બાઈડને યુક્રેનની મુલાકાત લેતાં યુદ્ધ વકરવાની આશંકા


- અમેરિકન પ્રમુખનો કીવનો ઐતિહાસિક પ્રવાસ રશિયન પ્રમુખ પુતિનને છંછેડશે

- બાઈડેન પોલેન્ડથી અચાનક જ વહેલી સવારે ટ્રેન મારફતે કીવ પહોંચ્યા, યુક્રેનના યુદ્ધને લોકતંત્રની લડાઈ ગણાવી દરેક મદદની ખાતરી આપી

- અમેરિકા આજે યુક્રેનને 500 મિલિયન ડોલરની સૈન્ય મદદ અને સહાયતા પેકેજ જાહેર કરશે : બાઈડેન, ઝેલેન્સ્કીએ યુએસ પ્રમુખનો આભાર માન્યો

- બાઈડનની યુક્રેન મુલાકાત નાટો રશિયા સામે પડયું હોવાના પુતિનના દાવાને બળ આપશે

- દુનિયાની નજર હવે 24મીએ રશિયન પ્રમુખ પુતિનના સંબોધન પર

કીવ : યુક્રેન પર રશિયાના આક્રમણને ચાર દિવસ પછી એક વર્ષ પૂરું થવાનું છે ત્યારે હજુ સુધી યુદ્ધ ખતમ થવાના કોઈ સંકેત નથી મળી રહ્યા. ઉલટાનું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ભડકવાની આશંકાઓ વધી ગઈ છે. રશિયાના મિસાઈલ, રોકેટથી હવાઈ હુમલાઓ વચ્ચે અમેરિકન પ્રમુખ જો બાઈડેન અચાનક જ સોમવારે સવારે ટ્રેન મારફત યુક્રેનની રાજધાની કીવ પહોંચી ગયા છે. યુદ્ધ વચ્ચે કીવની આ ઐતિહાસિક મુલાકાતમાં અમેરિકન પ્રમુખ બાઈડેને યુક્રેનના પ્રમુખ વોલોદિમિરિ ઝેલેન્સ્કીને દરેક પ્રકારની સહાયની ખાતરી આપી હતી. આ સાથે તેમણે દાવો કર્યો કે આ આક્રમણ પાછળ પુતિનનો આશય સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.

અમેરિકન પ્રમુખ જો બાઈડેનનો યુક્રેન પ્રવાસ અત્યંત ગુપ્ત રખાયો હતો. તેઓ કીવ પહોંચ્યા ત્યારે જ દુનિયાને તેમના યુક્રેન પહોંચવાની જાણ થઈ હતી. કીવમાં બાઈડેને યુક્રેનના નાગરિકોની પ્રશંસા કરતા કહ્યું કે સૈન્ય તાલિમના અનુભવ વિના તેમણે રશિયાનો જોરદાર રીતે સામનો કર્યો છે. હું ફરી એક વખત યુક્રેનના લોકો અને આકરી મહેનત કરનારા નાગરિકોની પ્રશંસા કરું છું, જેમને ક્યારેય સૈન્ય તાલિમ મળી નથી, પરંતુ જે રીતે તેઓ આગળ આવીને લડયા છે, તે કોઈ નાયકત્વથી ઓછું નથી અને આખી દુનિયા તેમના અંગે વિચારે છે.

એક ટીવી પ્રસારણમાં બાઈડેન અને ઝેલેન્સ્કીએ સંયુક્ત નિવેદન આપતા કહ્યું કે લોકતાંત્રિક દુનિયાએ આ સાહસિક લડાઈ જીતવી જ પડશે. બાઈડેને કહ્યું કે, યુક્રેનને અમેરિકાનું સમર્થન મળતું રહેશે. ઝેલેન્સ્કીએ કહ્યું, આ પ્રવાસ અમેરિકા અને યુક્રેનના સંબંધોના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ છે. આ પ્રવાસ દર્શાવે છે કે અમે પહેલાં જ ઘણું બધું હાંસલ કરી લીધું છે. આજની અમારી વાતચીત સાર્થક રહી છે.

ઝેલેન્સ્કીએ ઉમેર્યું કે, આ પ્રવાસની અસર નિશ્ચિતરૂપે યુદ્ધના મેદાનમાં જોવા મળશે. જાન્યુઆરીની શરૂઆતમાં જ અમેરિકાએ યુક્રેનને અબ્રામ્સ ટેન્ક આપવાનો નિર્ણય કર્યો હતો, જે હવે યુક્રેનની સંરક્ષણ શ્રેણીમાં પોતાનું યોગદાન આપી રહી છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, બાઈડેન સાથે લાંબા અંતરના હથિયારો પર પણ વાત થઈ છે. મને ખબર છે કે યુક્રેનને એક મહત્વપૂર્ણ સપોર્ટ પેકેજ મળશે અને આ સંકેત છે કે કોઈપણ રશિયન આક્રમક્તા માટે હવે કોઈ તક નથી. તેમણે બાઈડેનને કહ્યું, મિસ્ટર પ્રેસિડેન્ટ, યુક્રેન તમારા પ્રત્યે આભારી છે.

અમેરિકન પ્રમુખ જો બાઈડેને કહ્યું કે, મંગળવારે અમેરિકા યુક્રેન માટે ૫૦૦ મિલિયન ડોલરની સૈન્ય મદદ અને સહાયતા પેકેજની જાહેરાત કરશે. અમેરિકા યુક્રેનને સતત મદદ કરતું રહેશે. તે માત્ર નાણાં જ નહીં, સૈન્ય મદદ માટે પણ તૈયાર છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે યુક્રેનની લડાઈ લોકતંત્રની લડાઈ છે અને યુક્રેનવાસીઓને રક્ષણ માટે ઉપકરણો અપાશે. તેમણે ઉમેર્યું હતું કે, રશિયન સૈન્ય જરૂર હારશે અને યુક્રેનને બધા જ હથિયારો પૂરા પડાશે, તેમાં કોઈ સમજૂતી નહીં કરાય.

બાઈડેને જણાવ્યું હતું કે, યુક્રેન પર આક્રમણ કરવાનો રશિયન પ્રમુખ પુતિનનો આશય સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. પુતિન ઈચ્છતા હતા કે અમે લોકો એક ના થઈએ. નાટોમાં એકતા જોવા ના મળે, પરંતુ એવું નથી થઈ શક્યું. પુતિને વિચાર્યું હતું ે, અમને લોકોને બાજુ પર મુકી દેશે. તે યુક્રેન પર સરળતાથી વિજય મેળવી લેશે, પરંતુ તેમની યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. એક વર્ષ થઈ ગયું છે અને આજે અમે સાથે ઊભા છીએ.

દરમિયાન અમેરિકન પ્રમુખ બાઈડનની યુક્રેન મુલાકાત રશિયા માટે ઉશ્કેરણીજનક પગલાં તરીકે કામ કરી શકે છે. બાઈડેનના આ પ્રવાસથી યુક્રેનના બહાને આખું પશ્ચિમી જગત તેમના વિરુદ્ધ ઉતર્યું છે તેવા રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનના દાવાઓને મજબૂતી મળશે. પુતિન છેલ્લા એક વર્ષથી દાવો કરી રહ્યા છે કે તેઓ નાટો દેશો સામે પોતાના દેશનું રક્ષણ કરવા માટે યુક્રેનમાં યુદ્ધ લડી રહ્યા છે. પુતિન પણ આ યુદ્ધના એક વર્ષ પૂરું થવાના પ્રસંગે ૨૪મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રને નામ સંબોધન કરવાના છે. આ ભાષણમાં પુતિન દુનિયાને તેમની આગળની યોજના અંગે જણાવી શકે છે. 

અમેરિકન પ્રમુખના સિક્રેટ યુક્રેન પ્રવાસની ઈનસાઈડ સ્ટોરી

બાઈડેનના યુક્રેન પ્રવાસથી દુનિયા અજાણ, પરંતુ રશિયાને જાણ હતી

- યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ જો બાઈડેનને એક વર્ષ પહેલાં જ કીવ આવવા આમંત્રણ આપ્યું હતું

અમેરિકન પ્રમુખ જો બાઈડેન સોમવારે વહેલી સવારે યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાની કીવ પહોંચ્યા ત્યારે જ આખી દુનિયાને બાઈડેનના આ ઐતિહાસિક પ્રવાસની જાણ થઈ. અમેરિકન પ્રમુખના આ પ્રવાસને અત્યંત ગુપ્ત રખાયો હતો. જોકે, બાઈડેનના કીવ આગમનની રશિયાને રવિવારે રાત્રે જ જાણ થઈ ગઈ હતી.

યુક્રેન પર રશિયાના આક્રમણને શુક્રવારે એક વર્ષ થવાનું છે ત્યારે ત્યાં હવાઈ હુમલાની સાઈરનોનો અવાજ સ્થાનિક નાગરિકો માટે નવો નથી રહ્યો. યુક્રેનમાં સોમવારે સવારે ૮.૦૦ વાગ્યે અચાનક સાઈરનનો અવાજ વધવા લાગ્યો હતો. કીવના રસ્તા બ્લોક કરી દેવાયા હતા. સામાન્ય નાગરિકોને ઐતિહાસિક ચર્ચ રોડ પર જવા પર પ્રતિબંધ મૂકાયો હતો. તેથી લોકોને અંદાજ આવી ગયો કે, કોઈ વીવીઆઈપી મુવમેન્ટ થવાની છે. 

થોડીક જ મિનિટમાં ચર્ચના મેઈન ગેટ પર અમેરિકન પ્રમુખ બાઈડેન યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે જોવા મળ્યા ત્યારે દુનિયાને વિશ્વના સૌથી શક્તિશાળી દેશના વડાની યુદ્ધગ્રસ્ત દેશના પ્રવાસની જાણ થઈ. બાઈડેનના આ પ્રવાસને અત્યંત ગુપ્ત રખાયો હતો. વ્હાઈટ હાઉસમાં રવિવારે સવાલ કરાયો કે બાઈડેન પૂર્વી યુરોપના પ્રવાસ વખતે યુક્રેન જશે? જવાબ અપાયો પ્રેસિડેન્ટ યુક્રેન નહીં જાય. જોેકે, રવિવારે રાત્રે જ બાઈડેન એરફોર્સ વનથી સીધા જ પોલેન્ડના વારસામાં પહોંચ્યા. ત્યાંના પ્રમુખ સાથે એક કલાકની મુલાકાત પછી બાઈડેન ટ્રેન મારફત કીવ પહોંચી ગયા.

સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકન પ્રમુખના યુદ્ધગ્રસ્ત દેશના આ પ્રવાસને અતિ ગુપ્ત રખાયો હતો. પરંતુ રશિયાને રવિવારે રાત્રે બાઈડેન અમેરિકાથી રવાના થયા તે સાથે જ જાણ કરી દેવાઈ હતી કે અમેરિકન પ્રમુખ કીવ જવાના છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ એક વર્ષ પહેલાં જ બાઈડેનને કીવ આવવા આમંત્રણ આપ્યું હતું. બાઈડેન કીવ પહોંચતા ઝેલેન્સ્કીએ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. આ સમયે બાઈડેને કહ્યું કે મારે અહીં આવવાનું જ હતું. અમેરિકા કોઈપણ સંજોગોમાં યુક્રેનનો સાથ નહીં છોડે.

અમેરિકન પ્રમુખ બાઈડેનની યુક્રેન મુલાકાત સમયે જ

ચીનના વિદેશ મંત્રી વાંગ યી રશિયા પહોંચશે, પુતિન સાથે મંત્રણા કરશે

- ચીન રશિયાને ઘાતક હથિયારો આપશે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે : યુએસ વિદેશ મંત્રી 

રશિયા અને યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂરું થવા આવ્યું છે. આવા સમયે યુદ્ધ શાંત થવાના બદલે વધુ વકરવાના સંકેતો મળી રહ્યા છે. અમેરિકન પ્રમુખ જો બાઈડેન સોમવારે યુક્રેન પહોંચ્યા છે ત્યારે જ ચીનના વિદેશ મંત્રી વાંગ યી રશિયા પહોંચવાના છે. ચીન યુક્રેન યુદ્ધમાં રશિયાને ઘાતક હથિયારો આપવા તૈયાર થયું છે તેવા અમેરિકાના આક્ષેપો વચ્ચે વાંગ યી મોસ્કોમાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે ગુપ્ત મંત્રણા કરશે.

ચીનના વિદેશ મંત્રી વાંગ યી હાલ આઠ દિવસના યુરોપ પ્રવાસે છે. તેમણે મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તેમના આ પ્રવાસના ભાગરૂપે તેઓ મોસ્કો પહોંચવાના છે. યુક્રેન પર રશિયાના આક્રમણને એક વર્ષ થઈ રહ્યું છે અને અમેરિકન પ્રમુખ જો બાઈડેને પહેલી વખત યુદ્ધગ્રસ્ત યુક્રેનની મુલાકાત લીધી છે ત્યારે વાંગ યીનો રશિયા પ્રવાસ ઘણો જ મહત્વનો મનાય છે.

એક અહેવાલ મુજબ શુક્રવારે રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂરું થશે. આ પ્રસંગે વ્લાદિમિર પુતિન દેશવાસીઓને સંબોધન કરવાના છે. જોકે, આ સમયમાં દુનિયાના બે સૌથી શક્તિશાળી દેશો અમેરિકા અને ચીનના ટોચના નેતાઓના યુદ્ધગ્રસ્ત દેશોના પ્રવાસ અમેરિકા-ચીનના સંબંધોના ઘર્ષણને રેખાંકિત કરે છે. અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાસ ચાલુ છે. તાજેતરમાં જ અમેરિકાએ ચીનના શકમંદ જાસૂસી બલૂનને અમેરિકન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતાં તોડી પાડયું હતું. આ ઘટનાએ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ખરાબ કર્યા છે.

નોંધનીય છે કે ચીને રશિયાના યુક્રેન પરના આક્રમણને એક વર્ષ થઈ ગયું હોવા છતાં આ મુદ્દે રશિયા કે પુતિનની ટીકા કરી નથી અને રશિયા અંગે 'નો લિમિટ ફ્રેન્ડશિપ'ની જાહેરાત કરી હતી. બંને દેશ અમેરિકાને સંયુક્ત દુશ્મન માને છે. આ પરિસ્થિતિમાં તાજેતરમાં મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ દરમિયાન અમેરિકન વિદેશ મંત્રી બ્લિન્કને ચીનને ચેતવણી આપતા કહ્યું હતું કે ચીન યુક્રેન યુદ્ધમાં રશિયાને ઘાતક શસ્ત્રો પૂરા પાડવાની તૈયારી કરી રહ્યું છે. જો આવું થશે તો ચીને તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.  બીજીબાજુ વાંગ યીએ આ અહેવાલોને ખોટા ઠેરવતા કહ્યું હતું કે ચીન આગમાં ઘી નાંખવાનું કામ નથી કરી રહ્યું. ઉલટાનું અમેરિકા યુક્રેનને હથિયારો પૂરા પાડી રહ્યું છે તે આખી દુનિયા જોઈ રહી છે. કેટલીક તાકતો ઈચ્છે છે કે શાંતિ વાટાઘાટો સફળ ના થાય અને આ યુદ્ધ લાંબુ ચાલે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે