયસ હતી. આ એન્ડેવોરના મૂળ માલિક પણ વિનોદ અદાણી અને તેમના પત્ની રંજનબેન અદાણી છે. આ જાણકારી કંપનીએ શેરહોલ્ડરને, સેબીને અને સ્ટોક એક્સચેન્જમાં ફાઈલ કરેલા લેટર ઓફ ઓફરમાં સ્વીકારી છે. આ પુરાવા સ્પષ્ટ કરે છે કે વિનોદ અદાણી ભારતની કોઈ લીસ્ટેડ કંપનીમાં ભલે ડીરેક્ટર નહી હોય પણ કંપનીના માલિક કે પ્રમોટર તો ચોક્કસ છે.
અદાણી એન્ટરપ્રાઈસીઝના રૂ.૨૦,૦૦૦ કરોડના ફોલોઓન પબ્લિક ઇસ્યુના દસ્તાવેજ (હિન્ડેનબર્ગના અહેવાલ પછી આ ઇસ્યુ રદ્દ કરવા ફરજ પડી હતી) રેડ હેરિંગ પ્રોસપેકટસમાં કેટલીક વિગતો જાહેર કરી છે તેમાં વિવિધ વ્યક્તિઓને તા.૨૭ નવેમ્બર ૧૯૯૩માં બોનસ શેરની ફાળવણી કરવામાં આવી હતી. બે શેર સામે એક શેરની આ બોનસ ફાળવણીમાં વિનોદ અદાણી, રંજનબેન અદાણી, પુષ્પા અદાણીને પણ શેર ફાળવવામાં આવ્યા હતા. જોકે, કંપની જણાવે છે કે આ બોનસ શેરની ફાળવણી અંગેના કોર્પોરેટ રેકર્ડ કંપની પાસે નથી અને રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસે પણ હવે નથી! આ જ પ્રોસપેક્ટસમાં કંપની પ્રમોટર ગુ્રપ તરીકે વિનોદ અદાણીના ફેમીલી ટ્રસ્ટનો પણ સ્વીકાર કરે છે. બીજું, અદાણી જૂથની અન્ય કંપનીઓ અદાણી એગ્રી ફ્રેશ, ગોલ્ડનવેલી એગ્રોટેક અને અદાણી વેલસ્પન એક્સપ્લોરેશનમાં પણ મોટાભાઈ વિનોદ અદાણી શેરહોલ્ડર હોવાનું સ્વીકાર કરે છે. ઉપરના બધા તથ્યો પુરવાર કરે છે કે અદાણી જૂથના પ્રમોટર તરીકે વિનોદ અદાણી છે અને તે ભલે દુબઈમાં વસવાટ કરતા હોય તેમનો કંપની સાથે સીધો સંબંધ છે.
સેબી કેમ મૌન છે, અદાણી માટે કાયદો અલગ હોવાની ચર્ચા
દસ્તાવેજી પુરાવા ઉપરથી સ્પષ્ટ છે કે સબંધિત વ્યક્તિ તરીકે અદાણી જૂથ જેનો સ્વીકાર કરવા તૈયાર નથી એ વિનોદ અદાણી મૂળભૂત રીતે કંપનીના પ્રમોટર છે અને એક લાભાર્થી પણ છે. સામાન્ય રીતે બીજી કોઈ કંપનીના આવું તથ્ય બહાર આવે તો સેબી તરત જ તેની સામે તપાસ શરૂ કરે છે, કંપની પાસેથી આ અંગેની વિગતો મેળવે છે પણ ગૌતમ અદાણી જૂથ સામેના આક્ષેપો અને તેને સત્ય પુરવાર કરતા પુરાવા જાહેરમાં હોવા છતાં સેબીએ કોઈ કાર્યવાહી કરી નથી. બજારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સેબીના નિયમો અને કાયદાનું અર્થઘટન અન્ય કંપનીઓ માટે અલગ છે જયારે અદાણી જૂથ માટે અલગ છે.
અદાણી જૂથ અને હિન્ડેનબર્ગના અહેવાલ આવ્યાના એક મહિના પછી જૂથના દરેક શેરના ભાવ ઘટી ગયા છે. રોકાણકારોની સંપત્તિમાં રૂ.૧૨ લાખ કરોડનું ધોવાણ થયું છે પણ હજી ભારત સરકારે કે સરકારની કોઇપણ એજન્સીએ કથિત ગેરરીતિ અંગે તપાસ શરુ કરી નથી. બીજી તરફ, હિન્ડેનબર્ગ અને બાદમાં ફોર્બ્સના રિપોર્ટમાં જૂથના દુબઈ સ્થિત સ્થાપક વિનોદ અદાણી અંગે ઉઠાવેલા સવાલો અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. વિનોદ અદાણી અંગે જૂથ વતી જે મૌન ધારણ કરવામાં આવ્યું છે તે વધારે અકળાવી રહ્યું છે અને તેનાથી જૂથની પ્રતિા દાવ ઉપર લાગેલી છે.
અદાણીની વિદેશી કંપનીઓ પણ વિનોદ અદાણીની માલિકીની!
અદાણી જૂથની વિવિધ કંપનીઓમાં પ્રમોટર કે પ્રમોટર જૂથ તરીકે ઉલ્લેખ થાય છે એવી વિદેશી કંપનીઓમાં આફ્રોએશિયા ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, વર્લ્ડવાઈડ ઈમર્જીંગ માર્કેટ હોલ્ડીંગ અને યુનિવર્સલ ટ્રેડ એબ્દ ઇન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે. આ ત્રણ ફંડ અદાણી એન્ટરપ્રાઈસમાં ૫.૩ ટકા, અદાણી પોર્ટ ૮.૧૫ ટકા, અદાણી ટ્રાન્સમિશન ૫.૪૨ ટકા, અદાણી પાવર ૧૬.૮૭ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આ ત્રણ ફંડની માલિકી અને તેના બેનીફીસીયરી તા. ૨૩ જાન્યુઆરી ૨૦૨૦ સુધી વિનોદ અદાણી જ હતા એમ રજીસ્ટ્રાર ઓફ કંપનીઝમાં ફાઈલ કરેલા દસ્તાવેજ અનુસાર જાણવા મળે છે.
વિનોદ અદાણી સાથેના સંબંધો સ્વીકારે તો હિન્ડેનબર્ગનો દાવો સાચો સાબિત થાય
અદાણી જૂથ અત્યારે એશિયાના ટોચના બેન્કરો સાથે મસલત કરવા માટે રોડ શો કરી રહ્યું છે. ઉદ્દેશ છે કે જૂથની નાણકીય સ્થિતિ મજબૂત છે અને દેવું સમયસર ભરી શકે છે. પણ, જૂથ વિનોદ અદાણી પણ એક માલિક છે, કંપની સાથે જોડાયેલા છે તે સ્વીકારવા તૈયાર નથી. બજારના સુત્રોએ જણાવ્યું હતું કે વિનોદ અદાણી સાથેના સબંધો જાહેરમાં સ્વીકારી લેવામાં આવે તો અદાણીની ભારતની કંપનીઓ ઉપર ગાજ તૂટી પડે. વિનોદ અદાણી જ કંપની માટે વિદેશથી નાણાનું સંચાલન કરતા આવ્યા છે. વિનોદ અદાણી જ કંપની વતી, અને કંપનીની સહયોગી કંપનીઓની માયાજાળ રચી શેરમાં ખરીદ વેચાણ કરી શેરના ભાવ વધારી રહ્યા હતા. ગૌતમ અદાણી જો આ હકીકતનો સ્વીકાર કરે તો હિન્ડેનબર્ગનો અહેવાલ સાચો પુરવાર થઇ જાય.
Comments
Post a Comment