બીબીસીની ઓફિસમાં સતત બીજા દિવસે પણ આવકવેરાની તપાસ
- દેશમાં બીબીસીની અન્ય ઓફિસોમાં પણ તપાસની શક્યતા
- બીબીસીની ઓફિસમાં આઇટીએ સિસ્ટમમાં શેલ કંપની, ફંડ ટ્રાન્સફર, વિદેશી ટ્રાંસફર સહિત ચાર કીવર્ડ સર્ચ કર્યા
- બીબીસીના કાર્યાલય પર તપાસની જાણકારી મળી, અમે સમગ્ર વિશ્વના મીડિયાની સ્વતંત્રતાની તરફેણમાં : અમેરિકા
- બીબીસીનો તેના કર્મચારીઓને નવો આદેશ ન આવે ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમનો આદેશ
નવી દિલ્હી : બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન બીબીસી સામે આઇટી વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ તપાસ કરવામાં આવી હતી. મંગળવારે સવારથી જ આઇટીના અધિકારીઓ મુંબઇ અને દિલ્હી સ્થિત બીબીસીની ઓફિસે પહોંચી ગયા હતા. જે બાદ મંગળવારે રાત્રે પણ સર્ચ અભિયાન ચાલ્યું હતું અને બીજા દિવસે બુધવારે પણ અધિકારીઓએ તપાસ કરી હતી. આ દરમિયાન બધા જ દસ્તાવેજો અને ડિજિટલ ડિવાઇસની તપાસ કરવામાં આવી હતી. ચાર કીવર્ડની પણ તપાસ કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય ટેક્સમાં ગડબડી મામલે આઇટી વિભાગના અધિકારીઓ બીબીસીની ઓફિસે પહોંચ્યા હતા. બીજી તરફ બીબીસી દ્વારા પોતાની અન્ય ઓફિસને ઇમેલ મોકલવામાં આવ્યો હતો. જેમાં બીબીસીએ પોતાના કર્મચારીઓ અને અધિકારીઓને કહ્યું છે કે આઇટી વિભાગના અધિકારીઓ બીબીસીની કોઇ પણ ઓફિસ પર તપાસ માટે આવી શકે છે જેથી એલર્ટ રહેવુ અને તપાસમાં અધિકારીઓને સહયોગ કરવો.
જ્યારે બીબીસીએ પોતાના ભારતના એડિટર્સ અને કર્મચારીઓને એક બીજો ઇમેલ મોકલ્યો હતો. જેમાં કેટલાક આદેશ અપાયા છે. આ ઉપરાંત અગાઉ એક ઇમેલમાં બીબીસીએ પોતાના કર્મચારીઓને કહ્યું હતું કે જો તપાસ દરમિયાન કોઇ પણ કર્મચારીની સાથે ગેરવર્તન કે માનસિક ત્રાસ થતો હોવાનું સામે આવે તો કંપનીના કાઉંસિલર્સનો સંપર્ક કરવામાં આવે. બીજી તરફ એવા અહેવાલો છે કે બીબીસીના દિલ્હી કાર્યાલયમાં કેટલાક પત્રકારો અને આઇટી વિભાગના અધિકારીઓ વચ્ચે તકરાર થઇ હતી. ડોક્યુમેન્ટ્રીને લઇને વિવાદ સર્જાયા બાદ આ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આઇટી અધિકારીઓએ બીબીસીની ઓફિસમાં કર્મચારીઓના કમ્પ્યૂટરમાં શેલ કંપની, ફંડ ટ્રાંસફર, વિદેશી ટ્રાંસફર સહિતની સિસ્ટમ પર ચાર કીવર્ડ સર્ચ કર્યા હતા. બીબીસીના અધિકારીઓએ આઇટી વિભાગના અધિકારીઓને કહ્યું હતું કે તે એડિટોરિયલ સામગ્રીની કોઇ પણ પ્રકારની જાણકારી નહીં આપે. અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બીબીસીના ભારત સ્થિત કાર્યાલયની તપાસની જાણકારી અમને મળી છે. અમે ભારત સહિત વિશ્વભરના મીડિયાની સ્વતંત્રતાના મહત્ત્વને સમર્થન આપીએ છીએ. જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે બીબીસીના કાર્યાલય પર દરોડાથી ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે છાપ ખરાબ થઇ રહી છે.
Comments
Post a Comment